અચાનક તાવ આવવાનું કારણ શરીરમાં ઘૂસી આવેલાં જંતુઓ સામેની લડાઇ હોય છે. તાવ શરીરને ઉપયોગી પ્રક્રિયા છે. તાવનું ચોકકસ કારણ જાણ્યા વગર માત્ર તાવને ઉતારી નાખવાથી કોઇ ખાસ ફાયદો થતો નથી એ યાદ રાખવું.
તાવનાં કારણો : (૧) ઠંડી-ધ્રુજારી સાથે આવતા તાવ : મેલેરિયા, પેશાબનો ચેપ, ન્યુમોનિયા, ગૂમડાં કે પાક, મગજનો તાવ, કાકડા પાકવા, પ્રસૂતિ પછીનો ચેપ, મરડા સાથે તાવ. (૨) ઠંડી-ધ્રુજારી વગર આવતા તાવ: ટાઇફોઇડ, ટી.બી., કમળો, શરદી. (નોંધ: આ ઉપરાંત ધ્રુજારી સાથે આવતા બધા તાવ કયારેક ટાઢ-ઠંડી-ધ્રુજારી વગર પણ આવી શકે છે.)
તાવ વધી જાય ત્યારે શું કરવું ?: તાવ એ શરીર માટે રોગો સામે લડવા માટેનું ઉપયોગી શસ્ત્ર છે એટલે તાવનું કારણ જાણ્યા વગર તાવ ઉતારવાની કોશિશ સામાન્ય રીતે ન કરવી જોઇએ. પરંતુ જો તાવ ખૂબ વધી ગયો હોય તો કયારેક (નાનાં બાળકોમાં ખાસ) મગજ પર એની વિપરિત અસર થઇ શકે છે. એટલે તાવ ખૂબ ચડી ગયો હોય ત્યારે તાવ ઉતારવાનાં નીચે જણાવેલ પગલાં લેવાં જોઇએ : (૧) શરીર પર કશું ઓઢાડવુું નહીં. શકય એટલાં ઓછાં કપડાં દર્દીને પહેરાવવાં. (૨) પાણી વધુ પીવડાવવું. (૩) દર્દીને ખુલ્લા હવા-ઉજાસવાળા ઠંડા ઓરડામાં રાખવો, ઉનાળા દરમ્યાન પંખો નાંખવાનું ચાલુ કરી દેવું. (૪) માટલાના ઠંડા પાણીનાં પોતાં આખા શરીરે મૂકવાં. માત્ર કપાળ પર પોતા મૂકવાથી કોઇ ફાયદો થતો નથી. કપાળ ઉપરાંત છાતી - પેટ - હાથ - પગ બધે જ પોતાં મૂકવાં જોઇએ. (૫) શરીરનું તાપમાન ૧૦૬૦ ફેરનહીંટ (૪૧૦સે.) કરતાં વધુ હોય તો એ ઇમરજન્સી ગણાય અને ત્યારે જો બરફ મળે તો શરીરના બધા ભાગો પર બરફ ઘસીને તાપમાન નીચું લાવવા પ્રયત્નો કરવા. (૬) પેરાસિટામોલ નામની ગોળી યોગ્ય ડોઝમાં (પુખ્ત વયની વ્યક્તિ માટે ૫૦૦ મિ.ગ્રા; બાળક માટે દર કિલોગ્રામ વજનદીઠ ૧૦ મિ.ગ્રા.) લેવાથી તાવ અડધાથી એક કલાકમાં ઉતરવા લાગે છે. આ દવાની અસર ચાર થી છ કલાક સુધી જ રહે છે. તાવમાં તત્કાલ રાહત આપવા સિવાય તાવ મટાડવા માટે આ દવા ઉપયોગી નથી. તાવ મટાડવા એનું કારણ શોધી એ કારણ મુજબ દવા કરવી પડે છે.