હાઇબ્લડપ્રેશરની ખતરનાક અસરોનો વ્યાપ જાણવા માટે કેટલાક આંકડાઓ ઉપયોગી થશે. આખા વિશ્વમાં થતાં દર સો મૃત્યુમાંથી આશરે છ મૃત્યુ માટે હાઇબ્લડપ્રેશરની તકલીફ જવાબદાર હોય છે. ભારતનાં શહેરોમાં આજે દર સો માણસે ૧૩ થી ૧૯ લોકોને હાઇબ્લડપ્રેશરની બીમારી હોય છે. ભારતમાં ગામડાંઓ કરતાં શહેરોમાં હાઇબ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા ૩ થી ૪ ઘણી વધુ છે. છેલ્લાં વીસ વર્ષમાં આપણા દેશમાં હાઇબ્લડપ્રેશરના દર્દીઓનું પ્રમાણ બમણું થઇ ગયું છે. દુર્ભાગ્યે, હાઇબ્લડપ્રેશર મપાવ્યા વગર એ હાજર હોવા છતાં દર્દીને એની ખબર નથી પડતી.
પશ્ચિમના દેશોમાં હાઇબ્લડપ્રેશરનાં કુલ દર્દીઓમાંથી માત્ર ૭૦ ટકાને એની જાણ હોય છે; એમાંથી આશરે ૫૦ ટકા સારવાર શરૂ કરે છે અને માત્ર ૨૫ ટકામાં જ સારવારથી હાઇબ્લડપ્રેશર બરાબર કાબૂમાં રહે છે. જાગૃત પ્રજામાં જો આવી સ્થિતિ હોય તો આપણા દેશની હાલત તો કલ્પનાનો વિષય જ બની રહે છે! જેટલો સમય અને જેટલા વધુ પ્રમાણમાં બ્લડપ્રેશર કાબૂ બહાર રહે એટલું શરીરને વધુ નુકસાન થાય છે.