દાઝતા વ્યક્તિને બચાવવા માટે સૌથી પહેલું કામ એને વધુ દાઝવાથી બચાવવાનું છે. દાઝી રહેલ વ્યક્તિને આગથી દૂર લઇ જવી જોઇએ. પણ જો આવી વ્યક્તિ દોટ મૂકે તો આગની જ્વાળાઓ શરીરના નીચેના ભાગ પરથી ઉપર માથા તરફ ફેલાય, જેને કારણે મોંની સંવદનશીલ ત્વચાને નુકસાન થવાની શરૂઆત થાય અને વાળ પણ બળવા લાગે. વળી ઉભા-ઉભા દોડવાથી આગને વધુ પ્રમાણમાં હવાની લહેર લાગે જે આગને વઘુ ભડકાવે. એટલે જયારે શરીર પર મોટા પ્રમાણમાં આગની શરૂઆત થાય ત્યારે તરત જ જમીન પર આડા પડીને આળોટવા લાગવું જોઇએ. જમીન પર આડા પડવાથી આગની જવાળાઓ ઊંચે ચડીને શરીરના અન્ય ભાગોને નુકસાન કરી શકતી નથી. વળી બળતો ભાગ જમીન અને શરીર વચ્ચે આવે ત્યારે એને હવા મળતી બંઘ થઇ જવાથી એ બુઝાવા લાગે છે અને આળોટતાં આળોટતાં જ આગથી દૂર જઇ શકાય છે.
જો વ્યક્તિ આ રીતે પોતાની મેળે આગથી દૂર જઇને શરીરની આગ ઓલવવા માટે અસમર્થ હોય તો મદદ કરનારે ચોખ્ખા પાણીની મદદથી દર્દીના શરીર પરની આગ ઓલવી નાંખવી જોઇએ. જો પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોય તો દાઝતી વ્યક્તિના શરીર પરની આગ ઓલવવા માટે હાથવગું ગાદલું, ગોદડું કે ધાબળો લઇને દોડી જવું જોઇએ. આવા ધાબળા કે ગોદડામાં દાઝતી વ્યક્તિને લપેટી લઇને આગથી ભડકે બળતા ભાગને ઓક્સિજન પહોંચતો અટકાવી દઈ આગ કાબુમાં લઈ શકાય છે. આમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આવી વીંટાળેલી વસ્તુ જ સળગી ન ઉઠે. બીજુ આવી વસ્તુથી કદી બળતા ભાગને ઝાપટ ન મારવી કારણ કે એનાથી તો આગ વધુ વકરે છે. એકવાર આગ કાબુમાં આવી જાય પછી તરત વીંટાળેલી વસ્તુ શરીરથી દૂર કરી દેવી જોઈએ જેથી આગની ગરમીને કારણે થતું નુકસાન ઓછું કરી શકાય.