આંખમાં કણો પડવો

આંખમાં કણાં રૂપે ઘણી વસ્તુઓ દાખલ થઇ શકે છે જેમ કે રેતી, રજકણ, ધાતુનો નાનો ટુકડો, નાનું જીવડું વગેરે, આંખમાં પડતાવેત ખટકવાનું શરૂ થાય અને પાણી ( આંસુ) પડવા માંડે છે. આવો કણો સાવ નિર્દોષ સાબિત થઇ શકે અથવા ઘણી ગંભીર ઇજા પણ કરી શકે છે. ઇજાની ગંભીરતા આંખના કયા ભાગમાં કણો પડયો છે તેની પર નિર્ભર કરે છે. જો કણો આંખની બરાબર વચ્ચેની કીકી પર પડયો હોય અથવા ડોળા પર ઊંડો ઉતરી ગયો હોય અને લોહી નીકળતું હોય તો તે ગંભીર સ્થિતિ ગણાય.

કોઇ પણ કણો લાંબો સમય રહેવા દેવામાં આવે તો તે આંખમાં સોજો લાવે અને વધુ ઇજા કરે. આમ પણ તે એટલી બેચેની કરે કે દર્દી તેને વહેલી તકે કઢાવી નાખવા પેરવી કરે જ. આંખમાં કણો પડે ત્યારે જાતે લેવાની કાળજીમાં નીચે મુજબ ધ્યાન રાખવું:

(૧) આંખમાં વસ્તુ પડતાં જ સહેજેય આંગળીઓ ત્યાં તરત જ પહોંચી જાય અને આંખ ચોળવાં માંડે. પણ, આમ આંખ કયારેય ચોળવી નહીં, કારણ કે તેમ કરવાથી કણો આંખની નાજુક આંતરિક ત્વચાને વધુ નુકસાન કરે છે. અને જો તે કીકી પર હોય તો ચોળવાથી બહુ ગંભીર પરિસ્થિતિ પેદા થઇ શકે છે. મોટું માણસ તો સમજી શકે પણ બાળકને આવું થાય ત્યારે સમજાવવુ બહુ મુશ્કેલ હોય છે. ના સમજે તો તેના હાથ બાંધી પણ રાખવાં પડે.

(૨) બને તો સૌથી પહેલાં આંખો ખલ્લી રાખી તેમાં હળવેથી ચોખ્ખાં પાણીની પાંચ-સાતવાર છાલક મારવી. આમ કરવાથી મોટા ભાગનાં કણા નીકળી જાય. જો ના નીકળે તો:

તપાસ કરો કે કણો આંખમાં કઇ જગ્યાએ છે. તેને માટે દર્દીને અજવાળામાં બેસાડવો અને આંખ જોવી. જો કણો કીકી પર પડયો હોય અથવા ડોળા પર ઊંડો ખૂંપેલો હોય તો તાત્કાલિક આંખના સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરને અથવા જે ડૉક્ટરને આવા કણા કાઢવાની પ્રેકટીસ હોય તેને જ બતાવવું. કયારેય જાતે આવા કણા કાઢવાની કોશિશ પણ ના કરવી.

(૩) જો કણો પાંપણની અંદરના ભાગે હોય તો તેને કાઢવાની કોશિશ કરી શકાય. તે માટે દર્દીની આંખનું નીચલું પોપચું ( પાપણ) નીચે તરફ ખેંચી, પછી એક સ્વસ્છ સફેદ સુંવાળા રૂમાલના છેડાને પાણીમાં ભીંજવી કણાને કાઢવા વાપરવો. આ છેડો જ આંખમાં નાખી શકાય અથવા તેને આંગળી પર વીંટીને આંગળી વડે કાઢી શકાય.

(૪) જો કણો નીચલી પાંપણ, ડોળા કે કીકી પર ના મળે તો તે ઉપલી પાંપણની અંદરના ભાગમાં હોઇ શકે. તે માટે ફરીથી ચોખ્ખા પાણીની છાલક હળવેથી મારવી. જો કણો ના નીકળે તો ઉપલી પાંપણ આગળ તરફ ખેંચવી અને પછી નીચલી પાંપણ તેની નીચે ધકેલવી ત્યારબાદ ઉપલી પાંપણ છોડી દેવી આમ કરવાથી નીચલી પ ાંપણ બ્રશની જેમ ઉપલી પાંપણના અંદરના ભાગે ફરીને કણો બહાર કાઢશે. જો આમ બે ચાર વાર કરવા છતાં સફળતા ના મળે તો ડૉક્ટરની મદદ લેવી જોઇએ. ડૉક્ટર ના મળે એમ હોય તો ઉપલી પાંપણને પલટાવી શકાય. જે માટે નીચે મુજબ કરવું.

દર્દીની ઉપલી પાંપણ પર એ દિવાસળી કે સળકડી હળવેથી મૂકવી, પછી ઉપલી પાંપણ આગળ તરફ ખેંચવી અને ત્યાર બાદ તરત જ તેને તેની ઉપર રહેલી દિવાસળી પર ઉપર તરફ ખેંચીને વાળી દેવી. આમ કરવાથી ઉપલી પાંપણ ઊલટાઇ જાય અને તેનો અંદરનો ભાગ દેખાશે.પહેલીવારે કદાચ નિષ્ફળતા મળે પણ કોશિશ કરવાથી આવું આરામથી શકય બને છે.

પછી આગળ જણાવ્યુ તેમ સ્વસ્છ સફેદ રૂમાલનાં ભીનાં છેડાથી કણો કાઢવો. જો આંખમાં તેજાબ – એસિડ, ક્ષાર કે કોઇ બીજો પદાર્થ પડયો હોય તો આંખોને પુષ્કળ ચોખ્ખા પાણી વડે છાલકો મારીને ધોવી. પછી તેને બંધ કરી નરમ રૂની ગાદી મૂકી હળવો પાટો બાંધી ડૉક્ટર પાસે પહોંચી જવું.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર