પેશાબ અટકી જવાની તકલીફ માટેભાગે મોટી ઉંમરના પુરુષોમાં થાય છે. પેશાબ નીકળવાની નળીની આસપાસ પ્રોસ્ટેટ નામની ગ્રંથિ આવેલી હોય છે. આ ગ્રંથિ મોટી ઉંમરે આપોઆપ જ મોટી થવાથી અને કયારેક યુવાન વયે પણ એમાં ચેપ લાગવાથી પેશાબના માર્ગમાં અવરોધ કરે છે. જેને કારણે પેશાબની ધાર બરાબર થાય નહીં, પેશાબ અટકી અટકીને ટીપે-ટીપે થાય અને કયારેક પેશાબ સદંતર અટકી જવાની ઘટના બને. આવી ઘટના અમુક સંજોગોમાં ખાસ બને છે, જેમકે ઠંડીમાં વધુ ફરવાથી, દારૂનું સેવન કરવાથી, લાંબો સમય પેશાબ રોકી રાખવાથી, લાંબો સમય પથારીવશ રહેવાથી વગેરે.
પ્રોસ્ટેટ સિવાય અન્ય મુખ્ય કારણોમાં પેશાબના માર્ગમાં પથરીનો અવરોધ અને બીજા કોઇ કારણસર સંકોચાયેલ માર્ગ આવે છે. સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા અને હિસ્ટેરીયાના કારણે પેશાબ અટકી શકે છે. પેશાબ અટકી પડે ત્યારે દર્દીને પેટમાં નીચેના ભાગે (પેઢુમાં) દુ:ખાવો શરૂ થાય જે ધીરે ધીરે બળવત્તર અને તીવ્ર થતો જાય. એ ભાગ ફૂલી જાય અને દબાવવાથી દુ:ખાવો થાય.
પેશાબ અટકી જવાની સારવાર : આવા દર્દીને સારવાર રૂપે ગરમ હૂંફાળા પાણી ભરેલા મોટાં ટબમાં કમર સુધીનો ભાગ ડૂબે તેવી રીતે બેસાડવા. આમ શકય ના હોય તો પેઢુ પર ગરમ પાણી ભરેલી કોથળી, બાટલી કે પોતાથી શેક કરી શકાય. આવા શેકથી એકાદ કલાકમાં જો પેશાબ થાય તો કરવા દેવો, નહીંં તો બાથરૂમમાં લઇ જઇ નળને ચાલુ રાખી પાણીની પડતી ધાર પાસે સહેલાઇથી થઇ શકતો હોય છે. આવા પ્રયત્નો છતાં પેશાબ થાય નહીંં તો ડૉક્ટરની મદદ તાત્કાલિક લેવી જોઇએ.