કૂતરું કરડવું

  1. ાનવર હડકાયેલુ છે કે નહી તે નક્કી કરવાના મુદ્દાઓ:

જાનવરનું ઓછામાં ઓછા દશ દિવસ સુધી નિરીક્ષણ કરવું. તે દરમ્યાન નીચેની હડકવાની નિશાનીઓ દેખાય તો જાનવર હડકાયું છે તે માનવું. આમાંની કોઇ નિશાની પહેલેથી જ જણાય તો તે જાનવરને મારી નાખવું અને એનું શબ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવું. હડકવાથી જાનવરમાં થતા ચિન્હો :

¤ કંઇ કારણ વગર કે છંછેડયા વગર કરડે.

¤ ઘણી બધી વ્યક્તિને કરડે.

¤ માણસ સિવાય અન્ય જાનવરોને કે નિર્જીવ વસ્તુઓ ( જેમ કે થાંભલાં, વાહનો, માટી, વગેરે)ને પણ બચકાં ભરે.

¤ પાગલની જેમ ગમે તેમ આંટા માર્યા કરે અને તેની રોજીંદી કરતાં જુદી જ જગ્યાઓએ જાય.

¤ ભસવાનો અવાજ બદલાઇ જાય, અવાજ ઘોઘરો થઇ જાય અને બેસી જાય.

¤ મોમાંથી બહુ લાળ પડે.

¤ છેવટે દશ દિવસમાં હડકાયું જાનવર હાલીચાલી ના શકે. ખાઇ ના શકે, તેનો શ્વાસ ડચકાંભેર ચાલે અને મૃત્યુ પામે.

¤ કયારેક હડકાયું જાનવર ઉપરોકત રીતે દેખીતું પાગલ ના જણાય પણ તે એક બાજુ ખાધાપીધા વગર ગુમસુમ બેસી રહે અને મૃત્યુ પામે.

  1. કૂતરું કરડવાની પ્રાથમિક સારવાર:

જયારે કોઇ વ્યક્તિને કૂતરું કરડી જાય ત્યારે સૌથી પહેલું કામ ઘાને વ્યવસ્થિત સાફ કરવાનું છે. કૂતરું કરડયા પછી તરત જ ઘાની પદ્ધતિસરની સફાઇ કરવાથી હડકવા થવાની શકયતા ૯૯% જેટલી ઘટી જાય છે. કૂતરું કરડેલ ભાગને ચોખ્ખા પાણી અને સાબૂની મદદથી અડધો કલાક સુધી સાફ કર્યા કરવો જોઇએ. સાબૂ બહુ જોરથી ઘસીને નવી ઇજા કરવાની જરૂર નથી, પણ કૂતરાની લાળ લાગી હોય એ બધી નીકળી જાય તે ખૂબ જરૂરી છે. કૂતરું કરડેલ ઘા પર ફકત એન્ટીસેપ્ટિક દવા ( દા.ત. પોવીડોન આયોડીન) લગાડવી અને પાટો બાંધવો નહીંં. ત્યારબાદ દર્દીને ધનુર તથા હડકવાની રસી મૂકાવવા માટે ડેાકટર પાસે મોકલવો. હડકવાની રસી દરેક હડકાયુ કૂતરું કરડેલ વ્યક્તિએ મૂકાવવી જરૂરી છે. કારણ કે હડકવા થઇ જાય તો પછી એની કોઇ દવા નથી અને રસીથી હડકવા થતો અટકાવી શકાય છે. જો કૂતરું પાળેલું હોય અને હડકવાના કોઇ ચિહ્ન ન હોય તેમ જ હાથે કે પગે ખૂબ મામૂલી ઇજા હોય તો હડકવાની રસી ન મૂકાવતાં, કૂતરાં પર દશ દિવસ સુધી નજર રાખવી જોઇએ. દશ દિવસની અંદર જો એ કૂતરાંમાં હડકવાના કોઇ લક્ષણ ન દેખાય તો હડકવાની રસી મૂકાવવી જરૂરી નથી. જો દશ દિવસની અંદર અંદર કૂતરું મૃત્યુ પામે અથવા હડકાયુ જણાય તો એ દિવસથી તાત્કાલિક હડકવાની રસી લઇ લેવી જોઇએ.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર