કબજિયાતની તકલીફ ઘણાં કારણોસર થઇ શકે છે. ખોરાકમાં રેસાતત્ત્વનું પ્રમાણ ઓછું હોય, દિવસભર પાણી ઓછું પીવાતુ હોય તો કબજિયાત થવાની શકયતા વધે છે. વારંવાર પ્રવાસ કરનાર અને વધુ ઘી-તેલવાળો ખોરાક લેનાર વ્યક્તિને પણ કબજિયાત થવાની શકયતા વધે છે.
કબજિયાતની સારવાર : (૧) દિવસભર વધુ પ્રમાણમાં પાણી પીવું. (૨) શાકભાજી-ફળો અને કઠોળ જેવા રેસાયુકત ખોરાક વધુ પ્રમાણમાં ખાવા. મેંદાને બદલે ઘંઉ, મીલના સફેદ પોલીશ્ડ ચોખાને બદલે હાથછડના કથ્થાઇ ચોખા, ફોતરાં વગરની દાળને બદલે ફોતરાંવાળી દાળ પસંદ કરવાં. બાળકોએ રોજનું ૫૦૦મીલીલીટર કરતાં અોછુ દુધ પીવું. (૩) નિયમિત ચાલવું. (૪) કુદરતી હાજત અવગણવી નહીં. રોજ સવારે હાજત જવાની ટેવ રાખવી. જરૂર પડયે થોડુંક નવાયું / હુંફાળું પાણી સવારે પીવું. (૫) શકય હોય ત્યાં સુધી દવા ન લેવી. ઇસબગુલ પાવડર રોજ રાત્રે પાણી સાથે લેવાથી કોઇ આડઅસર વગર થોડોક ફાયદો થઇ શકે. બહુ તકલીફ માટે કયારેક રાહત પૂરતી પેટ સાફ લાવવાની દવા લઇ શકાય.