દાઝેલો ભાગ ઓછામાં ઓછી દસ મિનિટ સુઘી સ્વચ્છ ઠંડા પાણીમાં બોળી રાખવો જોઇએ અને જો દાઝેલો ભાગ પાણીમાં બોળવાનું શકય ન હોય તો એ ભાગ પર દસ મિનિટ સુધી ચોખ્ખા ઠંડા પાણીની ધાર કર્યા કરવી જોઇએ. પાણીની ઠંડક આગ ઓલવવા ઉપરાંત આગની ગરમી ઘટાડવામાં ઉપયોગી થાય છે અને પરિણામે ગરમીથી થતી ઇજાઓ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય છે. દાઝ્યાને કારણે થતા દુખાવામાં પણ પાણીને કારણે નોંઘપાત્ર ઘટાડો થાય છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ હોય છે કે, દાઝેલા ભાગ પર પાણી નાખવાથી ફોલ્લાં પડી જાય છે. હકીકતમાં દાઝવાથી થયેલા ફોલ્લાને અને બહારથી નાખેલા પાણીને કોઇ સીધો સંબંધ છે જ નહીં. ફોલ્લા તો શરીરનું દાઝવાથી થયેલી ઇજાનું કુદરતી રીએક્શન છે. શરીરના કોઇ પણ ભાગને જયારે વધુ ઇજા થાય ત્યારે શરીર પ્રતિક્રિયા આપે છે. દાઝવાથી થયેલ ફોલ્લા પણ આવી એક પ્રતિક્રિયા છે. ઠંડુ પાણી તો આગને કારણે થયેલી ઇજા અને એ સામેનું રીએકશન તથા ફોલ્લાનું કદ ઘટાડે છે. યાદ રહે કે દાઝ્યા પર બરફ ન લગાવવો. નાના બાળકમાં દાઝ્યા વગરના ભાગો પર ખુબ ઠંડુ પાણી રેડવાથી બાળક ઠંડુ પડી જઇ શકે છે માટે નાનું બાળકના શરીરનો જે ભાગ પર દાઝ્યો હોય તેની પર જ પાણી લગાવવુું.
દાઝવાથી થયેલાં ફોલ્લા ફોડવા નહીં કે તેની પર પાણી સીવાય કંઇ લગાવવું નહીં. ખૂલ્લી ચામડી પર એન્ટીસેપ્ટિક મલમ લગાવીને પાટો લગાવી દેવો જોઈએ. એન્ટીસેપ્ટિક મલમ ન હોય અને એક બે કલાકમાં તબીબી સારવાર મળવાની જ હોય તો બીજી કોઇ પણ વસ્તુ, માટી, મધ, રાખ, ધુળ, બટાકું વગેર લગાવવું નહીં. કપડાં બળીને ચામડી સાથે ચોંટી ગયા હોય તો એની ઉખાડવાની કોશિષ કરવી નહીં. મોટી અને ઊંડી ઈજાની સરખી સારવાર દવાખાના કે હૉસ્પિટલમાં જ થઈ શકે. દાઝી ગયેલ વ્યક્તિને ધનુરથી બચાવવા માટે ધનુરની રસી પણ અપાવી દેવી જોઈએ.
દાઝેલી વ્યક્તિમાં બીજુ અગત્યનું કોમ્પ્લીકેશન શરીરમાંથી પાણી ઓછું થઈ જવાનું ( ડીહાઈડ્રેશન) થાય છે. દાઝવાની ગરમીને લીધે, ફોલ્લાઓમાં પાણી ભરાવાને લીધે તથા દાઝેલા ભાગ પરથી વધુ ઝડપથી પાણીનું બાષ્પીભવન થવાને લીધે શરીરમાં પાણીની ઘટ પડે છે. આ ડીહાઈડ્રેશન થતું અટકાવવા માટે દાઝેલી વ્યક્તિને મોં વાટે ખાંડ-મીઠાનું શરબત આપવું જરૂરી છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નાખી બનાવેલું શરબત ઘણું ઉપયોગી થાય છે. બધા દાઝેલા દર્દીને આ રીતે પાણી આપવું જરૂરી છે. પણ જો દર્દી બેભાન હોય, અથવા એકાદ કલાકમાં હૉસ્પિટલ પહોંચી શકે એવું હોય તો પાણી આપવાનું ટાળવુ જોઈએ જેથી હૉસ્પિટલમાં એનેસ્થેસિયા આપી બેભાન કરવાની જરૂર થાય તો ઊલટીઓ ન થાય. આ સિવાયના બધા કિસ્સામાં પાણી આપવું એકદમ જરૂરી છે. આ ઉપરાંત દાઝેલી વ્યક્તિને માનસિક આધાર અને સાંત્વના આપવી ખુબ જરૂરી છે. અકસ્માત કે આગને કારણે દર્દીની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે અને દર્દીનો ગભરાટ ઓછો કરવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.