હ્રદયરોગ માટે વારસાગત પરિબળો, બેઠાડુ - બિનકસરતી જીવન, વધુ પડતાં ઘી-તેલવાળો ખોરાક, તમાકુનું વ્યસન, માનસિક તાણ, જાડાપણું, હાઇબ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવાં પરિબળો જવાબદાર હોય છે. હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓ સાંકડી થઇ જવાને કારણે હ્રદયને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી જેને કારણે હ્રદયરોગની તકલીફ ઉદભવે છે. જયારે થોડાક સમય માટે જ હ્રદયને લોહીની ઘટ પડે ત્યારે એન્જાઇના તરીકે ઓળખાતો છાતીનો દુ:ખાવો થાય છે, જે દસ-પંદર મિનિટમાં બંધ થઇ જાય છે. પરંતુ જો લોહી લઇ જતી ધમની સંપૂર્ણ બ્લોક ( બંધ) થઇ જાય તો હાર્ટએટેક આવે છે. હાર્ટએટેક કે એન્જાઇનાને કારણે છાતીમાં વચ્ચોવચ ભાર લાગે છે. અને કયારેક હાથ કે જડબા સુધી દુ:ખાવો જાય છે.
હ્રદયરોગની સારવાર : જો છાતીમાં હ્રદયરોગના હુમલા જેવો દુ:ખાવો થાય તો દર્દીને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવો જરૂરી બની જાય છે. કારણ કે હૉસ્પિટલમાં જેટલી વહેલી સારવાર મળે એટલી સારા થવાની શકયતા વધારે રહે છે. આવા દર્દીને કોઇપણ પ્રકારનો પરિશ્રમ ન પડે એ રીતે, બની શકે તો એમ્બ્યુલન્સની મદદથી જ હૉસ્પિટલ ખસેડવો જોઇએ. હાર્ટએટેકના દર્દીને તાત્કાલિક પથારીવશ થઇને આરામ કરવાની જરૂર હોય છે. કારણ કે જેટલો વધુ શ્રમ પડે એટલું વધુ નુકસાન થઇ શકે છે. હ્રદયરોગની મજબૂત શંકા પણ જતી હોય તો એવાં દર્દીને તાત્કાલિક એસ્પિરીન ( ૧૫૦ મિ.ગ્રા.)ની ગોળી આપી દેવી જોઇએ. (નોંધ: જો દર્દીને એસ્પિરીનની એલર્જી હોય કે પેટમાં અલ્સર હોય અથવા ડોકટરે એ વાપરવાની ના પાડી હોય તો એ ન આપવી)
હ્રદયરોગને કાયમ માટે કાબૂમાં રાખવા માટે નિયમિત કસરત, ઓછા ઘી-તેલ-ચરબીવાળો ખોરાક, વ્યસનમુક્તિ, મનોશાંતિ ઉપરાંત જાડાપણું, હાઇબ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીની સારવાર ખૂબ જરૂરી છે. ડૉક્ટરની સલાહ મુજબ ખોરાક દવા લેવાથી, કસરત કરવાથી કે ઓપરેશન કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાથી તકલીફ કાબૂમાં આવી શકે.