લોહીમાં કોલેસ્ટરોલની તપાસ
હ્રદયરોગના દર્દીઓમાં કુલ જોખમી પરિબળોની હાજરી જાણવાની તપાસના ભાગરૂપે લોહીમાં કોલેસ્ટરોલ અને અન્ય ચરબીનું પ્રમાણ માપવાની તપાસ કરવામાં આવે છે. આપણા દેશમાં વધુ પડતાં કોલેસ્ટરોલને કારણે ઘણાં દર્દીઓ ખૂબ નાની ઉંમરે હ્રદયરોગનો ભોગ બની જાય છે. આવું થતું અટકાવવા માટે, દરેક માણસે ૨૦ વર્ષની વયે જ કોલેસ્ટરોલની તપાસ કરાવવી અને જો કોલેસ્ટરોલ વધુ આવે તો એને ઘટાડવા માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી દેવી જોઇએ. જે કુટુંબમાં નાની ઉંમરે (પપ વર્ષથી નાના પિતા, કાકા કે મામા અથવા ૬૫ વર્ષથી નાના માતા, માસી કે ફઇને) હ્રદયરોગ કે વધુ કોલેસ્ટરોલની તકલીફ હોય તેવાં કુટુંબના દેરક સભ્યએ દશ વર્ષની ઉંમરે જ કોલેસ્ટરોલની તપાસ કરાવી લેવી જોઇએ. બધી પ્રકારનાં કોલેસ્ટરોલ અને ટ્રાયગ્લીસરાઇડની સંપૂર્ણ તપાસ (લીપીડ પ્રોફાઇલ) કરાવવી હિતાવહ છે, પરંતુ એ ખર્ચાળ હોવાથી ઘણી વખત સંપૂર્ણ લીપીડ પ્રોફાઇલની તપાસ કરાવવાને બદલે માત્ર કુલ કોલેસ્ટરોલની તપાસ કરવામાં આવે છે. જો કુલ કોલેસ્ટરોલ વધારે આવે તો ત્રણ મહિના સુધી ખોરાકની પરેજી અને નિયમિત કસરત કર્યા પછી સંપૂર્ણ લીપીડ પ્રોફાઇલની તપાસ કરાવી લેવી જોઇએ.
કોલેસ્ટરોલનો સંબંધ ખોરાકની ચરબી અને ખોરાકના કોલેસ્ટરોલ સાથે હોય છે. આજે લીધેલ ચરબીવાળા ખોરાકને કારણે આજે ને આજે કંઇ લોહીનું કોલેસ્ટરોલ નથી વધી જવાનું. ખોરાકની ચરબીની અસર લોહીના કોલેસ્ટરોલ પર થતાં એકથી બે અઠવાડિયા જેટલો સમય લાગે છે. એટલે કોલેસ્ટરોલ મપાવતા પહેલાનાં ત્રણ અઠવાડિયાં સુધીનો ખોરાક એકસરખો હોવો જરૂરી છે. આ ત્રણ અઠવાડિયાં દરમ્યાન એક દિવસ ઉપવાસ અને બીજે દિવસે ઠાંસી ઠાંસીને ખાનારાઓમાં તેમજ રોજિંદા ખોરાક કરતાં વધારે ચરબીવાળો ખોરાક (લગ્ન કે અન્ય સમારંભમાં) લેનારના કોલેસ્ટરોલમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે. ટૂંકમાં, કાયમી, રોજિંદો ખોરાક ત્રણ અઠવાડિયાં સુધી ખાધા પછી જ કોલેસ્ટરોલની તપાસ કરાવવી જોઇએ. આ ત્રણ અઠવાડિયાં સુધી વજનમાં પણ ખાસ વધઘટ થવી ન જોઇએ. તપાસના ત્રણ દિવસ પહેલાંથી દારૂ પીનારાઓએ તે પીવાનું બંધ કરવું જોઇએ.
જયારે માત્ર કુલ કોલેસ્ટરોલ જ માપવું હોય ત્યારે દિવસના કોઇપણ સમયે, ગમે ત્યારે ખાધા પછી કે પહેલાં તપાસ થઇ શકે છે. પરંતુ કોલેસ્ટરોલની સાથોસાથ ટ્રાયગ્લીસરાઇડ અને એલ.ડી.એલ. કોલેસ્ટરોલ માપવું હોય તો તપાસ માટે લોહી લેતાં પહેલાના બાર કલાક સુધી કોઇ પણ ખાદ્ય પદાર્થ દર્દીએ ખાધો ન હોવો જોઇએ. બાર કલાકના ઉપવાસ પછી જ ટ્રાયગ્લીસરાઇડ અને એલ.ડી.એલ. કોલેસ્ટરોલના સાચા રિપોર્ટ મળી શકે છે.
તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે કે ઊભાં ઊભાં લીધેલ લોહી કરતાં વીસ મિનિટ બેઠા પછી લીધેલ લોહીની અંદર કોલેસ્ટરોલમાં છ ટકાનો ઘટાડો થાય છે અને વીસ મિનિટ સૂતાં પછી લીધેલ લોહીની અંદર કોલેસ્ટરોલમાં દશ થી પંદર ટકા જેટલો ઘટાડો નોંધાય છે! વ્યક્તિની લૌહી આપતી વેળાની શારીરિક સ્થિતિને કારણે કોલેસ્ટરોલના રિપોર્ટમાં ફેરફાર ન આવે એ માટે દર્દી લેબોરેટરીમાં ઓછામાં ઓછી પાંચ મિનિટ બેઠેલો હોય એ પછી જ તપાસ માટે લોહી લેવુ જોઇએ.
લોહી તપાસ માટે લેતી વખતે, નસ (વેઇન) પકડવા સામાન્ય રીતે બાવડાના ભાગે ટાઇટ રબર, દોરી, ટુર્નીકેટ કે હાથ વડે દબાણ આપવામાં આવે છે. જો આ રીતે દબાણ આપીને લોહીને બે મિનિટથી વધુ સમય સુધી મુકત રીતે ફરતું અટકાવવામાં આવે તો કોલેસ્ટરોલના પ્રમાણમાં બેથી પંદર ટકા જેટલો વધારો થઇ જાય છે! માટે, કોલેસ્ટરોલની તપાસ કરવા લોહી લેતી વખતે બાવડા પર બાંધેલ ટુર્નીકેટ કે દબાણ એક મિનિટથી વધુ સમય ન રાખવું. જો એક હાથમાં નસ ન પકડાય તો તરત બીજા હાથે નસ પકડવાનો પ્રયત્ન કરવો, જેથી એક જ હાથે લાંબો સમય ટુર્નીકેટ કે દબાણ ન રાખવું પડે.
કોલેસ્ટરોલ વધારવામાં વારસાગત પરિબળો ખૂબ અગત્યનો ફાળો આપે છે. કોલેસ્ટરોલ વધવાની પ્રક્રિયા જનીનથી નિયંત્રીત છે. આ સિવાય લિવર, કિડનીની બીમારી તથા થાઇરોઇડ ઘટી જવાની તકલીફમાં કોલેસ્ટરોલ વધી જાય છે. સગર્ભાવસ્થાને કારણે પણ કોલેસ્ટરોલ વધે છે. એટલે, સુવાવડના ચાર મહિના પછી જ સગર્ભા સ્ત્રીએ કોલેસ્ટરોલ તપાસ કરાવવી. તાજેતરના કેટલાક રિપોર્ટો દર્શાવે છે કે ઋતુ પ્રમાણે કોલેસ્ટરોલના પ્રમાણમાં વધઘટ થાય છે. ઘણા લોકોમાં શિયાળા દરમ્યાન કોલેસ્ટરોલનું પ્રમાણ થોડુંક વધી જાય છે.
એક નવાઇભરી હકીકત એ છે કે ભલે કોલેસ્ટરોલ વધવાથી હ્રદયરોગ કે પક્ષાઘાતનો હુમલો થતો હોય, પરંતુ આવો હુમલો થયા પછીના એક-દોઢ મહિના દરમ્યાન દર્દીના શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટી જાય છે. કદાચ લાંબા સમય સુધી સૂઇ રહેવાથી અથવા આરામ કરવાથી કે અન્ય કોઇ કારણસર આ ઘટાડો થાય છે.
અરે, કંઇ પણ વાગવાથી, બેકટેરિયા કે વાઇરસના ચેપથી પણ થોડા દિવસ માટે કોલેસ્ટરોલ ઘટી જાય છે. એટલા માટે જ કોલેસ્ટરોલની તપાસ કરવાની હોય એના અગાઉના બે મહિનામાં દર્દીને કોઇપણ પ્રકારની ભારે ઇજા, હ્રદયરોગ કે પક્ષાઘાતનો હુમલો, ભારે ઓપરેશન, બેકટેરિયા કે વાઇરસનો ચેપ થયો હોવો જોઇએ નહીં.
હા, એટેનોલોલ જેવી હાઇબ્લડપ્રેશરની દવા; થાયેઝાઇડ જૂથની પેશાબ વધારતી દવાઓ; ગર્ભનિરોધક ગોળીઓ; રજોનિવૃત્તિ પછી આપવામાં આવતી ઇસ્ટ્રોજન વગેરે દવાઓ શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારી મૂકે છે.
એક જ વખત માપેલ કોલેસ્ટરોલમાં ઘણી બધી જગ્યાએ ભૂલોની શકયતા રહે છે એટલે માત્ર એક વખતના કોલેસ્ટરોલને સંપૂર્ણ ભરોસાપાત્ર ગણી શકાય નહીં. ચાર વખત કોલેસ્ટરોલ (ખાસ કરીને એલ.ડી.એલ. અને એચ.ડી.એલ.) માપવાનું આદર્શ ગણાય, પરંતુ ખર્ચ અને વ્યવહારુ દ્દષ્ટિએ ઓછામાં ઓછી બે વખત એક-બે અઠવાડિયાના અંતરે કરાવેલ તપાસ કોલેસ્ટરોલનો ભરોસાપાત્ર અંદાજ આપી શકે છે. બે વખત લીધેલ કોલેસ્ટરોલના પરિણામમાં ૨૫ ટકાથી વધુ ફરક ન હોવો જોઇએ અને આ બંનેની સરેરાશ વ્યક્તિનું સાચુ કોલેસ્ટરોલ દર્શાવે છે.
એક વખત કોલેસ્ટરોલની તપાસમાં વધુ કોલેસ્ટરોલ આવે પછી ઓછામાં આછી દર વર્ષે એક વખત કોલેસ્ટરોલની તપાસ કરાવવી જરૂરી છે. કેટલાક દર્દીઓમાં, ખાસ તો કોલેસ્ટરોલ ઘટાડવાની દવા લેતા દર્દીઓમાં દર ત્રણ કે છ મહિને કોલેસ્ટરોલની તપાસ કરાવતાં રહેવું જરૂરી બને છે.
કોલેસ્ટરોલ એ લોહીમાં ફરતી ચરબી છે અને પાતળા તેમજ જાડા બંને પ્રકારના લોકોમાં એ વધારે હોઇ શકે. કોઇ માણસ પાતળો હોય એનો અર્થ એટલો જ છે કે એના શરીરમાં ચરબીના થર નથી જામ્યા પરંતુ એના લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોઇ શકે છે. અલબત્ત, જાડા લોકોમાં વધુ કોલેસ્ટરોલ હોવાની શકયતા વધારે રહે છે. જાડાપણાને લીધે કોલેસ્ટરોલ (ખાસ કરીને એલ.ડી.એલ.) અને ટ્રાયગ્લીસરાઇડ વધે છે જે સહેલાઇથી એટલે કે. ખોરાકના પરિવર્તનથી કાબૂમાં નથી આવતુ. ટૂંકમાં, કોલેસ્ટરોલ ઘટાડવું હોય તો જાડામાંથી પાતળા થવું ફાયદાકારક છે.