વધેલું કોલેસ્ટરોલ ઘટાડવા માટેનો સૌથી સારો ઉપાય ખોરાકમાંથી ચરબી (ખાસ કરીને સંતૃપ્ત ચરબી) ઘટાડવાનો છે. ઘી, તેલ, માખણ, મલાઇ, ચીઝ એકદમ ઓછું કરી નાખવામાં આવે તથા માંસાહાર, ઇંડાં વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે તો કોલેસ્ટરોલ ઘટે જ છે. તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસો જણાવે છે કે, કોલેસ્ટરોલ ઘટાડવું હોય તો પહેલાં વજન ઘટાડો અને એથી પણ પહેલાં કસરત કરવાનું શરૂ કરી દો. કસરતથી ભલે કોલેસ્ટરોલ ઘટાડવામાં થોડોક જ ફાયદો મળતો હોય પરંતુ એને કારણે હ્રદયરોગ અટકાવવામાં; વજન ઘટાડવામાં અને તંદુરસ્તી જાળવી રાખવામાં એટલા બધા ફાયદા થાય છે કે નિયમિત કસરત વગર સારી અને સાચી તંદુરસ્તી જાળવવી અશકય થઇ પડે છે. આ ઉપરાંત, કસરત કરવાથી એચ.ડી.એલ. તરીકે ઓળખાતું સારું કોલેસ્ટરોલ વધે છે, તેમજ ટ્રાયગ્લીસરાઇડ ઘટે છે. વધેલું વજન ઘટાડવાથી કોલેસ્ટરોલ અને ટ્રાયગ્લીસરાઇડ ઘટાડવામાં અગત્યનો ફાળો મળે છે. જાડા લોકો કરતાં પાતળા લોકો વધેલું કોલેસ્ટરોલ ઝડપથી ઘટાડી શકે છે.
જે લોકો ખોરાકની પરેજી અને કસરતો કરવા છતાં કોલેસ્ટરોલ ઘટાડી નથી શકતા એ લોકો માટે છેલ્લા ઉપાય તરીકે જ દવાઓનો ઉપયોગ રહે છે. નવી નવી વધુને વધુ અસરકારક દવાઓ કોલેસ્ટરોલ ઘટાડવા માટે શોધાયા કરે છે. અને એનો વપરાશ પણ દિન-પ્રતિદિન વધતો જાય છે. દરેક માણસે આ દવા લેતાં પહેલાં અને દવાની સાથોસાથ ખોરાકની ચરબી ઘટાડવી ખૂબ જ આવશ્યક છે. કોલેસ્ટરોલ ઘટાડવા માટે આજકાલ સૌથી વધુ વપરાતી દવાઓમાં 'સ્ટેટીન' જૂથની દવાઓનો સમાવેશ થાય છે. લિવરમાં કોલેસ્ટરોલના ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્સેચકની કામગીરી ઘટાડવાનું કામ અને લિવરના કોષો પર એલ.ડી.એલ. કોલેસ્ટરોલના રીસેપ્ટર વધારવાનુ કામ આ સ્ટેટીન જૂથની દવાઓ કરે છે. લોવાસ્ટેટીન; સીમવાસ્ટેટીન; પાર્વાસ્ટેટીન; ફલુવાસ્ટેટીન અને એટોર્વાસ્ટેટીન વગેરે કેટલીક આ જૂથની જાણીતી દવાઓનાં ઉદાહરણ છે. આ દવાઓથી લોહીમાં એલ.ડી.એલ. કોલેસ્ટરોલના પ્રમાણમાં ૨૫ થી ૪૦ ટકા જેટલો તથા વી.એલ.ડી.એલ. કોલેસ્ટરોલ અને ટ્રાયગ્લીસરાઇડના પ્રમાણમાં ૧૦ થી ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાય છે. આની સાથે એચ.ડી.એલ. કોલેસ્ટરોલમાં પાંચ થી દશ ટકા જેટલો વધારો નોંધાય છે.
સ્ટેટીન જૂથની દવાઓને કારણે કોલેસ્ટરોલ ઘટવાથી હ્રદયની ધમનીઓ સાંકડી થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે અને કેટલાક લોકોમાં તો ધમનીનો અવરોધ ઓછો પણ થાય છે. પરંતુ, દવાઓ જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ કોલેસ્ટરોલ ઘટતું હોવાથી, દવા બંધ થતાની સાથે કોલેસ્ટરોલ વધવા લાગે છે. રોજ રાત્રે જમ્યા પછી આ દવાઓ લેવાથી એ વધુ અસરકારક રહે છે.
સ્ટેટીન જૂથની દવાઓ નોંધપાત્ર પ્રમાણમાં કોલેસ્ટરોલ ઘટાડે છે અને ધમનીનો અવરોધ આગળ વધવાની ગતિ ઘટાડે છે. આ દવાઓ પ્રમાણમાં સલામત અને અન્ય કોલેસ્ટરોલ ઘટાડનારી દવાઓ કરતાં ઓછી આડઅસરો કરે છે. હા, સ્ટેટીન જૂથની દવાઓ લેનાર સોમાંથી પાંચેક જણાને આડઅસરનો અનુભવ થાય છે ખરો. આશરે બે ટકા જેટલા દર્દીઓમાં સ્ટેટીન દવાને કારણે લિવરની કામગીરીમાં વિક્ષેપ પહોંચે છે અને લોહીમાં લિવરના ઉત્સેચકોનું (એસ.જી.પી.ટી.) પ્રમાણ ત્રણ ગણું વધી જાય છે. સોએ એકથી પણ ઓછા કેસમાં સ્નાયુઓ પર ગંભીર આડઅસર આ દવાથી થઇ શકે છે. માયોપેથી તરીકે ઓળખાતી આ તકલીફમાં હાથ-પગના સ્નાયુઓમાં સખત દુખાવો થાય, થાક લાગે, કામ કરવામાં અશક્તિ લાગે વગેરે તકલીફો જણાય છે. લેબોરેટરી તપાસમાં સ્નાયુના ઉત્સેચક (સી.પી.કે.) નું પ્રમાણ ખૂબ વધી ગયેલું જણાય છે. જયારે કોલેસ્ટરોલ ઘટાડવાની એક કરતાં વધારે દવાઓ વાપરવામાં આવે ત્યારે આવું થવાની શકયતા વધી જાય છે.
સ્ટેટીન ઉપરાંત, કોલેસ્ટરોલ ઘટાડવામાં બીજી બે-ત્રણ પ્રકારની દવાઓ વર્ષોથી વપરાય છે. પિત્ત-બંધક રેસિન તરીકે ઓળખાતી કોલેસ્ટાઇરેમાઇન અને કોલેસ્ટીપોલ નામની દવાઓ એલ.ડી.એલ. કોલેસ્ટરોલમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો કરે છે, પરંતુ એ દવાના વપરાશથી ટ્રાયગ્લીસરાઇડ વધી જાય છે. બીજું આ દવાઓનો ડોઝ ખૂબ મોટો (દશ-બાર ગ્રામ દિવસમાં બે-ત્રણ વાર) હોય છે, જેને કારણે દર્દીને અસુવિધા લાગે છે. આ દવા લેવાથી કબજિયાત, ગેસ, અપચો, મસા વગેરે તકલીફ થાય છે. આજકાલ આ દવાઓનો વપરાશ પ્રમાણમાં ઓછો થાય છે.
અન્ય દવાઓમાં નિકોટીનીક એસિડ જૂથની દવાઓ ઘણી ઉપયોગી સાબિત થઇ છે. આ જૂથની નાયાસિન નામની દવા લેવાથી લિવરમાં એલ.ડી.એલ. અને વી.એલ.ડી.એલ. માટે જરૂરી પ્રોટીન ઘટકનું ઉત્પાદન બંધ થઇ જાય છે. જેને પરિણામે, ટ્રાયગ્લીસરાઇડમાં ૨૫ થી ૮૫ ટકાનો; વી.એલ.ડી.એલ.માં ૨૫ થી ૩૫ ટકાનો તથા એલ.ડી.એલ.માં ૧૫ થી ૨૫ ટકાનો ઘટાડો થાય છે. આ દવા વાપરવાનો આશરે ત્રીસેક વર્ષનો વૈશ્વિક અનુભવ જણાવે છે કે દવા પ્રમાણમાં સલામત છે. તે છતાં કેટલીક આડ-અસરો એના વ્યાપક વપરાશમાં નડી છે આ દવા લેવાથી આખા શરીરની ચામડીમાં ગરમાવો કે બળતરા થઇ શકે. કયારેક આખા શરીરે ખંજવાળ આવે એવું બને છે. વળી, ડાયાબિટીસ કે ગાઉટ જેવી બીમારીને વકરાવવાનું કામ આ દવા કરે છે અને એટલે એ બીમારીની હાજરીમાં આ દવા વાપરી શકાતી નથી. એ જ રીતે એસિડીટી, પેપ્ટીક અલ્સર તથા હ્રદયના ધબકારાની અનિયમિતતાના દર્દીઓમાં પણ દરદ વકરી જવાની શકયતાને કારણે એ બીમારીના દર્દીમાં આ દવા વાપરવી ન જોઇએ. કયારેક લિવરના કામમાં પણ આ દવાથી ક્ષતિ પહોંચી શકે છે.
આ ઉપરાંત ટ્રાયગ્લીસરાઇડ વધારે હોય તો એને ઘટાડવા ફાઇબ્રીક એસિડ ડેરિવેટિવ્સ તરીકે ઓળખાતી દવાઓ (દા.ત. જેમફાઇબ્રોઝીલ, કલોફાઇબ્રેટ, ફેનોફાઇબ્રેટ વગેરે) વપરાય છે. આ દવાથી એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધે છે, પરંતુ એની સાથે સાથે કયારેક નુકસાનકારક એલ.ડી.એલ. કોલેસ્ટરોલ પણ વધી શકે છે. વળી દવાને લીધે લિવર અને સ્નાયુઓ ઉપર પણ આડઅસર થતી હોવાથી એનો વપરાશ મર્યાદિત છે.
આમ, કોલેસ્ટરોલ ઘટાડતી દવાઓ બે-ધારી તલવાર જેવી છે. મર્યાદિત અને દાકતરી દેખરેખ હેઠળનો ઉપયોગ દર્દીનું આયુષ્ય લંબાવી આપે છે, તો બીજી બાજુ આડઅસરો એના ઉપયોગને મર્યાદિત બનાવે છે. વળી, દવા જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ કોલેસ્ટરોલ ઘટેલું રહે છે. એટલે જ આ દવાઓ ડોકટરની સલાહ મુજબ કાયમ ચાલુ રાખવી પડે છે.