બેભાનાવસ્થા (કોમા)
જ્યારે કોઈપણ કારણસર મગજની કામગીરી કામચલાઉ કે કાયમી ધોરણે ખોરવાઇ જાય ત્યારે માણસ ભાન ગુમાવવા લાગે છે અને છેવટે કોમા તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. કોમા એટલે એવી અવસ્થા જેમાં દર્દી આંતરિક જરૂરિયાતો કે બાહ્ય હસ્તક્ષેપનો યોગ્ય પ્રતિભાવ ન આપી શકે, જેમાં દર્દી પાતાની જાત અને બાહ્ય દુનિયાથી તદ્દન અજાણ હોય છે અને આ અવસ્થામાંથી દર્દીને જગાડી શકાતો નથી. બેભાનાવસ્થા (કોમા) માટે શરીરની આંતરિક ખરાબી કે શરીરની બહારના પરિબળો જવાબદાર હોય છે.
નીચે જણાવેલ આંતરિક અવ્યવસ્થા કોમા માટે જવાબદાર હોઈ શકે:
(૧) લોહીમાં શર્કરા (સુગર) ખૂબ ઓછી કે વધુ થઇ જવી. (૨) મગજમાં રકતસ્રાવ થવો (બ્રેઇન હેમરેજ). (૩) મગજને કોઇ પણ કારણસર લોહી અને ઓકિસજન ઓછા મળવા. (૪) લિવર (યકૃત) ની કામગીરી ખોરવાઈ જવી. (૫) કિડની ફેઈલ થઈ જવી. (૬) ખેંચ આવવી. (૭) હિસ્ટેરિયા.
કોમા માટે જવાબદાર બાહ્ય કારણો નીચે મુજબ હોઇ શકે:
(૧) માથા પર સીધો માર વાગવો. (૨) ઝેરી મેલેરિયા કે મેનિન્જાઈટીસ જેવી બીમારી. (૩) વધુ પડતો દારૂ પીવાથી કે અફીણ લેવાથી. (૪) અન્ય ઝેર ચડવાથી. (૫) વીજળીના આંચકાથી. (૬) લૂ લાગવાથી. (૭) કોઈ દવા કે ઈન્જેક્શનના વધુ પડતા ડોઝથી.
આમ, બેભાન થઈ જવાના સંખ્યાબંધ કારણો છે. તેમાંના અમુક એકદમ ક્ષણિક હોય છે. જેમકે ચક્કર આવીને બે ઘડી મૂર્છા આવી જવી કે ખેંચ પછી થોડા સમય માટે બેભાન રહેવું. આ પ્રકારની બેભાનાવસ્થા આપોઆપ જ સારી થઈ જાય છે. પણ, આ સિવાયના મોટેભાગના બેભાનાવસ્થાના કારણો ખૂબ ગંભીર હોય છે અને સમયસરની સારવારને અભાવે દર્દીનુ મૃત્યુ પણ થઈ શકે છે. તેથી કોઈપણ બેભાન વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર સમજીને તાત્કાલિક સારવાર કરવા લાગી જવું જોઈએ. અને શક્ય એટલા જલ્દી હોસ્પિટલ પહોંચવાની તજવીજ કરી દેવી જોઈએ.
બેભાનાવસ્થા (કોમા)ને ઓળખવામાં સામાન્ય રીતે કોઈ તકલીફ નથી પડતી, કારણકે સારવાર આપનાર વ્યક્તિ મોટેભાગે કોઈજાતનો પ્રતિભાવ ન આપતી સંર્પૂણ બેભાન વ્યક્તિને જ જુએ છે. પરંતુ જે દર્દી ધીરે ધીરે ભાન ગુમાવતો હોય એવા દર્દી શરૂઆતના તબકકામાં ગૂંચવાયેલ લાગે છે, સવાલના ખોટા જવાબ આપે, દિવસનો સમય, આજુબાજુની વ્યક્તિ કે જગ્યા કઈ છે તે બરાબર જણાવી નથી શકત. કોઈવાર એકની એક વાત વારંવાર કર્યા કરે છે. ઊંઘના સમય ઉલટાઇ જાય છે. દિવસભર ઉંઘ્યા કરતો અને રાતભર ઊંઘી ન શકતો દર્દી ક્યારેક બેભાનાવસ્થાની નજીક હોય છે. જેમ દર્દી વધુને વધુ ભાન ગુમાવે છે તેમ એની સાથે વાત કરવાનું મુશ્કેલ બની જાય છે. વાતચીત કરવા માટે દર્દીને ઢંઢોળવા છતાં જવાબ નથી મળતો. આાવા દર્દીને જગાડવા માટે દુ:ખાવો થાય એ રીતે ચીમટો ભરવો પડે છે. જેમ સ્થિતિ બગડતી જાય તેમ દર્દજનક ચીમટાથી પણ દર્દીને કોઇ અસર થતી નથી. છેવટે દર્દીનો શ્વાસ ધીમો અને અનિયમિત થવા લાગે છે અને નાડી ધીમી થઇ જાય છે. જ્યારે આવા સંર્પૂણ બેભાન દર્દીને જુઓ ત્યારે તાત્કાલિક નીચે જણાવ્યા પ્રમાણે પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઇએ.
(૧) બેભાન દર્દીનો શ્વાસોચ્છવાસ બરાબર ચાલે છે કે નહીં તે સૌથી પહેલા તપાસવું. જો શ્વાસોચ્છવાસ બંધ હોય કે નબળો ચાલતો હોય તો કૃત્રિમ શ્વાસોચ્છવાસ શરૂ કરી દેવો જોઈએ. (જુઓ પ્રકરણ નં ૨).
(૨) દર્દીનો શ્વાસ બરાબર ચાલતો હોય તો તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોણે પડખે ઊંધો સુવ
ડાવવો. મોંમાંથી ચોકઠું હોય તો કાઢી નાખવું. દર્દીનું મોં અંદરથી ગળા સુધી બરાબર સાફ કરવું જેથી તેનું થૂંક કે ઊલટી શ્વાસનળીમાં ઊતરે નહીં અને શ્વાસ બરાબર ચાલે. દર્દીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોણે પડખે સુવડાવવાનો હેતુ દર્દીની જીભને ગળાનાં પાછળના ભાગ તરફ ઢળતી અટકાવવાનો હોય છે જેથી જીભને કારણે શ્વસનર્માગમાં અવરોધ ન થાય. બેભાન દર્દીને કદી કંઇ ખવડાવવા પીવડાવવાનો પ્રયત્ન ન કરવો.
(૩) જો ક્યાંયથી લોહી વહી જતું હોય તો એ બંધ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરવો. (જુઓ પ્રકરણ નં. ૪)
(૪) દર્દીના તંગ કપડાં ઢીલાં કરવા જેથી એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. તેની આસપાસથી ટોળું દૂર કરી તાજી હવા આવવા દેવી. દર્દીને કાંદો-જોડો વગેરે સુંઘાડવાથી કોઇ ફાયદો થતો નથી, ઉલ્ટુ નુક્સાન થઇ શકે છે.
(૫) દર્દીની નાડી એકદમ ધીમી ચાલતી હોય અને હાથપગ ઠંડા પડી ગયા હોય તો દર્દીને એ રીતે સુવડાવવો કે જેથી એના પગ તરફનો ભાગ માથાથી ઊંચો રહે. આ સ્થિતિમાં જે થોડું થોડું લોહી હ્રદયમાંથી નીકળતું હોય તે મગજ સુધી પહોંચી મગજને જીવંત રાખી શકે છે. દર્દીને કદી તકીયા પર માથું રાખી સુવડાવવો નહીં. આવા દર્દીને ગરમ ધાબળો ઓઢાડી રાખવો.
(૬) દર્દીને સખત તાવ હોય કે લૂ લાગી હોય તો એને ઠંડકવાળી જગ્યાએ લઈ જવો, તેના કપડાં કાઢી નાખવાં, પંખો નાખવો, અને ઠંડા પાણીના પોતાં મૂકવાં.
(૭) બેભાનાવસ્થાનું કારણ શોધવા પ્રયત્ન કરવો:
દર્દીના સગાંની પૂછપરછ કરવાથી, દર્દીના ખીસ્સા ફંફોસવાથી અને દર્દીની આસપાસના વાતાવરણ અને વસ્તુઓનો અભ્યાસ કરવાથી કારણ મળી પણ આવે. દર્દીને ચાલતી દવાઓ, ઈંજેક્શનો અને દર્દીના વ્યસનોની ખાસ નોંધ લેવી.
* દર્દીના શ્વાસમાંથી આવતી ગંધ દ્વારા ઘણી માહિતી મળી શકે છે. જેમકે, ડાયાબીટીસમાં શુગર વધી જવાને કારણે ઉદ્દભવેલી બેભાનાવસ્થામાં સડેલાં સફરજન કે વારનિશ જેવી ગંધ આવે છે. શ્વાસમાં દારૂની ગંધ, કેરોસીન અને જીવડાં મારવાની દવાની ગંધ તરત જ બેભાનાવસ્થાનું કારણ જણાવી દે છે. લિવર ખરાબ થઈ જવાને કારણે બેભાન વ્યક્તિમાં એમોનિયા જેવી ગંધ અને કિડની ખરાબ થઈ જવાથી શ્વાસમાં જુના પેશાબ જેવી વાસ આવે છે.
* દર્દીના માથા પર હાથ ફેરવીને જોવું કે કોઇ જગ્યાએ માર વાગ્યો કે ફ્રેક્ચર થયું છે? જો એવું હોય તો એ માર બેભાનાવસ્થા માટે જવાબદાર હોઇ શકે.
(૮) દર્દીના ખીસ્સા ફંફોસી તેનું નામ - સરનામું જાણવું અને સગાઓને તાત્કાલિક જાણ કરવી.
(૯) દર્દીને ઝડપભેર હોસ્પિટલ પહોંચાડવો અને આ દરમિયાન બેભાનાવસ્થાનું કોઇ કારણ મળ્યું હોય તો એને અનુરૂપ પ્રાથમિક સારવાર ચાલુ કરી દેવી. ડોક્ટરને દર્દીની સ્થિતિ અને આપેલી પ્રાથમિક સારવારની સંપૂર્ણ વિગતો આપવી.