ઘરની જૂની ધૂળ, ખેતરમાંની ફૂલોની પરાગરજ, કુતરાં - બિલાડી - પક્ષીઓના વાળ-પીંછામાંથી ખરતા રજકણો અને અમુક પ્રકારની ફૂગની એલર્જીને કારણે ઘણા લોકોને દમની બીમારી થતી હોય છે. આ ઉપરાંત સલ્ફર ડાયોકસાઇડ, ઓઝોન વગેરે પરિબળો પણ દમનો હુમલો લાવવા માટે જવાબદાર હોય છે.
દમનો હુમલો આવે ત્યારે શ્વાસ નલીકાઓ સંકોચાય છે. જેને પરિણામે હવાની અવરજવરમાં અવરોધ આવે છે અને દર્દી શ્વાસ કાઢવામાં અને લેવામાં તકલીફ અનુભવે છે. ઘણીવાર ખાંસીમાં થોડોક ગળફો નીકળે પછી દર્દીને રાહત થાય છે. આવા દર્દીની છાતી પર કાન અથવા સ્ટેથોસ્કોપ મૂકવામાં આવે તો શ્વાસ કાઢતી વખતે તીણો અવાજ સંભળાય છે.
દમની સારવાર: (૧) દર્દીને ખુલ્લી હવા આવે એમ, આરામની સ્થિતિમાં બેસાડવો ( સુવડાવવા કરતાં બેસાડવાથી દર્દીને વધુ રાહત લાગે છે). (૨) શ્વાસમાં રાહત માટે ડોકટરે આપેલ ગોળી કે પમ્પ આપવો.