ખેંચ -તાણ-વાઇ-આંચકી-ફેફરું

આટલા બધા નામે ઓળખાતી આ તકલીફોમાં દર્દી એકદમ બેભાન થઇને પડી જાય છે. તેના હાથ પગ ઝાટકાભેર વારંવાર હલે અથવા કડક-સજજડ થઇ જાય. આંખ ખુલ્લી રહે અને સાથે મોટે ભાગે આંખોના ડોળા ઉપર ચડી જાય, મોઢે ફીણ આવી જાય, દાંત ભીંસાય, ગળામાંથી વિચિત્ર ઘોઘરો અવાજ નીકળી શકે. સંડાસ-પેશાબ પણ થઇ શકે. ખેંચ સામાન્ય રીતે થોડી મીનીટોમાં આપોઆપ બંધ થઇ જાય છે. ભાગ્યે જ અડધા કલાકથી લાંબો સમય ખેંચ ચાલે છે. ખેંચ પત્યા પછી થોડી મીનીટો દરમ્યાન દર્દી બેભાન રહે છે. ખેંચ દરમ્યાન થયેલી હાલતની સ્મૃતિ ના હોય.

ખેંચ આવવાથી દર્દી પડી જાય ત્યારે તેને ઇજા થઇ શકે, દાંત વચ્ચે જીભ ચવાઇ જાય અને ખેંચ લાંબી ચાલે તો શ્વાસ પણ રૂંધાઇ જાય. આમ કોઇપણ ખેંચ નુકસાનકારક છે. ખેંચ મુખ્યત્વે મગજમાં ગરબડને કારણે થાય. બાળકોમાં મોટે ભાગે તે તાવમાં આવે. તાવ સાથે આવે ત્યારે એ મગજમાં પાક કે મેલેરિયાની નિશાની પણ હોઇ શકે. આ સિવાય બીજાં ઘણાં કારણોસર ખેંચ આવે. કોઇકને વળી વારંવાર ખેંચ આવીને પછી સારું પણ થઇ જાય.

ખેંચની સારવાર : આપણે અહીં માત્ર પ્રાથમિક સારવારના ભાગરૂપે લેવાની કાળજી વિશે ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઇશું. જયારે ખેંચ આવતી હોય ત્યારે આટલું ધ્યાનમાં રાખવું.

- દર્દીને જમીન પર સુવડાવી દેવો.

- આજુબાજુમાંથી ઇજા કરી શકે તેવી વસ્તુઓ ખસેડી લેવી.

- તેના દાંત વચ્ચે, પાતળી લાકડી કે ચમચી જેવી કડક વસ્તુ પર રૂમાલ જેવું કપડું લપેટીને ભરાવી દેવું જેથી દાંત વચ્ચે જીભ કચડાઇ ન જાય. ખાસ ધ્યાન રાખવું કે આમ કરતાં તમારી પોતાની આંગળી દર્દીના દાંત વચ્ચે સલવાઇ ન જાય.

- ઝાટકાભેર ખેંચાતા હાથ-પગને તણાતા રોકવા જોર કરવું નહીંં. આમ જોર કરવાથી સ્નાયુને નુકસાન થાય.

- દર્દીના મોંમાં કંઇપણ ખાવા-પીવાની વસ્તુ આપવી નહીં કારણ કે આમ કરવાથી આપેલી વસ્તુ ફેફસાંમાં ઉતરી નુકસાન કરી શકે છે. ખેંચ પતી ગયા પછી દર્દી ઊંઘી જાય છે. આ તબકકે દર્દીને પડખાભેર સુવડાવવુ હિતાવહ છે. એ ઊંઘમાંથી ઉઠે ત્યારે તેને પૂરતી ખાંડ નાખેલી ચ્હા, લીંબુનું પાણી, દૂધ કે કોફી આપી શકાય.

- દર્દીને કાંદો, જોડો કે જલદ વસ્તુ સૂંઘાડવી નહીંં, કારણ કે તેનાથી દર્દીના ગળામાં વધુ થૂંક આવશે જે ફેફસાંમાં ઊતરીને નુકસાન કરી શકે.

- દર્દીની આસપાસ બહુ લોકોએ ભેગા ના થવું, તેની પાસે તાજી હવા આવવા દેવી.

- ખેંચ વધુ સમય ચાલુ રહે તો તરત ડૉક્ટરને બોલાવવા. નહીં તો ખેંચ પત્યા પછી દર્દીને ડૉક્ટર પાસે લઇ જવો.

- ખેંચ પત્યા પછી ચકાસી લેવું કે દર્દી ડોકટરે કહેલી દવા બરાબર માત્રામાં લ્યે છે કે નહીંં.

- ખેંચમાં કોઇ ભૂત-ભૂવા-મેલુંનો હાથ હોતો નથી.

- જેને વારંવાર ખેંચ આવતી હોય તેણે પોતાના ખિસ્સામાં નામ, સરનામું અને ખેંચ માટેની ચાલુ દવાનું નામ લખીને એક કાર્ડ તૈયાર રાખવુ જોઇએ. જેથી અજાણ્યા માણસને દર્દીની સારવાર કરવાની સરળતા રહે. વારંવાર ખેંચ આવતી હોય તે વ્યક્તિએ પાણીમાં તરવા ન પડવું, ઊંચાઇઓ પર જવું નહીં, વાહન ન ચલાવવું, એકલાં મુસાફરી ન કરવી અને જોખમી જગ્યાઓએ કામ ન કરવું જોઇએ.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર