હાઇબ્લડપ્રેશર

9. બ્લડપ્રેશર વધવાનું કારણ શું?

તમને જાણીને કદાચ નવાઇ લાગશે પણ આટલાં બધાં વૈજ્ઞાનિક સંશોધનો થતાં હોવા છતાં, મોટાભાગના (૯૦ થી ૯૫ ટકા) દર્દીઓમાં બ્લડપ્રેશર વધવાનું ચોક્કસ કારણ મળી શકતું નથી. જેનું ચોકકસ કારણ મળી શકતું નથી એવા રોગોને વૈજ્ઞાનિકો ઇડીયોપેથીક રોગો કહે છે. એટલે મોટાભાગના હાઇબ્લડપ્રેશરના દર્દીઓ ઇડીયોપેથીક હાઇપરટેન્શનના દર્દી તરીકે ઓળખાય છે. આમ, હાઇપરટેન્શનનું ચોક્કસ કારણ મળી નથી શક્યું પરંતુ એવાં ઘણાં બધાં પરિબળો આંકડાકીય માહિતીઓને આધારે નક્કી થઇ શક્યાં છે કે જેની હાજરીથી હાઇબ્લડપ્રેશરની શક્યતાઓ વધે છે.

    ♥ ઉંમર

૪૦ વર્ષની ઉંમર પછી હાઇબ્લડપ્રેશર થવાની શક્યતાઓ વધુ હોય છે. અને જેમ ઉંમર વધતી જાય એમ આ શક્યતાઓ પણ વધે છે. અલબત્ત, તાજેતરનાં રિપોર્ટો જણાવે છે કે ઉંમર વધતાં બી.પી. વધવાની પ્રક્રિયા તો બિન-તંદુરસ્ત જીવનશૈલીને પરિણામે સમય પસાર થતાં ઉદભવતી બીમારી છે. જો માણસની જીવનશૈલી તંદુરસ્ત હોય તો ઉંમર વધતાં બી.પી. ઘટવું જોઇએ.

    ♥ પુરુષ જાતિ

સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાઇબ્લડપ્રેશર થવાની શક્યતા વધારે રહે છે. જો કે ૪૫-૫૦ વર્ષની ઉંમર પછી આ તફાવત ખાસ રહેતો નથી અને વૃધ્ધ સ્ત્રી પુરુષોમાં લગભગ એક સરખા પ્રમાણમાં જ હાઇબ્લડપ્રેશરની બીમારી જોવા મળે છે.

    ♥ વારસાગત

એક જ કુટુંબમાં એકથી વધારે સભ્યને હાઇબ્લડપ્રેશરની બીમારી હોય એવું વારંવાર નોંધવામાં આવ્યું છે. જો કે હાઇબ્લડપ્રેશરની બીમારી કોઇ એક જ જનીન દ્રવ્યની ખામીને કારણે થાય છે એવું સાબિત નથી થઇ શક્યું અને બીમારીનું વારસાગત વહન કઇ રીતે થાય છે એ પણ ચોક્કસપણે જાણી નથી શકાયું. જો મા બાપ બંનેને હાઇબ્લડપ્રેશરની બીમારી હોય તો પુત્રને બીમારી થવાની શક્યતા ૫૦ ટકાથી વધુ રહે છે. જો મા બાપમાંથી એકને જ બ્લડપ્રેશરની બીમારી હોય તો આ શક્યતા ૨૫ ટકા જેટલી થઇ જાય છે. મા બાપ બંને હાઇબ્લડપ્રેશરની બીમારીથી મુક્ત હોય તો પુત્રને હાઇબ્લડપ્રેશર થવાની શક્યતા ઘટીને ૩ ટકા જેટલી જ રહે છે.

    ♥ જાડાપણું

૨૦ ટકાથી વધારે વજન ધરાવતા બેઠાડુ લોકોમાં હાઇબ્લડપ્રેશરની શક્યતા ઘણી વધી જાય છે. જાડા લોકોમાંથી ૪૦ ટકા જેટલા લોકો હાઇબ્લડપ્રેશરના દર્દીઓ હોય છે. ખોરાકમાં વધુ પડતું કોલેસ્ટેરોલ પણ હાઇબ્લડપ્રેશર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. પેટનો ઘેરાવો જેટલો વધારે હોય એટલી હાઇબ્લડપ્રેશર થવાની શકયતા વધે છે.

    ♥ બેઠાડુ જિંદગી અને કસરતનો અભાવ

બેઠાડુ જિંદગી (કસરતનો અભાવ) હાઇબ્લડપ્રેશરની શક્યતામાં ૩૫ થી ૫૨ ટકાનો વધારો કરે છે.

    ♥ ડાયાબિટીસ

ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશર એક બીજાના જોડીદાર રોગો છે. સામાન્ય લોકો કરતાં ડાયાબિટીસના દર્દીઓમાં હાઇબ્લડપ્રેશર થવાની શક્યતાઓ વધુ હોય છે.

    ♥ મીઠું

ખોરાકમાં મીઠા (નમક)નો વધુ પડતો વપરાશ જે ઘરોમાં થતો હોય છે ત્યાં રહેતી વ્યક્તિઓને હાઇબ્લડપ્રેશરની શક્યતા ઘણી વધી જાય છે. ખોરાકમાં મીઠું ઓછું કરવાથી બ્લડપ્રેશર ઘટે છે.

    ♥ માનસિક તાણ

જો માણસનો સ્વભાવ ઉતાવળિયો, ક્રોધી કે ચિંતાતૂર હોય તો લાંબે ગાળે બ્લડપ્રેશરના દર્દી બનતાં વાર નથી લાગતી.

    ♥ દવાઓ

ગર્ભનિરોધક ગોળીઓ અને સ્ટીરોઇડ દવાઓની રક્તના બંધારણ પર અસર થાય છે અને શરીરમાંથી ક્ષાર અને પાણીનો યોગ્ય પ્રમાણમાં નિકાલ નથી થઇ શકતો. આને કારણે ઘણા લોકો, જે લાંબા સમયથી આ દવાઓ લેતા હોય તેઓ, હાઇબ્લડપ્રેશરની બીમારીનો ભોગ બની જાય છે. આ ઉપરાંત શરદીમાં બંધ નાક ખોલવા માટે વપરાતી કેટલીક દવાઓ શરદીને સારી કરવાને બદલે હાઇબ્લડપ્રેશરની બીમારીને નોતરું આપી આવે છે.

    ♥ ધૂમ્રપાન

ધૂમ્રપાન કરતી વખતે ચેતાતંત્ર પર નિકોટીનની અસર થવાથી તત્પૂરતું બ્લડપ્રેશર વધે છે. વળી ધૂમ્રપાનને કારણે એથેરોસ્કેલેરોસિસ તરીકે ઓળખાતો રક્તવાહિનીઓને કઠણ કરતો રોગ પણ કરે છે. આમ, ધૂમ્રપાનની સીધી અને આડકતરી (એથેરોસ્કલેરોસીસને કારણે) અસરથી હાઇબ્લડપ્રેશરની બીમારી થવાની શક્યતા વધે છે.

    ♥ દારૂ

દારૂનું નિયમિત સેવન પણ હાઇબ્લડપ્રેશરની બીમારી માટે જવાબદાર હોય છે.

આ બધાં પરિબળો પોતાની રીતે હાઇબ્લડપ્રેશર કરવા માટે જવાબદાર હોય જ છે પણ જયારે એક કરતાં વધુ પરિબળ એક જ વ્યક્તિમાં હાજર હોય ત્યારે હાઇબ્લડપ્રેશર થવાની શક્યતામાં ઉમેરો નથી થતો પણ ગુણાકાર જ થાય છે એટલે એક કરતાં વધુ પરિબળોની હાજરી હાઇબ્લડપ્રેશરની શક્યતા ખૂબ વધારે છે.