હાઇબ્લડપ્રેશર

6. કેટલાથી વધુ બ્લડપ્રેશર 'હાઇ' કહેવાય?

એક તંદુરસ્ત માણસનું આરામની સ્થિતિમાં સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર ૯૦ થી ૧૪૦ મિ.મી. મર્ક્યૂરિ વચ્ચે અને ડાયાસ્ટોલિક (નીચેનું) બ્લડપ્રેશર ૬૦ થી ૯૦ મિ.મી. મર્ક્યૂરિ વચ્ચે રહેવું જોઇએ.

જો કોઇ વ્યક્તિનું ડાયાસ્ટોલિક (નીચેનું) બ્લડપ્રેશર ૯૦ મિ.મી. કરતાં વધારે રહેતું હોય તો એ માણસ હાઇબ્લડપ્રેશરનો દર્દી કહેવાય છે. ઘણા બધા લોકોનો વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ એવું તારણ નીકળ્યું છે કે ૯૦ મિ.મી. મર્ક્યૂરિ કરતાં વધુ ડાયાસ્ટોલિક બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિઓમાં હાઇબ્લડપ્રેશરથી થતાં બધાં કોમ્પ્લિકેશનો અને મરણનો દર (૯૦ મિ.મી. મર્ક્યૂરિ કરતાં ઓછું ડાયાસ્ટોલિક બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિઓની સરખામણીમાં) નોંધપાત્ર પ્રમાણમાં વધી જાય છે. એટલું જ નહી જો સારવારથી ડાયાસ્ટોલિક બ્લડપ્રેશર ૯૦ મિ.મી. થી નીચું લાવવામાં આવે તો હાઇબ્લડપ્રેશરનાં કોમ્પ્લિકેશનોમાં નોંધપાત્ર ધટાડો થાય છે. આ અભ્યાસને આધારે જ નોર્મલ બ્લડપ્રેશર અને 'હાઇ'બ્લડપ્રેશરને જુદાં પાડવા માટે ૯૦ મિ.મી. મર્ક્યૂરિની લક્ષ્મણરેખા દોરવામાં આવી છે. જોકે ઓછામાં ઓછી ત્રણ જુદી જુદી તપાસમાં ડાયાસ્ટોલિક બ્લડપ્રેશર ૯૦ મિ.મી. મર્ક્યૂરિથી વધારે આવે તો જ હાઇબ્લડપ્રેશર (હાઇપરટેન્શન) નું નિદાન કરી શકાય છે.

હાઇ બ્લડપ્રેશરની તીવ્રતા પ્રમાણેના આંતરરાષ્ટ્રીય વિભાગો (ગ્રેડ)

બ્લડપ્રેશરના આંતરરાષ્ટ્રીય ગ્રેડ અમેરિકન JNC-VII ગ્રેડ ઊપરનું બ્લડપ્રેશર (મિ.મી. મર્ક્યૂરિ) નીચેનું બ્લડપ્રેશર (મિ.મી. મર્ક્યૂરિ)
આદર્શ નોર્મલ ૧૨૦થી ઓછું ૮૦થી ઓછું
નોર્મલ પ્રીહાઇપરટેન્શન ૧૨૦-૧૨૯ ૮૦-૮૪
હાઇ નોર્મલ ૧૩૦-૧૩૯ ૮૫-૮૯
ગ્રેડ-૧ હાઇબ્લડપ્રેશર સ્ટેજ-૧ હાઇપરટેન્શન ૧૪૦-૧૫૯ ૯૦-૯૯
ગ્રેડ-૨ હાઇબ્લડપ્રેશર સ્ટેજ-૨ હાઇપરટેન્શન ૧૬૦-૧૭૯ ૧૦૦-૧૦૯
ગ્રેડ-૩ હાઇબ્લડપ્રેશર ૧૮૦ કે એથી વધારે ૧૧૦ કે એથી વધારે
આઇસોલેટેડ સિસ્ટોલિક હાઇબ્લડપ્રેશર ૧૪૦થી વધારે ૯૦થી ઓછું

નોંધ: જો ઉપરનું અને નીચેનું બી.પી. જુદાં જુદાં ખાનામાં આવતાં હોય તો, જે બી.પી. વધુ ગ્રેડમાં આવતું હોય એ ગ્રેડ ગણવો. તાજેતરમાં અમેરિકન સમિતિએ હાઇપરટેન્શનના માત્ર બે જ ગ્રેડનું વર્ણન કર્યુ છે, જે આ કોષ્ટકમાં જોઇ શકાય છે.

આમ, હાઇબ્લડપ્રેશરના નિદાન માટે મુખ્યત્વે ડાયાસ્ટોલિક (નીચેનું) બ્લડપ્રેશર જ મહત્વનું ગણાય છે. પરંતુ જો સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર પણ ખૂબ વધારે હોય તો એને સિસ્ટોલિક હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. જો કોઇ વ્યક્તિનું સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર ૧૪૦ થી ૧૬૦ મિ.મી. મર્ક્યૂરિની વચ્ચે હોય તો એ બોર્ડરલાઇન સિસ્ટોલિક હાઇપરટેન્શનના દર્દી તરીકે ઓળખાય છે. ૧૬૦ મિ.મી. મર્ક્યૂરિ કરતાં વધુ સિસ્ટોલિક બ્લડપ્રેશર, આઇસોલેટેડ સિસ્ટોલિક હાઇપરટેન્શન તરીકે ઓળખાય છે.

ટૂંકમાં તંદુરસ્ત વ્યક્તિનું નોર્મલ બ્લડપ્રેશર જે ૧૨૦/૮૦ ની આસપાસ હોય છે તે જો વધીને ૧૪૦/૯૦ નો આંક (ઉપર - નીચેનું કોઇ પણ) ઓળંગી જાય તો એ વ્યક્તિ હાઇબ્લડપ્રેશરનો દર્દી ગણાય છે.