મોટા ભાગે શ્વાસનળીમાં જેવી કોઇ વસ્તુ દાખલ થાય કે તરત જ જોરદાર ખાંસી દ્વારા તે બહાર ફેંકાય જાય અથવા મોંમા આવી જાય. મોંમાં આવેલી વસ્તુ દર્દી થૂંકી નાખે અથવા સારવાર આપનાર તેને આંગળી વડે કાઢી શકે. જો આમ તે વસ્તૂ ના નીકળે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દર્દી પાછળ ઉભા રહી સારવાર આપનારે પોતાના બન્ને હાથ દર્દીના પેટ પર નાભિથી ઉપરના ભાગે વીંટીને પકડવા પછી ત્રણ ચાર વખત ઝાટકા સાથે સારવાર આપનારે પોતાના હાથ દર્દી તરફ ખેંંચવા. આમ કરવાથી પેટ દબાશે અને ફેફસામાંથી જોરપૂર્વક હવા નીકળશે.
જો દર્દી બેભાન હોય અથવા તેનું શરીર ભારે હોય તો તેને ચત્તો સુવડાવીને પેટ પર નાભિની ઉપરના ભાગે હથેળીઓ મૂકીને ઝાટકાભરે દબાણો આપી શકાય. નાના બાળકમાં પેટ પર દબાણ ન અાપી શકાય કારણ કે તેનાથી બાળકનાં લીવરને ઇજા થવાની શકયતા રહે છે.
આ સિવાયના રસ્તા તરીકે દર્દીને ખુરસી પર કમરથી વાળીને ઉભો રાખવો અને પછી બરડા પર વચ્ચે જોશભેર ચાર પાંચ થપાટો આપવી.
નાનું બાળક હોય તો તેને ઉંધે માથે લટકાવીને પીઠ પર પાંચ થપાટો મારી શકાય અને પછી છાતી પર વચ્ચે પાંચ મસાજ કરવા. આમ ચાર પાંચ ઝાટકા અથવા થપાટો પછી દર્દીના મોંમા આંગળી વડે વસ્તુની તપાસ કરવી. તેમ કરતા ઘ્યાન રાખવું કે તે ઉંડી ઉતરે નહીં. જાતે ના નીકળી હોય તો પાછી છાતી પર ઝાટકા- પીઠ પર થપાટની કોશિશ બે વાર કરવી. પછી પણ શ્વાસ ચાલુ ના થાય તો કાર્ડિયેક મસાજ અને કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ કરવો. આ આખી પ્રક્રિયામાં દોઢ થી બે મિનિટથી વધુ સમય શ્વાસ સદંતર બંધ ના રહે તે ખાસ જોવું.