સામાન્ય રીતે બાળકોમાં આવી તકલીફ જોવા મળે છે. બાળક રમતારમતા પૈસાનો સિક્કો, લખોટી, પિન, ઠળિયા, રમકડાંના નાનાં ભાગ વગેરે ગળી જાય. આવું થાય ત્યારે નીચે મુજબ ધ્યાન રાખવું:
¤ કોઇપણ વસ્તુ મોંમાં હોય ને ગળી જવાય કે તરત ખૂબ ખાંસી આવે ને શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય તો માનવું કે વસ્તુ શ્વાસનળીમાં અટવાઇ ગઇ છે. આવી સ્થિતિમાં શું કરવુ તે બીજે જણાવ્યુ છે ( જુઓ પ્રકરણ નં.૩) પરંતુ આટલુ તો મનમાં જ રાખવું જ કે આ હાલત ગંભીર ગણાય અને દર્દીને તાત્કાલિક હૉસ્પિટલ ભેગો કરવો.
¤ ગળેલી વસ્તુ સામાન્ય રીતે બે થી ચાર દિવસમાં મળ વાટે નીકળી જાય. એટલે મળ થાય ત્યારે તેને સળી વડે ફેંદીને તપાસી લેવું કે વસ્તુ નીકળી કે નહીં.
¤ ગળેલી વસ્તુ પેટમાં જાય ત્યારે જો ધારવાળી કે લાંબી ના હોય તો કંઇ તકલીફ ના કરે. પણ જો તે તીક્ષ્ણ હોય કે તેનો આકાર અટપટો હોય તો એવી શકયતા રહે કે તે હોજરી કે આંતરડાઓમાં ફસાઇ જાય અને નુકસાન કરે. આવું થાય ત્યારે પેટમાં દુખાવાથી માંડીને પેટ ફુલવું. ઊલટીઓ થવી વગેરે થાય. માટે આવી કોઇ વસ્તુ ગળાઇ જાય તો તરત જ ડૉક્ટરને બતાવવું અને જો પેટ દુખવા કે ફુલવાની તકલીફ શરૂ થાય તો તરત જ સર્જન ડૉક્ટરનો સંપર્ક કરવો, જે એક્ષ-રે જોઇને નિદાન નકકી કરશે.આ દરમ્યાન દર્દીને મોં વાટે કંઇપણ આપવું નહીં, પાણી પણ નહીં. જો ગળેલી વસ્તુ તીક્ષ્ણ કે ધારવાળી કે અટપટા આકારવાળી ના હોય તો દર્દીએ રાબેતા મુજબ ખોરાક લઇ શકાય. ખોરાકમાં શાકભાજી, કેળાં વગેરે વધુ લેવાય તો મળ વધુ ઊતરે અને ગળેલી વસ્તુ વહેલી નીકળી શકે.