પાટા બાંધવાની રીતો

પાટા શબ્દ સામાન્ય રીતે કપડાનાં પટ્ટી જેવા ટુકડા માટે વપરાય છે જે ઈજા પામેલ ભાગ પર વીંટવાંમાં આવે છે. આપણે પાટો શબ્દ જરા મોટા સંદર્ભમાં લેવો જોઈએ. પાટો મોટાભાગે કપડાનો જ હોય, તે ઝીણી જાળી જેવો હોય છે. આ સિવાય પાટા તરીકે કોઈ પણ ચોખ્ખુ ધોઈને તડકામાં સુકવેલ કપડું વાપરી શકાય. કયારેક જરૂર પડે તો પ્લાસ્ટિક પણ પાટા તરીકે વાપરી શકાય. પાટો ચોખ્ખો, ધોઈને તડકામાં સુકવેલ હોય તો ચાલે પણ ચામડી તુટી ગઈ હોય એવા ઈજાગ્રસ્ત ભાગને ઢાંકવા, એકદમ જંતુરહિત પાટો હોય તો વધુ સારું. આવા જંતુરહિત પાટા તૈયાર મળે છે અને તે સ્ટરિલાઈઝ કરીને પણ જંતુરહિત કરી શકાય. પણ તેવા પાટા તો ફર્સ્ટએઈડ કિટ હોય તો જ મળી શકે. મોટાભાગે આવા પાટાની જરૂર હોય ત્યારે મળી શકે નહીં. ત્યારે ચોખ્ખા ધોઈને તડકામાં સુકવેલ કપડાંના ટુકડાથી ચલાવી લેવું પડે. પણ જો ઘા ચોખ્ખો જ હોય, તબીબ સારવાર બેએક કલાકમાં જ મળી જવાની હોય અને ઘામાં બીજી કોઈપણ વસ્તુ અડકવાની શક્યતા ના હોય તથા રક્તસ્રાવ ના થતો હોય તો એવા ઘાને ખુલ્લાં જ રાખી શકાય.

સામાન્ય રીતે પાટા તરીકે લોકો ગોળ પટ્ટીને ઓળખતા હોય છે. પણ પ્રાથમિક સારવાર માટે પાટા તરીકે ત્રિકોણ આકારનું મોટુ કપડું પણ સારુ કામ કરે છે. તેને યોગ્ય રીતે વાળીને પટ્ટી જેવો પણ બનાવી શકાય છે. સામાન્ય રીતે ૩૫ થી ૪૦ ઈંચના ચોરસ કપડાંને વચ્ચેથી બે સામસામેના ખૂણાને જોડતી લીટીએથી કાપીને બે ત્રિકોણાકાર પાટા બનાવાય છે. આનાથી નાના પાટા નાની જગ્યાઓ માટે વપરાય, દરેક ત્રિકોણ પાટાને એક ટૂંકો અને બે લાંબા છેડા હોય. પાટાને યોગ્ય જગ્યાએ ટકાવી રાખવા તેના છેડાઓ બાંધ્યા પછી પિન લગાવી શકાય, અથવા છેડાઓ ભેગા કરી ગાંઠ વાળી શકાય.



  1. પાટો બાંધતી વખતે ધ્યાનમાં રાખવાના સાદા નિયમો:

¤ ઈજા પર બાંધેલો પાટો બહુ ટાઈટ ના હોવો જોઈએ કે જેથી તે લોહીનું પરિભ્રમણ જ અટકાવી દે. હાથે પગે પાટો બાંધતી વખતે આંગળીઓ બને તો ખુલ્લી રાખવી. ટાઈટ પાટો બાંધ્યો હશે તો આંગળીઓમાં ઝણઝણાટી, કે ખાલી ચડી જવાની લાગણી થશે અને તે ફિક્કી પડી જશે. (પાટો બાંધ્યા પછી આંગળીઓ સોજી જાય તો તે વધુ પડતા ટાઈટ પાટાની નિશાાની છે.)

¤ જયાં પણ પાટો બાંધો ત્યાં પાટા નીચે શરીરના ભાગ પર રૂની ગાદી મૂકી રાખવી જેથી ચામડી પર કાપો ના પડે. ખાસ તો જયાં ગાંઠ આવે ત્યાં તેની વધુ જરૂર પડે છે.

¤ પાટો બાંધ્યા પછી ગાંઠ ઘાની ઉપર આવે તેમ ના બાંધવી કારણ કે તે ઘા પર ઘસારો અને દુ:ખાવો કરે અને ઘા જલ્દી રૂઝાય પણ નહીં

¤ પટ્ટીના પાટાનો દરેક નવો આંટો આગલા આંટાની બે તૃતિયાંશ પહોળાઈ ઢાંકી દે તેમ બાંધવો.

¤ ઘા પર પાટો બાંધતી વખતે તે ભીનો ના હોવો જાઈએ. ભીનો પાટો સુકાયા પછી વધુ સંકોચાઇ શકે છે.

વ્યવસ્થિત પાટો બાંધવો તે એક કળા છે જે વારંવાર પ્રેકટીસ કરવાથી બરાબર શીખી શકાય છે. આ સાથે હવે વર્ણાવેલ અમુક અંગો પર પાટા બાંધવાની રીતો અને તેની આકૃતિઓ પ્રાથમિક સમજણ માટે જ છે. તેટલી પ્રાથમિક સમજણ સાથે સંજોગ અને સ્થળ અનુસાર શરીરના વિવિધ અંગો પર સામાન્ય બુદ્વિ વાપરી પાટા બાંધી શકાય. આમ શીખવા માટે અગાઉથી જ પાટા બાંધવાની આવડત કેળવવી જરૂરી છે.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર