ઠંડી-ધ્રુજારી સાથે તાવ, પીળા-ગળફાવાળી ખાંસી, છાતીના એક પડખે દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો ન્યુમોનિયા હોઇ શકે. નાનાં બાળકોમાં ન્યુમોનિયાનું નિદાન કરવા માટે શ્વાસોશ્વાસનો દર ગણવાનું ખૂબ ઉપયોગી બને છે. તાવ-ખાંસી આવતાં હોય એવાં બાળકમાં ઉંમર પ્રમાણે શ્વાસોશ્વાસના દરની વિગત નીચેના કોષ્ટકમાં આપી છે. જો બાળકનો શ્વાસોશ્વાસનો દર કોષ્ટકમાં લખેલ દર કરતાં વધુ હોય તો ન્યુમોનિયાનું નિદાન કરી શકાય.
ઉંમર | શ્વાસોશ્વાસનો દર |
૦ - ૨ મહિના | ૬૦ થી વધુ |
૨ - ૧૨ મહિના | ૫૦ થી વધુ |
૧૨ મહિનાથી વધુ | ૪૦ થી વધુ |
શ્વાસોશ્વાસનો દર ગણતી વખતે બાળક ઊંઘતું હોય તો ઉત્તમ. નહીંતર શાંતિથી બેઠેલું કે સૂતેલું હોવુ જોઇએ. રડતા કે રમતા બાળકનો શ્વાસોશ્વાસનો સાચો દર ગણી શકાય નહીં. ન્યુમોનિયા થયેલ બાળકને તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસ વધી જવાં ઉપરાંત શ્વાસોશ્વાસ લેતી વખતે પાંસળીઓનો નીચેનો ભાગ અંદર તરફ ખેંચાય છે. કયારેક ગંભીર બીમારીમાં બાળક ભૂરું પડી જાય છે અને દૂધ-પાણી પીતું નથી.
ન્યુમોનિયાની સારવાર: ફેફસામાં બેકટેરિયાનો ચેપ લાગવાથી ન્યુમોનિયા થાય છે. તાત્કાલિક દર્દીને ડૉક્ટર પાસે મોકલવુ જરૂરી છે. ઘણી વખત એન્ટીબાયોટિક દવાના ઇન્જેકશનનો કોર્સ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને આપવો પડે છે. કફને છૂટો પાડવા માટે ગરમ પાણીની વરાળનો બાફ લેવો.