કમળો થાય એ પહેલાં ઘણા લોકોને તાવ આવે છે. ઝીણો તાવ, ભૂખ ન લાગવી, ઊબકા થવા, ઊલટી થવી, ખાવાનું બેસ્વાદ લાગવું, બંધાણીઓને બીડી-સિગારેટ પીવાની ઇચ્છા ન થવી, પેટમાં જમણી બાજુ ઉપરના ભાગે દુ:ખવું આ બધાં કમળાનાં લક્ષણો છે. મહત્વની વાત એ છે કે કમળાને કારણે જ્યારે આંખ અને પેશાબ પીળાં થવા લાગે ત્યારે તાવ ઉતરવા લાગે છે.
કમળાની સારવાર : કમળો હીપેટાઇટીસ નામના વાઇરસથી થાય છે. આ વાઇરસ સામે હજી સુધી કોઇ અસરકારક દવા શોધી શકાઇ નથી. એટલે કમળો મટાડવાની કોઇ દવા કે દોરા-ધાગા કરાવવાને બદલે ઘરે રહી આરામ કરવો વધુ જરૂરી છે. આરામ કરવાથી કમળો વધતો અટકે છે. ખોરાકમાં રહેલ ઘી-તેલને પચાવવા માટે લિવરના પાચક રસ જરૂરી હોય છે. કમળામાં આ પાચક રસ ઓછા બનતા હોવાથી ઘી-તેલ પચી શકતા નથી. જો વધુ ઘી-તેલ વાળો ખોરાક લેવામાં આવે તો ઝાડા થઇ શકે છે. એટલે કમળાવાળા દર્દીને ખોરાકમાં ઓછા ઘી-તેલવાળી વસ્તુઓ આપવી જોઇએ. આ સિવાય બીજી કોઇ પરેજી પાળવાની જરૂર હોતી નથી. જો કમળો ખૂબ વધી જાય તો મગજ પર ગંભીર અસર થાય. એવે વખતે દૂધ તથા કઠોળ પ્રોટીનયુકત અન્ય પદાર્થો ખાવાની ડૉક્ટર ના પાડે છે. પરંતુ આ તો ગંભીર દર્દીઓ માટે જ. સામાન્ય કમળાના દર્દીઓ માટે વધુ પ્રમાણમાં તૈલી પદાર્થ ( ઘી - તેલ - માખણ - મલાઇ) ખાવાનું છોડીને બાકીની બધી વસ્તુ ખાવાની છૂટ હોય છે. જેમ જેમ ભૂખ ઉઘડતી જાય તેમ તેમ કમળાની બીમારી સુધરતી જાય છે.