ભારતમાં આશરે બે હજાર જાતના સાપો જોવા મળે છે. આમાંથી માત્ર પાંચ જ જાતના સાપ ઝેરી છે. બાકી બધા બિનઝેરી છે. એટલે સાપ કરડે ત્યારે એ ઝેરી છે કે બિનઝેરી એ જાણી શકાય તો અડધી ઉપાધિ ઓછી થઇ જાય છે. સાપની જાતને ઓળખવી એ થોડો અનુભવ અને ઝીણવટભર્યું નિરીક્ષણ માંગે છે. ભારતમાં ( ૧) નાગ, (૨) નાગરાજ, (૩) કાળોતરો, (૪) ચીતળ અને ( ૫) ફુરસા - આ પાંચ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે.
દરેક ઝેરી સાપના મોઢામાં બે ઝેરી દાંત આવેલા હોય છે જે કદી બિનઝેરી સાપનાં મોઢામાં જોવા મળતા નથી. જો સાપ કરડી ગયા પછી મારી નાંખવામાં આવ્યો હોય તો આ બે દાંત સહેલાઇથી જોઇ શકાય છે કારણ કે આ બે દાંત અન્ય દાંત કરતાં લાંબા અને મોટાં હોય છે. જે માણસને ઝેરી સાપ કરડે એના શરીર પર પણ આ મોટાં ઝેરી દાંત કરડયા હોય એ જગ્યાએ કાંટા વાગીને નીકળી ગયા હોય એ પ્રકારનો ઊંડો ઘા પડી જાય છે. આવો ઊંડો ઘા બિનઝેરી સાપ કરડવાથી કદી નથી પડતો.
આમ, કરડીને ભાગી ગયેલ સાપ પણ ઝેરી હતો કે બિનઝેરી એનો અંદાજ સર્પદંશનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાથી આવી શકે છે. જો સાપ કરડી ગયા પછી મારી નાંખવામાં આવ્યો હોય અને ઓળખી ન શકાય તો દર્દીની સાથે મરેલા સાપને પણ હૉસ્પિટલમાં લઇ જવો જોઇએ. જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી એ નકકી કરી શકે એવા ડેાકટર પાસે સાપ મોકલી શકાય. સાપને જોઇને તે ઝેરી છે કે નહીંં તે નકકી કરવાનું ખૂબ સહેલું હોય છે. જો સાપના પેટના ભાગ પર આવેલ આડા પટ્ટાઓ આખા પેટની પહોળાઇ પર છેક સુધી છવાયેલા હોય તો એ સાપ ઝેરી હોય છે અને માત્ર પેટની પહોળાઇના થોડા ભાગ પર જ આડા પટ્ટા હોય અથવા આડા પટ્ટા હોય જ નહીં તો એ સાપ બિનઝેરી હોય છે.
સાપ કરડયા પછી તાત્કાલિક પ્રાથમિક સારવાર કરવી અત્યંત જરૂરી છે. જયારે પણ સાપ કરડે ત્યારે મોટાં ભાગના લોકો એકદમ ગભરાઇ જાય છે. સાપ ઝેરી હોય કે બિનઝેરી માત્ર ગભરાટને કારણે દર્દી મરવા જેવો થઇ જાય છે. એટલે સાપ કરડયા પછી સૌથી પહેલી સારવાર છે માનસિક સાંત્વના અને હિંમત.
ઝેર ફેલાતું અટકાવવા માટે જે તે અંગનું હલનચલન તદન અટકાવી દેવું જોઇએ. કરડેલી જગ્યાનું જેટલું વધુ હલનચલન થાય એટલું વધારે ઝેર લસીકાવાહિની વાટે શોષાઇને લોહીમાં ભળે છે. એટલે જે હાથે-પગે સાપ કરડયો હોય તેને સીધી લાકડી સાથે બાંધી દેવો જોઇએ અને દર્દીને સાપ કરડયા પછી એક ડગલુંય જાતે ચાલવાની ના પાડવી જોઇએ અને દર્દીને ઉપાડીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવો જોઇએ.
બીજું, ઝેરની ગંભીર અસરથી બચવા માટે ઝેરને શરીરમાં ફેલાતું અટકાવવું ખૂબ જરૂરી છે. આ માટે જે જગ્યાએ સાપ કરડયો હોય એની તરત જ ઉપરના ભાગે આખા હાથ કે પગમાં પહોળું કપડું જોરથી બાંધી દેવું જોઇએ જેથી લસીકાવાહિનીઓ વાટે ઝેર ઉપર તરફ ન ફેલાય. આ પાટા અને હાથ કે પગ વચ્ચે એક આંગળી જઇ શકે એટલા જોરથી જ પાટો બાંધવો. આવો પાટો બાંધ્યા પછી ત્યાં સોજો વધી જાય તો તે પાટો છોડી સોજાથી થોડા ઉપરના ભાગે ફરી બાંધવો જોઇએ. જયાં સુધી હૉસ્પિટલ ન પહોંચાય ત્યાં સુધી આ રીતે પાટો ધીમે ધીમે ઉપર ચડાવ્યા કરવો.
આ સિવાય, સર્પદંશના ઝખમમાંથી સીધુ જ ઝેર કાઢી નાંખવામાં માટે પ્રયત્ન કરવો નહિ. મોટા ભાગે આવો પ્રયત્ન ઉપયોગી થતો નથી અને લાભને બદલે નુકસાન થવાની શક્યતા રહે છે એટલે નવા સંશોધન મુજબ ચુસીને કે ટોટી કે અન્ય સાધનથી કરડેલાં ભાગેથી ઝેર કાઢવા કંઇ પણ ન કરવું.
પ્રાથમિક સારવારની સાથોસાથ દર્દીને હૉસ્પિટલ સુધી પહોંચાડવાની તજવીજ ચાલુ જ રાખવી જેથી સમય બગડે નહીં. શક્ય હોય તો દર્દીની સાથે રક્તદાન કરી શકે એવાં દાતાઓને પણ હૉસ્પિટલ લઇ જવા.
સર્પદંશના દર્દીને કદી કોઇ ભૂવા-ભગત પાસે લઇ ન જવો. કોઇ ભૂવા ઝેરી સાપ કરડવાથી ચડેલ ઝેર ઉતારી નથી શકતા, અને બીનઝેરી સાપ કરડવાથી થયેલ તકલીફ તો આપોઆપ સારી થવાની જ છે એનો જશ એ લઇ જાય છે. ભૂવાઓ કે મંત્ર-તંત્ર પાછળ સમય બરબાર કરીને કેટલાંય લોકો છેલ્લે દર્દીને મૃત જાહેર કરવામાં હૉસ્પિટલમાં લઇ આવે છે!! જો આવા દર્દીને સમયસર હૉસ્પિટલમાં સારવાર મળી હોત તો એ સારો થઇ ગયો હોત. કદી સાપ કરડે ત્યારે ભૂવા પાસે જવું નહીં.