કોલેસ્ટરોલ

7. ફાયદાકારક કોલેસ્ટરોલ - એચ.ડી.એલ.

શરીરને ફાયદાકારક કોલેસ્ટરોલ તરીકે એચ.ડી.એલ. કોલેસ્ટરોલની ગણના થાય છે. એચ.ડી.એલ. (હાઇ ડેન્સીટી લાઇપોપ્રોટીન)નો અર્થ થાય છે વધુ ઘનતા ધરાવતું ચરબી-પ્રોટીનનું મિશ્રણ. જેમાં ચરબી ઓછી અને પ્રોટીન વધુ હોય એવું લાઇપોપ્રોટીન વધુ ઘનતા ધરાવે છે. આ લાઇપોપ્રોટીન મુખ્યત્વે શરીરમાં છુટા ફરતા કોલેસ્ટરોલને પકડીને લિવરમાં લઇ જવાનું કામ કરે છે. લિવરમાં આવુ કોલેસ્ટરોલ પ્રવેશ્યા બાદ પિત્ત વાટે શરીરની બહાર ફેંકાઇ જાય છે. આ ઉપરાંત, લોહીમાં રહેલા કોલેસ્ટરોલનું ઓ(ક્સડેશન, ઘટાડવામાં પણ એચ.ડી.એલ. ફાળો આપે છે. એચ.ડી.એલ. કોલેસ્ટરોલ અન્ય કોલેસ્ટરોલને રક્તવાહીની ઉપર ઇજા કરતું પણ અટકાવે છે.

આપણાં દેશમાં, ઓછું એચ.ડી.એલ. કોલેસ્ટરોલ એ હ્રદયરોગ માટેનું ખૂબ અગત્યનું પરિબળ છે. દર એક મિ.ગ્રા./ડે.લિ. જેટલો એચ.ડી.એલ. નો વધારો હ્રદયરોગ થવાની શક્યતામાં બે થી ત્રણ ટકા જેટલો ઘટાડો કરે છે. 'મેટાબોલિક સિન્ડ્રોમ' અથવા 'સિન્ડ્રોમ એક્સ' તરીકે ઓળખાતી અને ભારતમાં ખૂબ વ્યાપક પણે જોવા મળતી તકલીફમાં ઓછું એચ.ડી.એલ. કોલેસ્ટરોલ, વધુ ટ્રાઇગ્લીસરાઇડ, મોટી ફાંદ, હાઇબ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એક સાથે એક જ વ્યક્તિમાં જોવા મળે છે જે હ્રદયરોગનું જોખમ ખૂબ વધારી દે છે.

એચ.ડી.એલ. કોલેસ્ટરોલના બે પેટા-પ્રકારો શોધાયા છે:- એચ.ડી.એલ-૩ અને એચ.ડી.એલ.-૨. એચ.ડી.એલ.-૩ માંથી ફેરફારો થયા પછી એચ.ડી.એલ.-૨ બને છે. હ્રદયરોગ સામે રક્ષણ આપવામાં મુખ્યત્વે એચ.ડી.એલ.-૨ મહત્વનો ફાળો આપે છે એવુ મનાય છે. એચ.ડી.એલ કોલેસ્ટરોલનું લોહીમાં પ્રમાણ જનીન-આધારિત હોય છે. એ ઉપરાંત, કેટલાંક બાહ્ય પરિબળોથી આ પ્રમાણમાં વધ-ઘટ થતી જોવા મળે છે જેની યાદી નીચે આપી છે.

એચ.ડી.એલ. (ફાયદાકારક) કોલેસ્ટરોલ વધારનાર પરિબળો: (૧) કસરત (૨) દવાઓ (નાયાસીન, ફાઇબ્રેટ, સ્ટેટીન, ફીનાઇટોઇન, ઇસ્ટ્રોજન વગેરે).

એચ.ડી.એલ. કોલેસ્ટરોલ ઘટાડનાર પરિબળો: (૧) વધુ વજન (૨) કસરત વગર માત્ર ઓછુ ખાઇને વજન ઘટાડવાના પ્રયત્નો (૩) તમાકુ (૪) બીટા-બ્લોકર જૂથની દવાઓ (૫) પ્રોજેસ્ટેરોન અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ.

    ♥ એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધારવાના ઉપાયો

    ♥ ડાયાબિટીસને કારણે એચ.ડી.એલ કોલેસ્ટરોલ ઘટે?

    ♥ કોઇ ખોરાકથી એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધી શકે?

    ♥ દારૂ પીવાથી એચ.ડી.એલ કોલેસ્ટરોલ વધે?