બ્લડપ્રેશર એ કંઇ પુખ્ત માણસની ઊંચાઇ જેવું નથી કે કાયમ એક સરખું જ રહે. દરેક તંદુરસ્ત વ્યક્તિમાં પણ નીચેની જુદી જુદી પરિસ્થિતિમાં બ્લડપ્રેશર બદલાયા કરે છે.
ઉંમર વધવાની સાથે, સામાન્ય રીતે બ્લડપ્રેશર પણ વધે છે. જન્મ વખતે લોહીનું ઉપરનું (સિસ્ટોલીક) દબાણ ૫૦ થી ૭૦ મિ.મી. મર્ક્યૂરિ જેટલું હોય છે. જે બાલ્યાવસ્થામાં ૯૦ થી ૧૧૦ મિ.મી.; યુવાનીમાં ૧૧૦ થી ૧૩૦ મિ.મી. અને બુઢાપામાં ૧૩૦ મિ.મી. કરતાં પણ વધુ રહે છે. આની સામે લોહીનું નીચેનું (ડાયાસ્ટોલિક) પ્રેશર જન્મ વખતે ૩૦ થી ૫૦ મિ.મી. મર્ક્યૂરિ જેટલું હોય છે, જે નાનપણથી યુવાની સુધી જ વધે છે અને એ પછી ઓછે વત્તે અંશે એક સરખું ૬૦ થી ૯૦ મિ.મી. મર્ક્યૂરિ જેટલું જળવાઇ રહે છે.
સ્ત્રીઓનું બ્લડપ્રેશર પુરુષોના બ્લડપ્રેશર કરતાં સરેરાશ ઓછું હોય છે. આ તફાવત સિસ્ટોલીક અને ડાયાસ્ટોલિક એ બંને પ્રેશરમાં જોવા મળે છે. જો કે ૪૫-૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રી અને પુરુષના બ્લડપ્રેશર વચ્ચે આવો તફાવત જોવા નથી મળતો.
શરીરની વિવિધ સ્થિતિઓમાં બ્લડપ્રેશર વધઘટ થયા કરતું હોય છે. સૂતાં સૂતાં માપેલ બ્લડપ્રેશર કરતાં ઉભાં ઉભાં માપેલ સિસ્ટોલિક બ્લડપ્રેશર ઓછું હોય છે.
ઊંઘતી વ્યક્તિમાં ઉપરનું બ્લડપ્રેશર ૧૫ થી ૨૦ મિ.મી. મર્ક્યૂરિ જેટલું ઘટી જાય છે.
કસરત કરતી વખતે તત્પૂરતું સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર વધે છે. પણ નિયમિત હળવી કસરત કરવાથી મેદસ્વીપણાથી બચી શકાય છે અને એટલે હાઇબ્લડપ્રેશરના રોગથી પણ મુક્તિ મળે છે. કસરત કરતી વખતે કે કસરત કર્યા પછી તરત બ્લડપ્રેશર મપાવવાથી ખોટેખોટું હાઇબ્લડપ્રેશરનું લેબલ લાગી જઇ શકે છે.
વધુ પડતી લાગણીશીલતા કે માનસિક તાણથી બ્લડપ્રેશર વધે છે.
આમ, બ્લડપ્રેશરનો આધાર અનેક પરિસ્થિતિઓ પર રહેતો હોવાથી બ્લડપ્રેશર મપાવતી વખતે કેટલીક તકેદારીઓ રાખવી જરૂરી બની જાય છે.