કોલેસ્ટરોલ

2. કોલેસ્ટરોલના પ્રકારો

કોલેસ્ટરોલ એ ચરબીનાં એવાં ઘટક છે કે જે લોહીમાં દ્રાવ્ય નથી હોતાં. લોહીમાં કોલેસ્ટરોલને દ્રાવ્ય બનાવી એનું વહન કરવા માટે ખાસ પ્રકારનાં પ્રોટીનની જરૂર પડે છે જે લાઇપોપ્રોટીન તરીકે ઓળખાય છે. કોલેસ્ટરોલ જે પ્રકારના લાઇપોપ્રોટીન સાથે જોડાયેલું હોય એને આધારે કોલેસ્ટરોલના ચાર પ્રકાર પડે છે: (૧) એચ.ડી.એલ. (હાઇ ડેન્સીટી લાઇપોપ્રોટીન), (૨) એલ.ડી.એલ. (લો ડેન્સીટી લાઇપોપ્રોટીન), (૩) વી.એલ.ડી.એલ. (વેરી લો ડેન્સીટી લાઇપોપ્રોટીન) અને (૪) આઇ.ડી.એલ.(ઇન્ટરમીડીયેટ ડેન્સીટી લાઇપોપ્રોટીન). આમાંથી મુખ્ય બે એચ.ડી.એલ અને એલ.ડી.એલ. મહતત્વના ગણાય છે. એચ.ડી.એલ. પ્રકારનું કોલેસ્ટરોલ ફાયદાકારક ('સારું') કહેવાય છે જયારે બાકીનાં બધાં કોલેસ્ટરોલ નુકસાનકારક ('ખરાબ') કહેવાય છે. અન્ય કોલેસ્ટરોલથી વિપરિત, એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધારે હોય તો હ્રદયરોગની શકયતા વધવાને બદલે ઘટે છે!

    ♥ લોહીમાં જુદા જુદા પ્રકારના કોલેસ્ટરોલનું પ્રમાણ

આપણે જોયુ તેમ, ભારતીય લોકો માટે કુલ કોલેસ્ટરોલની આદર્શ મર્યાદા ૧૨૫ થી ૧૭૦ મિ.ગ્રા./ડે.લિ. વચ્ચેની ગણાય છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં એચ.ડી.એલ. કોલેસ્ટરોલનું પ્રમાણ ૩૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોવું જોઇએ અને ૪૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોય તો ઉત્તમ. કુલ કોલેસ્ટરોલ ત્ાથા એચ.ડી.એલ. કોલેસ્ટરોલનો ગુણોત્તર (એટલે કે કુલ કોલેસ્ટરોલ ભાગ્યા એચ.ડી.એલ. કોલેસ્ટરોલ) ચાર કરતાં ઓછો હોય તો હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે જયારે આ ગુણોત્તર છ થી વધુ હોય તો આવી શકયતા ખૂબ વધવા લાગે છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં એલ.ડી.એલ. કોલેસ્ટરોલનું પ્રમાણ ૧૧૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોવું જ જોઇએ અને ૯૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોય તો ઉત્તમ.

દુર્ભાગ્યે આપણી મોટાભાગની લેબોરેટરી પણ કુલ કોલેસ્ટરોલની 'નોર્મલ' રેન્જ તરીકે ૧૫૦ થી ૨૪૦ મિ.ગ્રા./ડે.લિ. જ લખવાની ભૂલ કરે છે, જેનાથી ઘણાં દર્દીઓ ગેરમાર્ગે દોરાય છે અને કોલેસ્ટરોલનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધુ હોવા છતાં 'મારુ કોલેસ્ટરોલ તો નોર્મલ રેન્જમાં જ છે' એવો ખોટો સંતોષ માની બેદરકાર રહે છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય આહાર નિષ્ણાતોના ભારતીય અભ્યાસજૂથના સર્વસંમત અભિપ્રાય મુજબ આપણાં દેશમાં ઓછા કોલસ્ટેરોલે વિશેષ પ્રમાણમાં હ્રદયરોગ થતો હોવાથી ભારતીય લોકોમાં કુલ કોલેસ્ટરોલનું પ્રમાણ અન્ય વિકસિત દેશોના લોકો કરતાં ઓછું (આશરે ૧૭૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું) હોવું જરૂરી છે.

ભારતીય લોકોના લોહીમાં કોલેસ્ટરોલનાં ઘટકોનું પ્રમાણ

લોહીમાં કોલેસ્ટરોલ આદર્શ પ્રમાણ (મિ.ગ્રા./ડે.લિ.) બોર્ડરલાઇન (મિ.ગ્રા./ડે.લિ.) નુકસાનકારક (મિ.ગ્રા./ડે.લિ.)
કુલ કોલેસ્ટરોલ ૧૭૦ થી ઓછું ૧૭૦ થી ૨૦૦ ૨૦૦ થી વધુ
કુલ ટ્રાયગ્લીસરાઇડ ૧૫૦ થી ઓછું ૧૫૦ થી ૨૫૦ ૨૫૦ થી વધુ
એચ.ડી.એલ. કોલેસ્ટરોલ ૪૫ થી વધુ ૩૫ થી ૪૫ ૩૫ થી ઓછું
એલ.ડી.એલ. કોલેસ્ટરોલ ૯૦ થી ઓછું ૯૦ થી ૧૧૦ ૧૧૦ થી વધુ

    ♥ ટ્રાયગ્લીસરાઇડ એટલે શું?

જે ચરબીના ઘટકમાં ત્રણ ફેટી એસિડ, ગ્લીસરોલના અણુ સાથે જોડાય એને ટ્રાયગ્લીસરાઇડ કહે છે. આપણા શરીરમાં, જયારે ખોરાકમાં લીધેલ કુલ કેલરીનું પ્રમાણ, શરીરના વપરાશ કરતાં વધી જાય ત્યારે વધારાની કેલરી લાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતર થાય છે અને તે ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપે ચરબીના કોષોમાં સંઘરાય છે. ખોરાકમાં લીધેલ ચરબી પણ મુખ્યત્વે ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપમાં જ લોહીમાં ફરે છે. લિવરમાં બનતી ચરબીમાં ટ્રાયગ્લીસરાઇડ અને કોલેસ્ટરોલ બંને હોય છે. ટૂંકમાં, ટ્રાયગ્લીસરાઇડ એ ચરબીનું બહુ જ વ્યાપકપણે જોવા મળતું સ્વરૂપ છે જે ખોરાક, લોહી, લિવર અને ચરબીના કોષોમાં હોય છે.

આપણા દેશની તંદુરસ્ત વ્યક્તિમાં ભૂખ્યા પેટે કરેલ લોહીની તપાસમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ દર ૧૦૦ મિલિલિટરે ૧૫૦ મિલિગ્રામથી આછું હોવું જોઇએ. ૧૫૦ થી ૨૫૦ મિ.ગ્રા./ડે.લિ. વચ્ચેનું પ્રમાણ 'બોર્ડરલાઇન વધારે' કહેવાય છે અને ૨૫૦ મિ.ગ્રા./ડે.લિ. થી વધુ પ્રમાણ 'વધારે' તરીકે ઓળખાય છે.

            ★ ટ્રાયગ્લીસરાઇડ વધે તો શું નુકસાન થાય?

લોહીમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ વધી જાય એ સ્થિતિ હાઇપરટ્રાયગ્લીસરાઇડેમીયા તરીકે ઓળખાય છે. લોહીમાં ટ્રાયગ્લીસરાઇડ વધવાથી હ્રદયરોગ થાય કે નહીં એ અંગે વર્ષોથી વિવાદ ચાલે છે. મોટાભાગના દર્દીમાં ટ્રાયગ્લીસરાઇડની સાથોસાથ એલ.ડી.એલ. (ખરાબ) કોલેસ્ટરોલ પણ વધતું હોવાથી અને એચ.ડી.એલ કોલેસ્ટરોલ ઘટતું હોવાથી હ્રદયરોગની શકયતા વધે છે. જો ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ વધારે હોય પરંતુ કુલ કોલેસ્ટરોલ ૧૭૦ મિ.ગ્રા./ડે.લિ.થી ઓછું હોય, એચ.ડી.એલ. (સારુ) કોલેસ્ટરોલ ૪૫ મિ.ગ્રા./ડે.લિ.થી વધુ હોય અને એલ.ડી.એલ. (ખરાબ) કાલેસ્ટેરોલ ૯૦ મિ.ગ્રા./ડે.લિ.થી ઓછું હોય તો માત્ર ટ્રાયગ્લીસરાઇડથી જ હ્રદયરોગ થવાની શકયતા ઓછી રહે છે.