કાનમાં ગયેલી વસ્તુ

કાનમાં, બાળકો રમત કરતાં અથવા મોટાઓ કાન ખોતરતા નિર્જીવ વસ્તુ નાખી શકે છે જેમ કે નાની લખોટી, માટીની પેન, રમકડાંના નાના ભાગ, કાન ખોતરવાની બટકી ગયેલી સળી વગેરે આ સિવાય કાનમાં જીવડાં ઘૂસી જવાની એક સામાન્ય તકલીફ જોવા મળે છે. જીવડું ઘૂસી જાય ત્યારે તેની હલનચલન કે કારણે કાનની અંદરની અત્યંત સંવેદનશીલ ત્વચા તથા કાનના પડદાને નુકસાન થવાથી બહુ અસહ્ય વેદનાનો અનુભવ થાય છે. આવું દર્દી બૂમાબૂમ કરતું હોય ત્યારે કોઇને પણ સહેજેય કાનમાંથી જીવડું ખેંચી કાઢવાની ઇચ્છા થઇ આવે. તે માટે સામાન્ય રીતે ચીપિયો વપરાય વપરાય છે. પણ આવુ કરવા સામે કડક ચેતવણી આપવાની કે કયારેય કાનમાં ગયેલી વસ્તુ ખેંચવાની કોશીશો ના કરવી. આમ કરવાથી તે વધુ ઊંડુ જશે. જીવડું વધુ હલનચલન કરશે અને તેથી વધુ નુકસાન કરશે. અને ચીપિયો અંદર લાગી જવાની શકયતાઓ ખૂબ રહે છે. આમ, કરતાં કાનનો પડતો તૂટી જવાની કે કાનમાં લોહી નીકળવાની શકયતા રહે છે.

જીવડું ઘૂસી જાય ત્યારે કાન ચોખ્ખું પાણી અથવા તેલ નાંખીને ભરી દેવો. આમ કરવાથી જીવડું ગુંગળાઇને મરી જશે. એનું હલનચલન બંધ થઇ જશે અને તરત રાહત થશે. નાનુ જીવડું તરીને બહાર આવે તો કાઢી નાખવું. જીવડું બહાર ના આવે તો તરત જ કાનના સ્પેશ્યલ ડૉક્ટરને અથવા જે ડૉક્ટરને કાન સાફ કરવાનો અનુબવ હોય તેને બતાવવું. ગામડાંઓમાં લોકો પાણી કે તેલને બદલે મૂત્ર નાખતા હોય છે. તે કયારેય ના વાપરવું. કાનમાં વધુ સમય જીવડું કે નિર્જીવ પદાર્થ રહેવા દેવામાં આવે તો કાન પાકે છે. નિર્જીવ પદાર્થ પણ સમય જતા ફૂલે છે અને પછી કાઢવામાં વધુ તકલીફ પડે છે. માટે નિર્જીવ પદાર્થ પણ જાતે ખેંચવાની કોશિશ ના કરતાં તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જરૂરી છે.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર