પેટમાં ઘણા નાજુક અવયવો આવ્યા હોય છે. માટે પેટમાં થયેલો કોઇ પણ ઊંડો ઘા ગંભીર લેખવો અને તરત સર્જન ડૉક્ટરને બતાવવું પણ ત્યાં સુધીમાં નીચે મુજબ કાળજી લેવી:
¤ ઘાને ચોખ્ખાં કપડાં વડે ઢાંકી પાટો બાંધવો.
¤ જો ઘામાંથી આંતરડું કે કોઇપણ અવયવ બહાર આવી ગયું હોય તો તેના પર ભીનું કપડું સતત ઢાંકી રાખવું જેથી તે સુકાઇ ના જાય. આ ચોખ્ખો પાટો ભીનો કરવા માટેના પાણીમાં ચપટી મીઠું નાખવું ( એટલે કે માત્ર આંસુ જેટલુ જ ખારું લાગે - વધુ નહીં) અને તે પાણી દસ મિનિટ ઉકાળીને, ઠંડુ કરીને વાપરવું. તેમાં પાટો પણ સાથે જ ઉકાળી શકાય.
¤ બહાર નીકળેલા અવયવને કે આંતરડાને કદી પેટની અંદર પાછું ધકેલવાની કોશિશ ન કરવી.
¤ દર્દીને ચકકર આવે, તે બેભાન થાય, તો સુવાડી રાખવો અને પગનો ભાગ માથા કરતા ઊંચો રહે તે ઘ્યાન રાખવું.
¤ દર્દીને મોં વાટે ખાવાનું, પીવાનું કે પાણી પણ ના આપવું. જો તેને તરસ લાગે તો માત્ર ભીનો કરેલો રૂમાલ ચૂસવા દેવો. દર્દીનું પેટ ફૂલી જાય કે થોડા દિવસો સુધી સંડાસ ના ઉતરે એવી કોઇ પણ પરિસ્થિતિમાં તેને એનિમા-રેચ કયારેય ના આપવો. એનિમા-રેચથી આંતરડા ફાટી જાય અને તાત્કાલિક મૃત્યુ થાય તેવી સંભાવના રહે છે.
આ તો થઇ આંતરડાઓ બહાર નીકળવાની વાત. આ સિવાય ઊંડા ઘાથી અથવા મૂંઢ મારથી પેટમાંના નાજુક બરોળ કે યકૃત ફાટી શકે છે. ખાસ તો જેને વારંવાર મેલેરીયા થાય તેની બરોળ મોટી અને નાજુક હોય છે જે સહેલાઇથી ફાટી શકે. આવી ઇજાથી ખૂબ આંતરિક ( પેટમાં જ) રકતસ્રાવ થાય અને છેવટે દર્દી શૉકમાં જતો રહે. ત્યારે શરૂઆતમાં બૂમો પાડતો દર્દી સુનમુન થઇ જાય અને છેવટે બેભાન થઇ જાય. શૉકના દર્દીની સંભાળ બીજે વર્ણવી છે ( જુઓ પ્રકરણ નં.૪).