મોટાભાગના અચાનક શરૂ થયેલ પીઠના દુ:ખાવા આપોઆપ જ મટી જતા હોય છે. પીઠના કરોડસ્તંભની આસપાસના સ્નાયુ ખેંચાઇ જવાને કારણે અચાનક દુઃખાવો શરૂ થાય છે. છેલ્લાં સંશોધનો અનુસાર આ દુખાવામાં રાહત માટે માત્ર બે દિવસનો આરામ જ જરૂરી હોય છે. જે સ્થિતિમાં સૌથી ઓછો દુ:ખાવો અને સૌથી વધુ આરામ લાગતો હોય તે સ્થિતિ આદર્શ ગણાય. પીઠના દુ:ખાવાના દર્દી સામાન્ય રીતે ઘૂંટણ નીચે એક બે તકિયા મુકીને કઠણ સપાટી પર સૂવાથી મહત્તમ આરામ અનુભવે છે. ગરમ પાણીનો શેક કરવાથી તાત્કાલિક રાહત પહોંચી શકે છે. દર્દશામક દવાઓ પણ વધુ પડતા દુ:ખાવાને કાબૂમાં લેવા માટે ઉપયોગી થઇ શકે છે. અચાનક થયેલ દુખાવા માટે મસાજ કે કસરત કરાવવાનું હિતાવહ હોતું નથી.
જે દર્દીઓને પીઠનો કાયમી દુ:ખાવો રહેતો હોય એમને માટે કસરત ઘણી ઉપયોગી સાબિત થઇ શકે. કસરત કરવાથી કરોડસ્તંભના સ્નાયુઓ મજબૂત બને છે અને નબળાં પડેલા ભાગને ટેકો આપી શકે છે. તરવાની કસરત પીઠના દુ:ખાવા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
કાયમી કે વારંવાર પીઠના દુ:ખાવા માટેે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:
(૧) વજન ઊંચકતી વખતે :- કયારેય પણ કમ્મરેથી વાંકા વળીને વજન ન ઊંચકો. જમીન પરથી વજન ઉઠાવવા માટે ઘુંટણમાંથી પગ વાળો. ઊંચકેલું વજન શરીરની એકદમ નજીક રાખો. હાથમાં વજન ઊંચકેલું હોય ત્યારે બંને હાથમાં લગભગ સરખુ વજન રાખો.
(૨) લાંબો સમય ઉભા રહેતી વખતે :- લાંબો સમય ઉભા રહેવાનું ટાળવું. ઉભા રહેવું જ પડે તો વારા ફરતી એક-એક પગ સ્ટુલ કે ખુરશી પર મુકવો.
(૩) સૂતી વખતે :- ખૂબ નરમ પથારી ન વાપરવી. પ્રમાણસરની કઠણ પથારીમાં જ ઘૂંટણ નીચે તકીયા રાખીને સૂવુું.
(૪) બેસતી વખતે :- જાંઘના સાંધા કરતાં ઘૂંટણ ઊંચો રહે એ રીતે બેસવું લાંબા સમયના કામ માટેની ખૂરશી મોટી હોવી જોઇએ, જે કમ્મરના પાછલા ભાગને ટેકો આપે, હાથને ટેકો આપે અને પગ મુકવાની જગ્યા પુરી પાડે.
(૫) ઘરમાં કામ કરતી વખતે :- વાંકા વળીને કચરો-પોતું કરવાને બદલે લાંબા હેન્ડલવાળા ઝાડુ અને પોતા બનાવીને વાપરવાથી કમ્મરને આરામ રહે છે.
(૬) ડ્રાઇવીંગ :- લાંબા સમયનાં ડ્રાઇવીંગ વખતે વચ્ચે વચ્ચે દર અડધા કલાકે આરામ લેવો જોઇએ. જો સીટ ઓછી ફાવતી હોય તો એકાદ ઓશીકુ પીઠના નીચેના ભાગને ટેકો આપવા માટે ગોઠવવું જોઇએ.