ઝાડા

દુષિત પાણી કે ખોરાક વાટે જંતુઓ પેટમાં જવાથી મોટાં ભાગના ઝાડા થાય છે. જયારે પણ કોઇ દર્દીને વધારે પ્રમાણમાં ઝાડા થઇ આવે ત્યારે ઝાડા વાટે ઘણું વધારે પ્રવાહી શરીરની બહાર નીકળી જાય છે. આને કારણે શરીરની અંદર પાણી અને ક્ષાર ઘટી જાય છે જે ડીહાઇડ્રેશન તરીકે ઓળખાય છે. ઝાડાના દર્દીના મૃત્યુ માટે આ ડીહાઇડ્રેશન જ મુખ્યત્વે જવાબદાર હોય છે.

ઝાડાની સારવાર : ઝાડા ઊલટીની સારવાર માટે જરૂરી પાણી અને ક્ષારનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ નકકી કરેલ છે. આ મુજબ એક લીટર ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં વીસ ગ્રામ ગ્લુકોઝ, સાડા ત્રણ ગ્રામ મીઠું ( સોડિયમ કલોરાઇડ), અઢી ગ્રામ ખાવાનો સોડા ( સોડિયમ બાયકાર્બોનેટ) અને દોઢ ગ્રામ પોટેશિયમ કલોરાઇડ હોવા જોઇએ. આટલી માત્રામાં ગ્લૂકોઝ અને ક્ષારો ધરાવતો પાવડર દરેક સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં મળે છે. જેને એક લીટર પાણીમાં ભેળવીને શરબત કરી શકાય. બજારમાં પણ ઘણા પાવડર ઉપલબ્ધ છે.

ોંઘા બજારુ પાવડર વાપરવાને બદલે ઘેર બેઠાં આવું મિશ્રણ બનાવી શકાય છે. આ માટે એક શેરિયો લોટો ( ૫૦૦ મિ.લી.) ભરીને ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ત્રણ આંગળીની ચપટી ભરીને મીઠું ( ૨ ગ્રામ) નાખવું જોઇએ. મીઠું નાંખ્યા પછી એ પાણીને હલાવીને ચાખો. આ પ્રવાહી આંખનાં આંસુથી વધારે ખારૂં ન હોવું જોઇએ. જો વધુ ખારુ હોય તો એ પાણી ઢોળીને ફરી પહેલેથી શરૂઆત કરો. ત્યાર બાદ આશરે એક માચીસનું ખોખું કે એક ચાંગળું ભરીને ખાંડ ( ૨૦ ગ્રામ) ઉમેરવી જોઇએ. સ્વાદ માટે શરબતમાં થોડુંક લીંબુ પણ નાંખી શકાય. જેટલી વખત જેટલાં પ્રમાણમાં ઝાડા વાટે પ્રવાહી નીકળે, એટલી વખત એટલા પ્રમાણમાં આવું ખાંડ મીઠાનું પાણી દર્દીને પીવડાવતા રહેવું જોઇએ. એક વખત બનાવેલ શરબત ચોવીસ કલાકની અંદર વાપરી નાંખવું જોઇએ. દર વખતે નવું શરબત બનાવવું વધુ લાભદાયદ છે. જો ગ્લાસ ભરીને શરબત બનાવવું હોય તો એક સ્ટીલના મોટાં ગ્લાસમાં ઉકાળીને ઠંડુ કરેલું પાણી લઇ એમાં બે આંગળીની ચપટી ભરીને મીઠું અને બે ચમચી ખાંડ નાખવાં જોઇએ.

ખાંડ મીઠાનું આવું શરબત ઝાડા ઊલટીના દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે જે અનેક દર્દીની જિંદગી બચાવે છે. ઝાડા બંધ કરવા માટે આ સિવાય બીજી કોઇ દવા લેવાની જરૂર નથી હોતી. આવી દવાઓ લાભ કરતાં નુકસાન વધારે કરે છે. જો ઝાડા વાટે શરીરમાંથી નીકળી જતાં પાણી અને ક્ષારની પૂર્તિ મોં વાટે પાણી અને ક્ષાર પીવડાવીને કરવામાં આવે તો દર્દીને ગંભીર ડીહાઇડ્રેશનમાંથી ( અને એટલે મોતથી) બચાવી શકાય છે. મોટાભાગના ઝાડા-ઊલટી આપોઆપ જ બે-ત્રણ દિવસમાં મટી જાય છે. એટલે આ બે-ત્રણ દિવસ સુધી જેટલું પાણી શરીરની બહાર નીકળી જાય એટલું જ પ્રવાહી જો મોં વાટે પીધા કરવામાં આવે તો જાનનો ખતરો ટળી જાય છે.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર