હાઇબ્લડપ્રેશર
- બ્લડપ્રેશર મપાવતી વખતે કે એના પહેલાં મનમાં કોઇ જાતની ચિંતા કે ઉદ્વેગ
ન હોવાં જોઇએ. સંપૂર્ણ માનસિક અને શારીરિક આરામની સ્થિતિમાં જ સાચું
બ્લડપ્રેશર માપી શકાય છે. ચિંતા કે ટેન્શનની સ્થિતિમાં મપાવેલ બ્લડપ્રેશર
તમારી પર ખોટેખોટું હાઇબ્લડપ્રેશરના દર્દીનું લેબલ લગાવી દેશે એટલા માટે જ
બહારથી ડોક્ટરના ક્લિનિકમાં આવીને તરત જ બ્લડપ્રેશર મપાવવાની ઉતાવળ ન કરો.
ઓછામાં ઓછી પાંચ-દશ મિનિટ સુધી શાંત ચિત્તે, આંખો બંધ કરીને બેસો કે આરામ
કરો અને એ પછી જ બ્લડપ્રેશર મપાવો.
- જે હાથ પર બ્લડપ્રેશર મપાવવાનું હોય તે હાથ પર ટાઇટ કપડાં ન પહેરો. ખૂબ
ટાઇટ કપડાં પર બ્લડપ્રેશરનું સાધન બાંધીને માપવામાં આવેલ પ્રેશર હોય એના
કરતાં પણ ઓછું બતાવે છે.
- ડોક્ટર બ્લડપ્રેશર માપતા હોય ત્યારે એ હાથના સ્નાયુઓ એકદમ ઢીલા રાખો.
હાથના સ્નાયુઓ વડે કોઇ વસ્તુ જોરથી પકડવાથી કે સ્નાયુઓ ટાઇટ રાખવાથી
બ્લડપ્રેશર ખોટેખોટું વધારે નોંધાય છે.
- એક અભ્યાસ પ્રમાણે ડાબા હાથ અને જમણા હાથ પર માપેલ બ્લડપ્રેશરમાં પણ
થોડો ફરક આવી શકે છે. જમણા હાથનું બ્લડપ્રેશર ડાબા કરતાં થોડું વધારે હોય
છે. માટે હંમેશા એક જ હાથ પર (શક્ય હોય ત્યાં સુધી જમણા હાથ પર) બ્લડપ્રેશર
મપાવો અને એ પણ એક જ પોઝીશનમાં (શક્ય હોય ત્યાં સુધી સૂતાં સૂતાં).
- હોસ્પિટલમાં દાખલ હાઇબ્લડપ્રેશરના દર્દીઓનું બ્લડપ્રેશર ૨૪ કલાક સુધી
ખાસ મશીનો દ્વારા માપવામાં આવ્યું ત્યારે ખબર પડી કે જયારે જયારે ડોક્ટર
રાઉન્ડ પર દર્દીને મળવા-તપાસવા આવે ત્યારે દર્દીનું બ્લડપ્રેશર વધી જતું
અને એ સિવાયના સમયમાં નોર્મલ! આવું ન થાય એ માટે બ્લડપ્રેશરની ખોટી બીક
મનમાંથી કાઢી નાખો.
- જો એક વખત બ્લડપ્રેશર વધારે નોંધાયું હોય તો તમને હાઇબ્લડપ્રેશરનો રોગ
છે એવું માનીને હતાશ ન થાવ. કોઇ પણ દર્દીમાં ઓછામાં ઓછું ત્રણ વખત જો
બ્લડપ્રેશર ઊંચુ આવે તો જ હાઇબ્લડપ્રેશરનું નિદાન ખાત્રીપૂર્વક થઇ શકે છે.
ઘણીવાર પહેલી અને બીજી વખત માપેલ બ્લડપ્રેશરમાં ૩૦ મિ.મી. મર્ક્યૂરિ થી
માંડીને ૫૦ મિ.મી. મર્ક્યૂરિ જેટલો ફરક પડી શકે છે.