ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે મને 'લો બ્લડપ્રેશર'ની બીમારી છે. હકીકતમાં કાયમી હાઇબ્લડપ્રેશરની જેમ કાયમી 'લો બ્લડપ્રેશર'ની બીમારી કોઇને હોતી નથી. ઝાડા-ઉલટી કે અન્ય કોઇ કારણે શરીરમાં પાણી અને ક્ષાર ઘટી જાય; અથવા લોહી વહી જાય ત્યારે બ્લડપ્રેશર તત્પૂરતું 'લો' (ઓછું) થઇ જાય એવું બને છે. કયારેક બ્લડપ્રેશરની દવાનો ડોઝ વધી જાય તો પણ લો બી.પી. થઇ જાય. જયારે કોઇ વ્યક્તિનું બી.પી. 'લો' (ઘટી) જાય ત્યારે એને આંખમાં અંધારા આવે, ચકકર આવે, મગજ ખાલી ખાલી લાગે, પડી જવું વગેરે તકલીફો થાય છે. કયારેક શરીરમાં ગ્લુકોઝ ઘટી જાય તો પણ આંખમાં અંધારાં આવે, ચકકર આવે, મગજ ખાલી ખાલી લાગે, પડી જવું વગેરે તકલીફો થાય છે જેને 'લો શુગર'ની તકલીફ કહેવાય છે.
સામાન્ય રીતે, આવે વખતે ખાંડ-મીઠાનું શરબત (એક મોટા ગ્લાસ પાણીમાં બે ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નાખીને બનાવેલ) પીવાથી ધટી ગયેલું બી.પી. વધારી શકાય છે. ટૂંકમાં 'લો બી.પી.' એ કોઇ બીમારીનું નામ નથી પણ જુદાં જુદાં અનેક કારણોસર કયારેક કોઇકનું બી.પી. 'લો' થઇ શકે છે જેના કારણને દૂર કરવા માટે ત્વરિત પગલાં લેવાથી ફરી પાછું નોર્મલ આવી જાય છે. જયારે પણ કોઇને બી.પી. ખૂબ ઘટી જાય ત્યારે પ્રવાહી આપવા ઉપરાંત ઊપર સુવડાવીને માથાનો ભાગ પગથી નીચે રહે એમ રાખવો જોઇએ. લો બી.પી. વખતે, દર્દીને બેઠેલો કે ઉભેલો રાખવાથી મગજને ઓછું લોહી પહોંચે છે અને કયારેક કાયમી નુકસાન થઇ શકે છે.