કોલેસ્ટરોલ

9. રાષ્ટ્રીય કોલેસ્ટરોલ શિક્ષણ કાર્યક્રમની જરૂરિયાત

આપણા દેશમાં છેલ્લાં પચ્ચીસ વર્ષમાં જે બીમારીનું પ્રમાણ બમણું થઇ ગયું છે એ હ્રદયરોગને નિયંત્રણમાં રાખવા માટે કોઇ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સરકારે હાથ નથી ધર્યો. હ્રદયરોગના કુલ દર્દીઓની સરખામણીએ નહીંવત્ દર્દીઓ ધરાવતા કુષ્ટરોગ અને એઇડ્સ જેવા રોગોને નિયંત્રણમાં લેવા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ વિશ્વમાં સૌથી વધુ હ્રદયરોગના દર્દી આપણં દેશમાં હોવા છતાં એના નિયંત્રણ અંગે હજી સુધી કોઇ જ પગલાં નથી લેવાયા એ આષ્ચર્યની બાબત છે!

લોક જાગૃતિના અભાવે આપણા દેશના લોકોનું સરેરાશ કોલેસ્ટરોલ ઉત્તરોત્તર વધતું જ જાય છે. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ભારતીય શહેરીજનોનું કુલ સરેરાશ કોલેસ્ટરોલ ૧૬૦ મિ.ગ્રા./ડે.લિ. થી વધીને ૧૯૫ મિ.ગ્રા./ડે.લિ. જેટલું થઇ ગયુ છે. જો આ ઝડપે દર વર્ષે સરેરાશ કુલ કોલેસ્ટરોલમાં ૧ મિ.ગ્રા./ડે.લિ નો વધારો થયા કરે તો હ્રદયરોગનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધ્યા જ કરશે. ઘણાં આતંરરાષ્ટ્રીય અભ્યાસોના તારણ મુજબ જ્યારે ૨૦૦ મિ.ગ્રા./ડે.લિ. કોલેસ્ટરોલમાં એક મિ.ગ્રા. કોલેસ્ટરોલ વધે છે ત્યારે હ્રદયરોગની શક્યતા બે ટકા જેટલી વધે છે. એટલે કે આ ઝડપે કુલ સરેરાશ કોલેસ્ટરોલ વધતું રહે તો ભારતીય લોકોમાં હ્રદયરોગ થવાની શક્યતામાં આવતાં વીસ-પચ્ચીસ વર્ષમાં આશરે ૪૦-૫૦ ટકા જેટલો મોટો વધારો થઇ શકે!

કોલેસ્ટરોલ વધારનારાં ખાદ્ય પરિબળો અંગે વ્યાપક લોકજાગૃતિ જરૂરી છે. અમેરિકાના દરેક પેક ખાદ્ય-પદાર્થ પર એમાં કેટલું કોલેસ્ટરોલ, કુલ ચરબી અને સંતૃપ્ત ચરબી છે એ અંગેની માહિતી ફરજિયાત છાપવી જ પડે છે. આખા દિવસની કેલરી તથા ચરબીની જરૂરિયાતમાંથી જે તે ખાદ્યપદાર્થ કેટલા ટકા જરૂરિયાત પૂરી પાડશે એ પણ લખેલું હોય છે. વ્યાપક લોકજાગૃતિને કારણે જ છેલ્લા પચીસ વર્ષમાં અમેરિકાના લોકોનું સરેરાશ કુલ કોલેસ્ટરોલ આશરે ૨૫ મિ.ગ્રા./ડે.લિ. જેટલું ઘટયુ છે (જે સમયગાળામાં આપણાં દેશનાં લોકોનું કુલ સરેરાશ કોલેસ્ટરોલ ૨૫ મિ.ગ્રા./ડે.લિ. જેટલું વધ્યુ છે!!). આપણાં દેશમાં પણ વ્યાપક લોકજાગૃતિ માટે આવું લખાણ દરેક પેક ખાદ્યપદાર્થ પર હોવું જરૂરી છે.

ખાદ્યતેલના કે ઘીના દરેક ડબ્બા પર, દૂધની કોથળી પર, ચીઝ-બટરના પેક પર, પેક કરેલ નમકીન ફરસાણ પર, મીઠાઇના તૈયાર પેકેટ પર, આઇસ્ક્રીમના કપ ઉપર, બિ(સ્કટ તથા બેકરીની દરેક પેદાશ ઉપર ફરજિયાત-પણે એમાં રહેલ ચરબી, સંતૃપ્ત ચરબી તથા કેલરીનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવવો જોઇએ. બીડી-સિગરેટ-તમાકુના ઉત્પાદન પર છપાતી કાનૂની ચેતવણીની જેમ જ ૩૦ ટકાથી વધુ ચરબી ધરાવતા દરેક ખાદ્યપદાર્થના પેકિંગ ઉપર 'તબીબી ચેતવણી - વધુ પડતી ચરબી (ઘી-તેલ) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવું લખાણ અથવા 'ખોરાકમાં રોજ વીસ ગ્રામથી વધુ ચરબી હ્રદયરોગ કરી શકે છે' એવું લખાણ ફરજિયાતપણે છાપવું જોઇએ એવું ઘણાં તબીબોને લાગે છે.

    ♥ ઘી-તેલ અંગેની કેટલીક ખોટી માન્યતાઓ