હાઇબ્લડપ્રેશર

4. જાતે બ્લડપ્રેશર માપવાની રીત

બ્લડપ્રેશર માપવા માટે સામાન્ય રીતે સ્ફીગ્મોમેનોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનની રબરની કોથળી બાવડા પર બાંધીને પછી એને ફુલાવવામાં આવે છે જેથી બાવડા પર કોથળીનું પ્રેશર ધીમે ધીમે વધે છે અને જેટલું પ્રેશર વઘ્યું હોય એ પ્રમાણે સાધનનો પારો (મર્ક્યૂરિ) ઊપર ચડે છે. મર્ક્યૂરિ (પારા) વાળું સ્ફીગ્મોમેનોમીટર સૌથી વધુ ભરોસાપાત્ર અને સચોટ ગણાય છે. જો કે દવાખાના-હોસ્પિટલની બહાર બ્લડપ્રેશર માપવા માટે પારાને બદલે સ્પીડોમીટર જેવાં ડાયલ ધરાવતાં સાધન વાપરવાં પડે છે જેનાથી માપેલ બ્લડપ્રેશરમાં લાંબે ગાળે થોડી ભૂલ આવવાની શક્યતાઓ રહે છે.

બી.પી.નું મશીન વાપરવું સહેલું છે પણ થોડીક તકેદારી રાખવી જરૂરી છે. મશીનનો પટ્ટો બાવડાના ભાગે, પટ્ટાનો નીચેનો છેડો કોણીના સાંધાથી બે આંગળ ઊપર રહે એમ બાંધવો. આ પટ્ટામાં આવેલ રબરની કોથળીનો વચ્ચેનો ભાગ બાવડાના છાતી બાજૂના ભાગ પર આગળ તરફ રહે એમ બાંધવો. પટ્ટા અને બાવડા વચ્ચે પાતળા અને સળ વગરના કપડા સિવાય બીજું કંઇ ન રહે એનું ધ્યાન રાખવું.

આ પછી વાલ્વ બંધ કરી બલ્બને દબાવી દબાવીને પટ્ટામાં હવા પૂરવી જેથી એનું દબાણ એટલું વધે કે હાથના કાંડા પાસે અંગૂઠાના મૂળ આગળ નાડીના ધબકારા અનુભવાતા બંધ થઇ જાય. આ પછી બલ્બનો વાલ્વ ધીમે ધીમે ખોલી હવા નીકળવા દેવી અને દબાણ ઘટાડતા જવું જે વખતે નાડીના ધબકારા ફરી અનુભવાય એ વખતે પારો જે આંક પાસે હોય તેને ઉપરનું બી.પી. કહેવાય છે. આ રીતે ઉપરના બી.પી.નો અંદાજ મેળવ્યા પછી ફરીથી પટ્ટામાં હવા ભરી કોણી પર (કોણીના છાતી તરફના ભાગ પર આગળથી) સ્ટેથોસ્કોપ મૂકીને ફરી ધીમે ધીમે દબાણ ઘટાડતા જવું. આ રીતે દબાણ ઘટાડતી વખતે જયારે કોણી પર મુકેલ સ્ટેથોસ્કોપમાં ધબકારા સંભળાવા લાગે ત્યારનું બી.પી. ઉપરનું અને પછી જયારે આ ધબકારા સંભળાવા બંધ થાય ત્યારનું બી.પી. નીચેનું કહેવાય છે.

    ♥ બ્લડપ્રેશર માપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • આરામપૂર્વક બેઠેલ વ્યક્તિના ખુલ્લા બાવડા પર બ્લડપ્રેશર માપવાનો પટ્ટો લગાવવો જોઇએ.
  • બ્લડપ્રેશર માપવાનો પટ્ટો હ્રદયની સપાટીએ હોય એ જરૂરી છે.
  • દર્દીએ તમાકુ કે કેફીનયુકત પીણાં (ચા, કોફી, સોફટ-ડ્રિન્ક્સ) છેલ્લી ૩૦ મિનિટ દરમ્યાન લીધાં ન હોવાં જોઇએ.
  • ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી દર્દી શાંતિપૂર્વક બેસે પછી જ બ્લડપ્રેશર માપવું જોઇએ.
  • ઓછામાં ઓછી બે વખત, બે મિનિટનો સમયગાળો રાખીને બી.પી. માપવું જોઇએ. જો બે વખતના માપમાં ૫ મિ.મી. મકર્યુરિ કરતાં વધુ તફાવત આવે તો ફરી એક વખત માપી સરેરાશ બી.પી. કાઢવું જોઇએ.
  • પહેલી વખત વધુ બ્લડપ્રેશર આવે તો બંને બાવડા પર બ્લડપ્રેશર માપવું અને જે વધારે હોય તે નોંધવું.

    ♥ ઘરે બ્લડપ્રેશર માપવાનું કયું સાધન વસાવવું?

આદર્શ સાધન તો પારા (મકર્યુરિ) વાળું જ છે. અને સસ્તું - સરળ તથા સૌથી વધુ ચોકસાઇવાળું હોવાથી આ સાધન વાપરતાં દરેક દર્દી તથા એમનાં સગાંએ શીખી લેવું જોઇએ.

આમ છતાં, ગોળ ડાયલવાળું સાધન લઇ જવા લાવવામાં સારું પડે - પ્રવાસ દરમ્યાન વાપરી શકાય. આ સાધનમાં સ્પ્રિંગ આવે છે, જે સમય જતાં ઢીલી પડે અને પરિણામે બ્લડપ્રેશરનું માપ ઓછું-વત્તું બતાવે છે. આવું સાધન ચોકસાઇ પૂર્વક વાપરવું હોય તો દર છ મહિને એક વખત આ સાધનની ચોકસાઇ, પારાવાળા સાધનની સાથે સરખાવીને કરી લેવી જરૂરી છે. જો ઓછું માપ દર્શાવતું હોય તો સ્પ્રિંગનું એડજસ્ટમેન્ટ કરાવી લેવું જરૂરી છે.

            ★ બ્લડપ્રેશર માપવાનાં ઇલેકટ્રોનિક સાધનો

આજકાલ જાતજાતનાં ઇલેકટ્રોનિક સાધનો બ્લડપ્રેશર માપવા માટે નીકળ્યાં છે, જેમાં કાંડા પર કે હાથની આંગળી પર સાધન ભરાવીને પછી ડિજિટલ સ્ક્રીન પર ઉપરનું અને નીચેનું બ્લડપ્રેશર લખાયેલ જોવા મળે છે. આ સાધનો ખૂબ મોંઘા હોવા છતાં એની ચોકસાઇ સાદા પારા (મર્ક્યૂરિ) વાળા સાધન કરતાં ઓછી હોય છે.

આંગળી પર સાધન પહેરીને બ્લડપ્રેશર માપવાનું જરા પણ ભરોસાપાત્ર નથી એવાં અભ્યાસો થયા છે અને એટલે આવાં ઇલેકટ્રોનિક સાધન વાપરવાથી દર્દી ગેરમાર્ગે દોરાય અને સાચી સારવારથી વંચિત રહે એવું બને છે. આ જ રીતે, કાંડા ઊપર પહેરવાનાં સાધનોની ચોકસાઇ પણ ખૂબ શંકાસ્પદ છે. સામાન્ય રીતે જે ભાગમાં એક જ હાડકું હોય એવા બાવડા કે સાથળના ભાગે માપેલું બ્લડપ્રેશર વધુ ચોક્કસ આવે છે. જયારે બે હાડકા હોય એવા કાંડા કે નળાના ભાગે માપેલું બ્લડપ્રેશર, હોય એના કરતાં ઓછું આવે છે.

આમ, આ બધી નવી રીત અને સાધનો હોવા છતાં પારા (મર્ક્યૂરિ) વાળું સાધન હજી સુધી શ્રેષ્ઠ ગણાય છે.

            ★ ચોવીસે કલાક હરતાં ફરતાં બી.પી. માપતું સાધન

તાજેતરમાં ૨૪ કલાક બાવડા પર લગાવી રાખવાનું ઇલેકટ્રોનિક સાધન નીકળ્યું છે જે દર ૧૫ કે ૩૦ મિનિટે બ્લડપ્રેશર નોંધે છે અને કોમ્પ્યુટરની મદદથી ૨૪ કલાકના બ્લડપ્રેશરનો રિર્પોટ આવે છે. આ સાધનથી માપેલ બ્લડપ્રેશર પણ ક્લિનિકમાં માપેલ બ્લડપ્રેશર કરતાં ઓછું આવે છે. કેટલાક હોસ્પિટલમાં દાખલ દર્દીમાં આ સાધન લગાવી રાખવાથી જાણવા મળ્યું કે, અમુક દર્દીઓમાં આખા દિવસમાં જ્યારે ડોકટર પાસે બ્લડપ્રેશર મપાવા આવે ત્યારે જ બ્લડપ્રેશર વધી જાય! આ પ્રકારના હાઇબ્લડપ્રેશરને વ્હાઇટ કોટ (સફેદ ડગલાનું) હાઇબ્લડપ્રેશર કહેવાય છે. જે દર્દીઓમાં (૧) અચાનક બ્લડપ્રેશરમાં મોટી વધઘટ થતી હોય; (૨) બ્લડપ્રેશર ઘટી જવાનાં ચિહ્નો-ચક્કર, અંધારાં વગેરે આવતાં હોય; (૩) પૂરતી દવાઓ લેવા છતાં બ્લડપ્રેશર કાબૂમાં જ ન આવતું હોય અને (૪) માત્ર દવાખાનામાં હરતા ફરતા ડોકટરની હાજરીમાં જ વધુ બ્લડપ્રેશર આવતું હોય તેમને ચોવીસે કલાક બ્લડપ્રેશર માપતા એમ્બ્યુલેટરી બ્લડપ્રેશર સાધનની મદદ લેવી પડે છે.