કોલેસ્ટરોલ એ શરીરને ઉપયોગી રસાયણ છે જે શરીરના કોષોની દીવાલ અને સ્ટીરોઇડ અંત:સ્રાવ બનાવવા માટે થોડા પ્રમાણમાં શરીરમાં હોવું જરૂરી છે. જયારે કોલેસ્ટરોલનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે માણસને હ્રદયરોગ થાય છે.
તંદુરસ્ત નવજાત બાળકમાં દર ૧૦૦ મિલિલિટર (ઉર્ફે એક ડેસીલિટર) લોહીમાં ૬૦ મિલિગ્રામ કોલેસ્ટરોલ હોય છે અને એક વર્ષની ઉંમરે ૧૫૦ મિલિગ્રામ ની આસપાસ. આ પછી આ જ પ્રમાણ છેક ૨૦ વર્ષની ઉંમર સુધી જળવાઇ રહે છે અને ત્યારબાદ ધીમેધીમે વધવા લાગે છે. ભારતીય લોકો માટે કુલ કોલેસ્ટરોલની આદર્શ મર્યાદા ૧૨૫ થી ૧૭૦ મિલિગ્રામ પ્રતિ ડેસીલિટર (મિ.ગ્રા./ડે.લિ.) વચ્ચેની ગણાય છે. (નોંધ - એક ડેસીલિટર એટલે સો મિલિલિટર)
ભારતીય લોકોમાં જો દર ૧૦૦ મિલિલિટર લોહીમાં ૧૭૦ મિલિગ્રામથી વધારે કોલેસ્ટરોલ હોય તો એ માણસને હ્રદયરોગ થવાની શકયતા ઘણી વધી જાય છે. જેમનું કોલેસ્ટરોલ ૧૫૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોય એવી વ્યક્તિને હ્રદયરોગ થવાની શકયતા નહીંવત્ રહે છે. કોલેસ્ટરોલનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લિ.થી જેટલા પ્રમાણમાં વધે છે એટલા પ્રમાણમાં હ્રદયરોગની શકયતા વધ્યા કરે છે. જે લોકોમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ૨૪૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોય એ લોકોમાં હ્રદયરોગ થવાની શકયતા અન્ય (૨૦૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું કોલેસ્ટરોલ ધરાવતા) લોકો કરતાં ત્રણ ગણી વધારે હોય છે. જુદાજુદા સાત દેશોના લોકોમાં કોલેસ્ટરોલના પ્રમાણનો અભ્યાસ કર્યા પછી એવું તારણ નીકળ્યું કે જે દેશના લોકોનું સરેરાશ કોલેસ્ટરોલ વધારે હોય છે ત્યાં હ્રદયરોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધારે હોય છે.