નાના ઘા-ઇજા પર ડ્રેસિંગ (પાટો બાંધવા)ના નિયમો

નાના ઘા પર પાટો બાંધવાનો આશય ત્યાં પાક થતો અટકાવવો અને તે ઝડપથી રૂઝાઇ જાય તે છે. એટલેેે ઘા પર લગાડવાની સામગ્રીમાંનુ રૂ, ગોઝ અને પાટાઓ જીવાણુમુક્ત હોવા જોઇએ. તેનાં વગર ઘા પાકી જવાનો સંભવ છે. જીવાણુરહિત ડ્રેસિંગ સામગ્રી હાજર ના હોય અને પાટાની જરૂરીયાત આવશ્યક થઇ પડે તો તડકાંમાં સુકવેલ ચોખ્ખું કપડું છવટે વાપરી શકાય.

ડ્રેસિંગના નિયમો:

(૧) સૌથી પહેલાં દર્દીને આરામદાયક સ્થિતિમાં રાખવો.

(૨) જીવાણુરહિત ડ્રેસિંગ સામગ્રીનું પડીકું ખોલીને રાખવું. આમ ખોલતા ઘ્યાન રહે કે હાથ અથવા બીજી કોઇ વસ્તુ અંદરની સામગ્રીને અડકે નહીં.

(૩) ત્યાર બાદ સારવાર આપનારે બરાબર ફીણ થાય તેમ સાબુથી હાથ ગણીને બે મિનિટ સુધી ધોવા. આમ હાથ ધોવાથી હાથ પર રહેલા મોટાભાગના જીવાણું-જંતુ નાશ પામશે. એટલે આ પગલું અત્યંત અનિવાર્ય છે. જો તે સાફ ન કરાય તો દર્દીના ઈજાગ્રસ્ત ભાગ પર બેક્ટેરિયા જીવાણું લાગવાથી પાક-પરુ થવાની શક્યતા રહે છે.


(૪) ઘાને એન્ટીસેપ્ટિક સોલ્યુશન (સેવલોન અથવા ડેટોલ) લગાવેલ રૂ કે ગોઝ (પાતળી જાળી ધરાવતો કપડાંના ટૂકડાં) વડે હળવેથી ઘસીને સાફ કરવો. તે ના મળે તો તાજુ ઉકાળીને ઠંડુ કરેલું પાણી અને સાબુ વાપરી શકાય. સાફ કરવાની પ્રકિયા ઘાની જગ્યાએથી શરૂ કરવી અને પછીથી ઘાની આજુબાજુની બે-ત્રણ ઇંચ ચામડી પણ સાફ કરવી. ઘ્યાન રહે કે આજુબાજુની ચામડીને લગાડેલું રૂ કે ગોઝ પાછુ ઘા પર અડે નહીં. ઘા ધોતી વખતે ધ્યાન રાખવું કે તેમાંથી બધો કચરો સાફ થઇ જાય. આમ કરતાં જરાક લોહી નીકળે તો વાંધો નહીં. જરૂર પડે તો ચીપિયો વાપરી શકાય. ચિપીયો વાપરતા પહેલાં ઉકળતા પાણીમાં દસ મિનિટ રાખેલો હોવો જોઇએ. ઘાની અંદરનો કચરો ઉખાડવા પાણીની છાલક કે પિચકારી મારી શકાય.

(૫) ઘા ધૂળવાળો કે કચરાવાળો ગંદો હોય તો તેમાં થોડું હાઇડ્રોજન પેરોકસાઇડ રેડીને બે મિનિટ ફીણ થવા દેવું અને પછી તેને પાછુ એન્ટીસે(પ્ટક સોલ્યુશન (સેવલોન અથવા ડેટોલ) લગાવેલ ગોઝ વડે સાફ કરવુ.

(૬) છેલ્લે, એન્ટીસે(પ્ટક સોલ્યુશન કે મલમવાળુ ગોઝ ઘા પર મૂકીને તેની પર રૂની ગાદી રાખીને પાટો બાંધવો કે પટ્ટી લગાવવી. જો સાફ કરતાં પહેલા જ ઘા ચોખ્ખો હોય તો તેના પર દવા લગાડવાની જરૂર નથી હોતી. માત્ર સાદો સ્વચ્છ પાટો પૂરતો છે. કુદરતી રૂઝ લાવવામાં બધા મલમ અને દવાઓ અવરોધ કરે છે.

(૭) દર્દીને સૂચના આપવી કે પાટો અને ઘા ગંદા ના થાય. ગંદો થાય તો તરત જ પાટો બદલી નાખવો.

(૮) દર્દીએ છેલ્લા પાંચ વર્ષમાં ધનુરની રસી લીધી ના હોય તો તે અપાવવાની વ્યવસ્થા કરવી.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર