મેલેરિયા

- સામાન્ય રીતે અચાનક ઠંડી લાગવાની અને ધ્રુજારીની શરૂઆત થઇ જાય છે. ધ્રુજારીને કારણે ગરમી પેદા થાય અને સખત તાવ ચડી જાય. આ પછી ત્રણથી આઠ કલાકમાં તાવ સખત પરસેવો થઇને ઉતરી જાય.

- ઘણા દર્દીમાં આ તાવ આંતરે દિવસે આવે. પરંતુ બીજા ઘણા લોકોમાં રોજેરોજ પણ આવે છે. કયારેક ઠંડી લાગ્યા વગર જ તાવ શરૂ થઇ જાય એવું બને.

- તાવની સાથે સાથે માથું દુ:ખવું, શરીર તૂટવું, ઊલટીઓ થવી, નબળાઇ લાગવી વગેરે અનેક લક્ષણો હોઇ શકે.

- જો ઝેરી મેલેરિયા હોય તો તાવ ઉપરાંત તાણ ( આંચકી) આવવી, લવારા કરવા, બેભાન થઇ જવું વગેરે લક્ષણવાળા દર્દીને તાત્કાલિક હૉસ્પિટલ ભેગા કરવા જરૂરી હોય છે. સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ ઝેરી મેલેરિયાને કારણે થઇ શકે.

મેલેરિયાની સારવાર: ડૉક્ટર અથવા આરોગ્ય કાર્યકર દ્વારા મળેલ દવાનો પૂરો કોર્સ કરવાથી મેલેરિયા મટી જાય છે. ઝેરી મેલેરિયામાં બીજી દવાના ઇન્જેકશનો હૉસ્પિટલમાં આપવાં પડે. આ સિવાય સાદા મેલેરિયામાં ઇન્જેકશન આપવાની કોઇ જરૂર હોતી નથી.

મેલેરિયાથી બચવા શું કરવું: મેલેરિયાનાં જંતુઓ ( પ્લાઝમોડીયમ) એનોફીલીસ પ્રકારના મચ્છરથી ફેલાય છે. આ મચ્છરનાં ઇંડાનો વિકાસ પ્રમાણમાં ચોખ્ખા પાણીમાં થાય છે. ઘરમાં કે ઘરની આસપાસ પાંચ દિવસથી વધુ સમય સુધી પાણીનો ભરાવો ન થાય એની ખાસ કાળજી રાખવી જરૂરી છે.


© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર