શરીરને
ફાયદાકારક કોલેસ્ટરોલ તરીકે એચ.ડી.એલ. કોલેસ્ટરોલની ગણના થાય છે.
એચ.ડી.એલ. (હાઇ ડેન્સીટી લાઇપોપ્રોટીન)નો અર્થ થાય છે વધુ ઘનતા ધરાવતું
ચરબી-પ્રોટીનનું મિશ્રણ. જેમાં ચરબી ઓછી અને પ્રોટીન વધુ હોય એવું
લાઇપોપ્રોટીન વધુ ઘનતા ધરાવે છે. આ લાઇપોપ્રોટીન મુખ્યત્વે શરીરમાં છુટા
ફરતા કોલેસ્ટરોલને પકડીને લિવરમાં લઇ જવાનું કામ કરે છે. લિવરમાં આવુ
કોલેસ્ટરોલ પ્રવેશ્યા બાદ પિત્ત વાટે શરીરની બહાર ફેંકાઇ જાય છે. આ ઉપરાંત,
લોહીમાં રહેલા કોલેસ્ટરોલનું ઓ(ક્સડેશન, ઘટાડવામાં પણ એચ.ડી.એલ. ફાળો આપે
છે. એચ.ડી.એલ. કોલેસ્ટરોલ અન્ય કોલેસ્ટરોલને રક્તવાહીની ઉપર ઇજા કરતું પણ
અટકાવે છે.
આપણાં દેશમાં, ઓછું એચ.ડી.એલ. કોલેસ્ટરોલ એ હ્રદયરોગ માટેનું ખૂબ
અગત્યનું પરિબળ છે. દર એક મિ.ગ્રા./ડે.લિ. જેટલો એચ.ડી.એલ. નો વધારો
હ્રદયરોગ થવાની શક્યતામાં બે થી ત્રણ ટકા જેટલો ઘટાડો કરે છે. 'મેટાબોલિક
સિન્ડ્રોમ' અથવા 'સિન્ડ્રોમ એક્સ' તરીકે ઓળખાતી અને ભારતમાં ખૂબ વ્યાપક પણે
જોવા મળતી તકલીફમાં ઓછું એચ.ડી.એલ. કોલેસ્ટરોલ, વધુ ટ્રાઇગ્લીસરાઇડ, મોટી
ફાંદ, હાઇબ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એક સાથે એક જ વ્યક્તિમાં જોવા મળે છે
જે હ્રદયરોગનું જોખમ ખૂબ વધારી દે છે.
એચ.ડી.એલ. કોલેસ્ટરોલના બે પેટા-પ્રકારો શોધાયા છે:- એચ.ડી.એલ-૩ અને
એચ.ડી.એલ.-૨. એચ.ડી.એલ.-૩ માંથી ફેરફારો થયા પછી એચ.ડી.એલ.-૨ બને છે.
હ્રદયરોગ સામે રક્ષણ આપવામાં મુખ્યત્વે એચ.ડી.એલ.-૨ મહત્વનો ફાળો આપે છે
એવુ મનાય છે. એચ.ડી.એલ કોલેસ્ટરોલનું લોહીમાં પ્રમાણ જનીન-આધારિત હોય છે. એ
ઉપરાંત, કેટલાંક બાહ્ય પરિબળોથી આ પ્રમાણમાં વધ-ઘટ થતી જોવા મળે છે જેની
યાદી નીચે આપી છે.
એચ.ડી.એલ. (ફાયદાકારક) કોલેસ્ટરોલ વધારનાર પરિબળો: (૧) કસરત (૨) દવાઓ (નાયાસીન, ફાઇબ્રેટ, સ્ટેટીન, ફીનાઇટોઇન, ઇસ્ટ્રોજન વગેરે).
એચ.ડી.એલ. કોલેસ્ટરોલ ઘટાડનાર પરિબળો: (૧) વધુ વજન (૨) કસરત વગર માત્ર
ઓછુ ખાઇને વજન ઘટાડવાના પ્રયત્નો (૩) તમાકુ (૪) બીટા-બ્લોકર જૂથની દવાઓ (૫)
પ્રોજેસ્ટેરોન અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ.
વ્યક્તિનું
વજન અને એચ.ડી.એલ. કોલેસ્ટરોલ એકબીજાથી વિપરિત દિશામાં ગતિ કરે છે. એટલે
કે વ્યક્તિનું વજન જેમ વધે એમ એચ.ડી.એલ. કોલેસ્ટરોલ ઘટે અને વજન ઘટે તો
એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધે! વ્યક્તિના વજનમાં બે-ત્રણ કિલોનો વધારો
એચ.ડી.એલ. કોલેસ્ટરોલમાં પાંચ ટકાનો ઘટાડો કરે છે. પરંતુ આ વધેલું વજન
ઘટાડવાથી એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધશે જ એવી કોઇ ખાતરી નથી. જો વજન ઘટાડતી
વખતે ખોરાકમાં સંતૃપ્ત ચરબીને બદલે મોનો-અનસેચ્યુરેટેડ ચરબી વાપરવામાં આવે
તો એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધી શકે. ટૂંકમાં, જો તમારુ વજન (કિ.ગ્રા.) તમારી
સે.મી માં માપેલા ઊંચાઇમાંથી સો બાદ કરવાથી મળતા આંક કરતા વધુ હોય તો કસરત
અને ખાવાના પરિવર્તનથી વજન ઘટાડવું ખૂબ જરૂરી છે.
નિયમિત
કસરત અને આસન કરવાથી પણ એચ.ડી.એલ કોલેસ્ટરોલ વધી શકે છે. અલબત્ત, દરેક
વ્યક્તિ ઉપર કસરતનો પ્રભાવ અલગ અલગ પડે છે. સ્નાયુઓ મજબૂત બનાવતી કસરતો
(દા.ત. વેઇટ લિફિટંગ) એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધારવામાં ઉપયોગી થાય છે. પણ
ડોકટરની સલાહ લઇને જ આવી કસરત કરવી હિતાવહ છે.
તમાકુનું
કોઇ પણ સ્વરૂપે સેવન કરવાથી એચ.ડી.એલ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટી જાય છે.
એચ.ડી.એલ કોલેસ્ટરોલ ઘટાડવા ઉપરાંત તમાકુની સીધી ઝેરી અસરોને કારણે
તમાકુનું સેવન કરનાર વ્યક્તિને હ્રદયરોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.
તમાકુનું સેવન બંધ કરવાથી મોટા ભાગના વ્યસનીઓના એચ.ડી.એલ કોલેસ્ટરોલમાં ૩
થી ૪ મિ.ગ્રા./ડે.લિ. જેટલો વધારો થાય છે. તમાકુનું વ્યસન હોય તો એમાંથી
સંપૂર્ણ મુક્તિ માત્ર એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધારવા માટે જ નહીં પરંતુ
સમગ્રપણે તંદુરસ્તી સુધારવા માટે પણ જરૂરી છે.
જો
આ બધા ઉપાયો નિષ્ફળ જાય તો છેલ્લા ઉપાય તરીકે નુકસાનકારક કોલેસ્ટરોલ
ઘટાડતી અને ફાયદાકારક કોલેસ્ટરોલ વધારતી દવાઓ ડોક્ટરની સલાહથી લેવી જોઇએ.
આવી દવાઓ મોંધી આવે છે્ર, કાયમ લેવી પડે છે અને આડઅસરો પણ થઇ શકે. માટે
ડોક્ટરની સલાહ હોય તો જ આવી દવા લેવી, જે એચ.ડી.એલ-કોલેસ્ટરોલમાં પાંચ થી
પચ્ચીસ ટકા જેટલો વધારો કરી શકે. આ ઉપરાંત એચ.ડી.એલ. કોલેસ્ટરોલ ઘટાડી
નાંખે એવી ઉપર જણાવેલી દવાઓ ડોકટરની સલાહ મુજબ લેવાનું બંધ કરવાથી પણ
એચ.ડી.એલ. કોલેસ્ટરોલ ઘટતું અટકાવી શકાય છે.
ડાયાબિટીસના
ધણાં દર્દીઓનું વજન વધારે હોય છે, અને લોહીમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ
વધારે હોય અને એચ.ડી.એલ.નું પ્રમાણ ઓછુ હોય એવું જોવા મળે છે. ડાયાબિટીસના
દર્દીમાં હ્રદયરોગ સામે રક્ષણ આપનાર પેટાપ્રકાર એચ.ડી.એલ.-૨ ની અસરકારકતા
ઘટી જાય છે. આ એચ.ડી.એલ.-૨, ડાયાબિટીસની હાજરીમાં અન્ય નુકસાનકારક
કોલેસ્ટરોલનું ઓ(ક્સડેશન અટકાવી નથી શકતું, અને પરિણામે હ્રદયને નુકસાન
થવાની શક્યતા વધી જાય છે.
દારૂનો
પ્રચાર કરવા માટે લખાયેલ કેટલાક લેખોમાં એવું જણાવવામાં આવે છે કે દારૂ
પીવાથી એચ.ડી.એલ કોલેસ્ટરોલ વધે અને હ્રદયને ફાયદો થાય! હકીકતમાં દારૂ
પીવાથી એચ.ડી.એલ.-૩ નામનો પેટાપ્રકાર થોડાક પ્રમાણમાં વધે છે. પરંતુ આ પેટા
પ્રકારથી હ્રદયરોગ સામે વિશેષ રક્ષણ મળતું નથી. હ્રદયરોગ સામે રક્ષણ આપવા
માટે એચ.ડી.એલ.-૨ જરૂરી છે જે દારૂ પીવાથી વધતું નથી. આ ઉપરાંત, દારૂ
પીવાથી ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ ખૂબ વધી જાય છે, અને પરિણામે પેન્ક્રીયાસ
(સ્વાદુપિંડ) ને નુકસાન થવાની શક્યતા પણ વધી જાય છે. ટ્રાયગ્લીસરાઇડ વધારે
હોય એવા દર્દીને દારૂ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. કોઇ પણ માન્ય
પાઠ્યપુસ્તકમાં હ્રદયરોગથી બચવા માટે દારૂ પીવાનું શરૂ કરવું જોઇએ એવું હજી
સુધી લખાયું નથી. માટે, કદી ફાયદાકારક કોલેસ્ટરોલ વધારવા કે હ્રદયરોગથી
બચવાના બહાના હેઠળ દારૂ જેવાં ભયંકર વ્યસનને નોતરશો નહીં.