લૂ લાગવી (હિટ સ્ટ્રોક)

ગરમીથી ન ટેવાયેલા લોકોને ભારે ગરમી લાગે તો લૂ લાગી જાય. ગરમ ભેજવાળા વાતાવરણમાં શ્રમ કે દોડવાં જેવી કસરત કરવાથી લૂ લાગી શકે છે. ગરમીને કારણે શરૂઆતમાં ખૂબ પરસેવો થાય, પછી તરસ લાગે, બેચેની થાય, હાથ-પગ-માથું કળે, ભૂખ મરી જાય, ગભરામણ-ઊલટી વગેરે થાય, ખૂબ કમજોરી લાગે, ચકકર આવે, ખેંચ અને અચાનક બેહોશી પણ આવે. જો શરૂઆતનાં આ લક્ષણોને ગણકારવામાં ન આવે તો કયારેક શરીરની તાપમાન-નિયંત્રણ વ્યવસ્થા ખોરવાઇ જાય અને શરીરનું તાપમાન ખૂબ વધવા લાગે.

લૂ માટેની સારવાર : (૧) દર્દીને છાંયડામાં રાખવો અથવા ખુલ્લા હવા-ઉજાસવાળા ઠંડા ઓરડામાં રાખવો, પંખો નાંખવાનું ચાલુ કરી દેવું. (૨) શરીર પર કશું ઓઢાડવુું નહીં. શકય એટલાં ઓછાં કપડાં દર્દીને પહેરાવવાં. (૩) દર્દી બેહોશ ન હોય તો પાણી અને પ્રવાહી ખોરાક શકય એટલાં વધુ પીવડાવવાં. (૪) માટલાના ઠંડા પાણીનાં પોતાં આખા શરીરે મૂકવાં. માત્ર કપાળ પર પોતા મૂકવાથી કોઇ ફાયદો થતો નથી. કપાળ ઉપરાંત છાતી - પેટ - હાથ - પગ બધે જ પોતાં મૂકવાં જોઇએ. (૫) શરીરનું તાપમાન ૧૦૬ ફેરનહીંટ ( ૪૧સે.) કરતાં વધુ હોય તો એ ઇમરજન્સી ગણાય અને ત્યારે જો બરફ મળે તો શરીરના બધા ભાગો પર બરફ ઘસીને તાપમાન નીચું લાવવા પ્રયત્નો કરવા.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર