લાઇપોપ્રોટીન(એ) {LP(a)} એટલે એલ.ડી.એલ. (નુકસાનકારક) કોલેસ્ટરોલને મળતું આવતું ચરબીનું ઘટક. જયારે લોહીમાં લાઇપોપ્રોટીન(એ) નું પ્રમાણ ૩૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધુ હોય ત્યારે નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શકયતા ખૂબ વધી જાય છે. ભારતીય વંશના લોકોમાં અન્ય દેશોના લોકોની સરખામણીએ લાઇપોપ્રોટીન(એ) વધુ પ્રમાણમાં હોય છે. જેને કારણે ભારતીયોમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું ઘણું સામાન્ય છે. લાઇપોપ્રોટીન(એ) વધવાને કારણે એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા ઝડપી બને છે એ ઉપરાંત ધમનીમાં લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા બેરોકટોક ચાલુ રહે છે, જે એટેક લાવવામાં નિમિત્ત બને છે. લાઇપોપ્રોટીન(એ)નું શરીરમાં પ્રમાણ નકકી કરવામાં સૌથી વધુ ફાળો વારસાનો હોય છે.
લાઇપોપ્રોટીન(એ) નું પ્રમાણ દવાઓની મદદથી થોડુંક ઘટાડી શકાય છે પરંતુ આ રીતે પ્રમાણ ઘટાડવાથી હ્રદયરોગની શકયતા ઘટે છે કે નહીં એ હજી સુધી જાણી શકાયું નથી. દુર્ભાગ્યે, આ લાઇપોપ્રોટીન(એ) નું લોહીમાં પ્રમાણ જાણવા માટેની તપાસ ખૂબ મોંઘી અને અટપટી છે એટલે રોજિંદી તપાસ તરીકે એ કરવામાં નથી આવતી. પરંતુ જે કુટુંબ કે વ્યક્તિમાં ખૂબ નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનો ઇતિહાસ હોય એમાં આ તપાસ કરાવવી ઉપયોગી સાબિત થઇ શકે છે.