આપણા
દેશમાં છેલ્લાં પચ્ચીસ વર્ષમાં જે બીમારીનું પ્રમાણ બમણું થઇ ગયું છે એ
હ્રદયરોગને નિયંત્રણમાં રાખવા માટે કોઇ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સરકારે હાથ
નથી ધર્યો. હ્રદયરોગના કુલ દર્દીઓની સરખામણીએ નહીંવત્ દર્દીઓ ધરાવતા
કુષ્ટરોગ અને એઇડ્સ જેવા રોગોને નિયંત્રણમાં લેવા માટે કરોડો રૂપિયા ખર્ચાય
છે પણ વિશ્વમાં સૌથી વધુ હ્રદયરોગના દર્દી આપણં દેશમાં હોવા છતાં એના
નિયંત્રણ અંગે હજી સુધી કોઇ જ પગલાં નથી લેવાયા એ આષ્ચર્યની બાબત છે!
લોક જાગૃતિના અભાવે આપણા દેશના લોકોનું સરેરાશ કોલેસ્ટરોલ ઉત્તરોત્તર
વધતું જ જાય છે. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ભારતીય શહેરીજનોનું કુલ સરેરાશ
કોલેસ્ટરોલ ૧૬૦ મિ.ગ્રા./ડે.લિ. થી વધીને ૧૯૫ મિ.ગ્રા./ડે.લિ. જેટલું થઇ
ગયુ છે. જો આ ઝડપે દર વર્ષે સરેરાશ કુલ કોલેસ્ટરોલમાં ૧ મિ.ગ્રા./ડે.લિ નો
વધારો થયા કરે તો હ્રદયરોગનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધ્યા જ કરશે. ઘણાં
આતંરરાષ્ટ્રીય અભ્યાસોના તારણ મુજબ જ્યારે ૨૦૦ મિ.ગ્રા./ડે.લિ.
કોલેસ્ટરોલમાં એક મિ.ગ્રા. કોલેસ્ટરોલ વધે છે ત્યારે હ્રદયરોગની શક્યતા બે
ટકા જેટલી વધે છે. એટલે કે આ ઝડપે કુલ સરેરાશ કોલેસ્ટરોલ વધતું રહે તો
ભારતીય લોકોમાં હ્રદયરોગ થવાની શક્યતામાં આવતાં વીસ-પચ્ચીસ વર્ષમાં આશરે
૪૦-૫૦ ટકા જેટલો મોટો વધારો થઇ શકે!
કોલેસ્ટરોલ વધારનારાં ખાદ્ય પરિબળો અંગે વ્યાપક લોકજાગૃતિ જરૂરી છે.
અમેરિકાના દરેક પેક ખાદ્ય-પદાર્થ પર એમાં કેટલું કોલેસ્ટરોલ, કુલ ચરબી અને
સંતૃપ્ત ચરબી છે એ અંગેની માહિતી ફરજિયાત છાપવી જ પડે છે. આખા દિવસની કેલરી
તથા ચરબીની જરૂરિયાતમાંથી જે તે ખાદ્યપદાર્થ કેટલા ટકા જરૂરિયાત પૂરી
પાડશે એ પણ લખેલું હોય છે. વ્યાપક લોકજાગૃતિને કારણે જ છેલ્લા પચીસ વર્ષમાં
અમેરિકાના લોકોનું સરેરાશ કુલ કોલેસ્ટરોલ આશરે ૨૫ મિ.ગ્રા./ડે.લિ. જેટલું
ઘટયુ છે (જે સમયગાળામાં આપણાં દેશનાં લોકોનું કુલ સરેરાશ કોલેસ્ટરોલ ૨૫
મિ.ગ્રા./ડે.લિ. જેટલું વધ્યુ છે!!). આપણાં દેશમાં પણ વ્યાપક લોકજાગૃતિ
માટે આવું લખાણ દરેક પેક ખાદ્યપદાર્થ પર હોવું જરૂરી છે.
ખાદ્યતેલના કે ઘીના દરેક ડબ્બા પર, દૂધની કોથળી પર, ચીઝ-બટરના પેક પર,
પેક કરેલ નમકીન ફરસાણ પર, મીઠાઇના તૈયાર પેકેટ પર, આઇસ્ક્રીમના કપ ઉપર,
બિ(સ્કટ તથા બેકરીની દરેક પેદાશ ઉપર ફરજિયાત-પણે એમાં રહેલ ચરબી, સંતૃપ્ત
ચરબી તથા કેલરીનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવવો જોઇએ. બીડી-સિગરેટ-તમાકુના
ઉત્પાદન પર છપાતી કાનૂની ચેતવણીની જેમ જ ૩૦ ટકાથી વધુ ચરબી ધરાવતા દરેક
ખાદ્યપદાર્થના પેકિંગ ઉપર 'તબીબી ચેતવણી - વધુ પડતી ચરબી (ઘી-તેલ)
સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવું લખાણ અથવા 'ખોરાકમાં રોજ વીસ ગ્રામથી વધુ
ચરબી હ્રદયરોગ કરી શકે છે' એવું લખાણ ફરજિયાતપણે છાપવું જોઇએ એવું ઘણાં
તબીબોને લાગે છે.
ભારતીય લોકોના મનમાં ઘર કરી ગયેલ ઘી-તેલ અંગેની કેટલીક ખોટી માન્યતાઓ દૂર કરવી પણ એટલી જ જરૂરી છે. આવી કેટલીક માન્યતાઓ જોઇએ
દેવું
કરીને ઘી પીનારાઓને છેવટે મોટું દેવું કરીને બાયપાસ ઓપરેશન કે
એન્જિયોપ્લાસ્ટી જેવા ખર્ચાના ખાડામાં ઊતરવું પડે છે! ઘીની અંદર આશરે ૬૦
ટકા કરતાં વધુ સંતૃપ્ત ચરબી આવે છે જે હ્રદયની ધમનીઓને ઝડપથી સાંકળી બનાવે
છે અને હ્રદયરોગ નોતરે છે. આપણાં દેશના કેટલાક આર્થિક રીતે સમૃધ્ધ
વિસ્તારોને બાદ કરતાં દુનિયામાં ક્યાંય ઘીનો નોંધપાત્ર વપરાશ થતો નથી અને
તે છતાં ભારતીય લોકો કરતા ઘણી સારી તંદુરસ્તી વિશ્વના અનેક દેશોના નાગરિકો
ધરાવે છે. કોલસ્ટેરોલને વધતુ અટકાવવા માટે ઘી સહિતનાં વધુ સંતૃપ્ત ચરબી
ધરાવતાં ખોરાક વજર્ય ગણવા જોઇએ.
ઘણા
લોકોના મનમાં એવો ખોટો ખ્યાલ હોય છે કે યંત્રમાં ઘસારો અટકાવવા જે રીતે
ઓઇલ(તેલ) ઊંજવામાં આવે છે એ જ રીતે શરીરના સાંધાઓને ઘસાતા અટકાવવા માટે ઘી
ખાવું જોઇએ. હકીકતમાં, શરીરના સાંધાઓનો ઘસારો અટકાવવા માટે કુદરતે માણસ
સહિત દરેક પ્રાણીમાં 'સાઇનોવીયલ ફલુઇડ' નામના કુદરતી ઊંજણની વ્યવસ્થા કરી જ
છે. સાંધાનાં બે હાડકાં વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે જરૂરી પ્રવાહી ઉર્ફે
'સાઇનોવીયલ ફલુઇડ' કુદરતી રીતે બને છે અને એને બનાવવા ઘી ખાવાની જરા પણ
જરૂર નથી. ઉલટું, ક્યારેક વધુ ઘી ખાઇ ખાઇને મેદવૃદ્ધ બની ગયેલ વ્યક્તિના
સાંધા વહેલા ઘસાય છે.
ઘણા
લોકો રોટલી, ખીચડી, ઢોકળી, ઢોકળાં, ઇડલી, રસ, ભાત વગેરે દરેક વસ્તુમાં ઘી
નાંખવાનો આગ્રહ રાખતા હોય છે, અને એવી ખોટી માન્યતા ધરાવે છે કે ઘી વગર આ
બધી વસ્તુ ખાવાથી ગેસ અને અપચો થાય. હકીકતમાં જ્યારે ખોરાકમાં તેલ અને
ઘીનું પ્રમાણ વધી જાય ત્યારે પેટ ભારે થઇ જવાની કે અપચો થવાની સંભાવના
વધારે રહે છે.
આરોગ્યપ્રદ
કે સ્વાસ્થ્યપ્રદ તેલ તરીકે જેનો વારંવાર પ્રચાર થાય છે એ કપાસિયા તેલ
ખરેખર 'સ્વાસ્થ્ય-હર' તેલ છે. કપાસિયા તેલમાં સીંગતેલ કરતાં પણ વધુ
પ્રમાણમાં સંતૃપ્ત ચરબી હોય છે જે હ્રદયની ધમનીઓને સાંકડી બનાવનાર
કોલેસ્ટરોલનું લોહીમાં પ્રમાણ વધારે છે. આ ઉપરાંત, કપાસિયા તેલથી પુરુષોમાં
વ્યંધતત્વ આવવાની શક્યતાઓ અંગે પણ વાદવિવાદ ચાલે છે. ટૂંકમાં, કોલેસ્ટરોલ
ઘટાડવા માટે સીંગતેલને બદલે કપાસિયા તેલ ચાલુ કરનાર માટે 'બકરું કાઢતાં ઊંટ
પેઠું' જેવો ઘાટ થાય છે.
હ્રદયની
તંદુરસ્તી વધરવાનો દાવો કરતું કરડીનું તેલ ઉર્ફે સેફલાવર ઓઇલ આજકાલ ઘણાં
હ્રદયરોગના દર્દીઓ અને અન્ય લોકો વાપરી રહ્યા છે. આ તેલમાં સંતૃપ્ત ચરબીનું
પ્રમાણ ઘણું ઓછું છે એટલે એનાથી કોલેસ્ટેરોલ વધવાની શક્યતા ઓછી છે. પરંતુ
એમાં લીનોલિક એસિડ નામનું ચરબી ઘટક ખૂબ વધુ પ્રમાણમાં છે જ્યારે આલ્ફા
લીનોલેનિક એસિડ નામનું હ્રદયરોગ સામે રક્ષણ પૂરુ પાડતું ખૂબ ઉપયોગી ચરબી
ઘટક નહીંવત્ છે, જેને કારણે તે લેવાથી લાંબે ગાળે હ્રદયની સુરક્ષા થવાને
બદલે કેન્સર જેવાં રોગો થવાની શકયતા વધી જાય છે.
આમ, ઘી-તેલ અંગેની ખોટી માન્યતાઓ, દ્દઢ રૂઢિઓ અને જડ માનસ બદલવાની જરૂર
છે. સામાન્ય નાગરિકથી માંડીને ડોક્ટરો સુધીના અનેક લોકોને જાગૃત કરવા માટે
રાષ્ટ્રીય સ્તરે 'કોલેસ્ટરોલ શિક્ષણ કાર્યક્રમ'ની ખૂબ મોટી જરૂરિયાત છે.
લોકોને જાગૃત તથા હ્રદયરોગ-સંવેદનશીલ બનાવવા માટે લોકોના વપરાશની વસ્તુઓના
પેકિંગ પર ત્યાંની ભાષામાં સ્પષ્ટપણે વંચાય એમ ખોરાકમાં રહેલ ચરબી તથા
ચરબીથી થતા નુકસાન અંગેની ચેતવણી છાપવી અને પ્રચાર માધ્યમો દ્વારા વારંવાર
કોલસ્ટેરોલ વધવાથી થતા નુકસાન અંગે તેમજ કોલસ્ટેરોલ વધતુ અટકાવવા માટે
જરૂરી પગલાં અંગે નિયમિત માહિતિ ફેલાવતા રહેવું જરૂરી છે.