છાતીમાં ઊંડી ઇજા એકિસડન્ટ ( દા.ત. પડવાથી) અને મારામારીને ( તલવાર - સળિયા વગેરેથી) કારણે ખાસ થતી જોવા મળે છે. આવી ઇજાઓ ઘણી ગંભીર ગણાય, કારણ કે છાતીમાં આવેલ હ્રદય અને ફેફસાંને નુકસાન થાય તો જીવલેણ નીવડી શકે છે.
જો છાતીનો ઘા ફેફસાં સુધી ઊંડો ઊતરી જાય તો દર્દી શ્વાસ લ્યે ત્યારે ઘાવના કાણાંમાંથી બહારની હવા છાતીમાં ભરાય. પણ તે શ્વાસ કાઢે ત્યારે બહાર ના નીકળી શકે. આમ દરેક શ્વાસે છાતી વધુ ફુલે અને તેની અંદર હવાનું દબાણ ખૂબ જ વધી જાય. છેવટે વધુ દબાણથી બીજી બાજુના ફેફસાંની તથા હ્રદયની કામગીરીમાં ગંભીર અડચણ થાય, દર્દીને ઓકિસજન ના મળે અને તેનું લોહી પરિવહન બંધ પડી જાય અને છેવટે મૃત્યુ થાય. એટલે આવી ઇજામાં દર્દીને જરા પણ શ્વાસોશ્વાસની તકલીફ જણાય તો ગંભીર ગણવી. આવું થાય ત્યારે નીચે મુજબ કાળજી લેવી:
¤ પહેલાં આવા ઘા પર ચોખ્ખો જાડા કપડાંનો મોટો ટુકડો અથવા ચોખ્ખો પ્લાસ્ટિકનો ટુકડો બે-ત્રણ ગડી વાળીને મૂકવાની અને ઘાવમાં થઇને છાતીમાં હવા જવાની ચાલુ રહે તો ઘાવ પર લગાવેલું કપડું વેસેલિન કે વેજીટેબલ ફેટ વાળું કરીને લગાવવાની સલાહ આપવામાં આવતી હતી, જેથી તેથી તે છાતીના ઘાવની આસપાસની ચામડી પર બરાબર ચોંટી જાય અને હવાને રસ્તો ના આપે. પરંતુ, ઇ.સ. 2015માં થયેલ સંશોધન પ્રમાણે આ રીતે સારવાર આપવાથી હવા ફેફસાની આસપાસ જમા થઇને પછી બહાર ન નીકળી શકવાને કારણે કયારેક જીવલેણ નુકસાન થઇ શકે છે. એટલે અાવા કોઇ ઉપાયો કરવાને બદલે ઘાને ખુલ્લો જ રહેવા દેવો. લોહી નીકળતું હોય તો એને બંધ કરવા પુરતું દબાણ આપવું પણ ઘામાં હવાની અવરજવર ન અવરોધાય એનું ધ્યાન રાખવું.
¤ દદીંને ચકકર આવે, બેભાન થઇ જાય, તો તેને જમીન પર સુવડાવો, બાકી શકય હોય તો બેસેલી સ્થિતિમાં ડૉક્ટર પાસે લઇ જવો.
¤ ઘણીવાર આવી ઇજાથી દર્દીને ખાસ સુચના આપવી કે જરાય બોલો નહીં, ખાંસી ના ખાય અને શાંતિથી શ્વાસ લે, જરૂર પડે તો બરફના ટુકડાં ચુસવાં આપવાં.