હાઇબ્લડપ્રેશર

19. હાઇબ્લડપ્રેશર અંગે ભારતનાં પાંચ શહેરોનો રસપ્રદ અભ્યાસ

હાઇબ્લડપ્રેશરની બીમારીને થતી જ અટકાવવા માટે પાંચ વર્ષ સુધી ચાલેલા એક અભ્યાસમાં જણાયું હતું કે ખોરાકની કેલરી, સોડિયમ (મીઠું) અને દારૂ ઘટાડવાથી હાઇબ્લડપ્રેશર થવાની શકયતા અડધી થઇ જાય છે.

મુંબઇ, કલકત્તા, નાગપુર, મોરાદાબાદ અને ત્રિવેન્દ્રમ - ભારતનાં આ પાંચ શહેરોમાં હાઇબ્લડપ્રેશરની બીમારી અને એ માટે જવાબદાર પરિબળો અંગે તાજેતરમાં અભ્યાસ કરી ભારતીય સમાજમાં હાઇબ્લડપ્રેશરનાં કારણભૂત પરિબળો જાણવાનો પ્રયત્ન ડો. આર. બી. સીંગ અને તેમની મોટી ટીમે કર્યો હતો. 'પાંચ શહેરોની વાત' નામે એમણે રજૂ કરેલ અભ્યાસ પેપર દરેક જાગૃત શહેરીજનને માર્ગદર્શન આપવા સમર્થ છે. આ અભ્યાસનાં તારણો અહીં પષ્નોત્તરી સ્વરૂપે આપ્યાં છે.

    ♥ ભારતીય શહેરી સ્ત્રીઓમાં કેટલા ટકા સ્ત્રીઓમાં હાઇબ્લડપ્રેશરની બીમારી હોય છે?

આ અભ્યાસ મુજબ ૨૫ થી ૬૪ વર્ષની શહેરી સ્ત્રીઓમાં ૨૫.૬ ટકા સ્ત્રીઓને હાઇબ્લડપ્રેશરની બીમારી હોય છે. દર ચાર શહેરી સ્ત્રીઓમાંથી એક હાઇબ્લડપ્રેશરથી પીડાય છે.

    ♥ ભારતીય સ્ત્રીઓમાં બ્લડપ્રેશર વધારવા માટે કયાં પરિબળો ભાગ ભજવે છે?

બેઠાડુ જિંદગી, કસરતનો અભાવ, માનસિક તાણ, ખોરાકમાં વધુ પડતા ઘી-તેલ-મીઠાનો વપરાશ અને તમાકુ દારૂનો વધતો વપરાશ હાઇબ્લડપ્રેશર સાથે સંકળાયેલાં છે એવું આ અભ્યાસમાં સ્પષ્ટપણે જણાયું છે.

    ♥ બેઠાડુ જિંદગીની વ્યાખ્યા શું છે? રોજ ઘરનું કામ કરનાર વ્યક્તિ બેઠાડુ ગણાય?

જો વ્યક્તિ રોજ સરેરાશ ત્રણ કિ.મી.થી ઓછું ચાલતો હોય અથવા એમાં વપરાતી કેલરી કરતાં ઓછી કેલરી અન્ય કામકાજમાં વાપરતો હોય તો એ વ્યક્તિની જિંદગી બેઠાડુ ગણાય. ઘરમાં રસોઇ બનાવવી કે સાફસફાઇ કરવી એ કંઇ પૂરતી કસરત થયેલ ન ગણાય. હાઇબ્લડપ્રેશર ધરાવતા ૮૮ ટકા લોકો બેઠાડુ જિંદગી જીવતા હોય છે.

    ♥ કેટલાથી વધારે મીઠું ખાવું નુકસાનકારક છે?

આ અભ્યાસમાં છ ગ્રામથી વધુ મીઠું ખાનારા વ્યક્તિને હાઇબ્લડપ્રેશર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જેમને હાઇબ્લડપ્રેશર હતુંં એમાંના ૮૩.૬ ટકા રોજ ૬ ગ્રામથી વધુ મીઠું ખાતા હતા જયારે હાઇબ્લડપ્રેશર ન હોતું એમાંના માત્ર ૪૬.૭ ટકા લોકો જ રોજ ૬ ગ્રામથી વધુ મીઠું ખાતા હતા.

    ♥ કેટલા ગ્રામથી વધુ ઘી-તેલ ખાવાથી નુકસાન થાય છે?

રોજના ૨૫ ગ્રામથી વધુ ઘી-તેલ (ઘી અને તેલ મળીને) ખાવાં એ હાઇબ્લડપ્રેશરની બીમારી સાથે સંકળાયેલાં છે એવું આ અભ્યાસમાં જણાયું છે. ચરબીના પ્રકાર અને સ્ત્રોત પ્રમાણે એની આડઅસર થવાની શક્યતાઓ બદલાય છે.

    ♥ તમાકુ, દારૂનો વપરાશ બ્લડપ્રેશર સાથે કઇ રીતે સંકળાયેલા છે?

૧૯૩૧માં તમાકુનો વપરાશ ૦.૭ ટકા હતો જે ૧૯૯૧માં વધીને ૦.૯ ટકા જેટલો થયો છે. જેમ જેમ વ્યસનો વધે છે તેમ તેમ બ્લડપ્રેશર વધે છે. દારૂ પીધા પછી તરત જ બી.પી. વધે છે અને લાંબા ગાળા સુધી વધેલું રહે છે.

    ♥ જાડાપણા અને હાઇબ્લડપ્રેશરને કોઇ સંબંધ છે?

બેઠાડું જિંદગી, વધુ પડતા ઘી-તેલવાળો ખોરાક જાડાપણાને નોતરે છે અને જાડાપણાને કારણે હાઇબ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી તકલીફો ઉદભવે છે. આ અભ્યાસમાં હાઇબ્લડપ્રેશર ધરાવનારાઓમાંથી ૮૬.૬ ટકા લોકોનું વજન વધારે હતું જયારે એ બીમારી ન હોય એમાંથી માત્ર ૩૮.૪ ટકા લોકોનું વજન જ વધારે હતુંં. વજન વધુ હોવા ઉપરાંત કમરનો વધુ ઘેરાવો (ફાંદ) પણ હાઇબ્લડપ્રેશર સાથે સીધી રીતે સંકળાયેલ જણાયો. કમરનો ઘેરાવો પુરુષોમાં થાપાના ઘેરાવાના ૮૮ ટકા કરતાં વધુ કે સ્ત્રીઓ માં ૮૫ ટકા કરતાં વધુ હોય એમને હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે તકલીફો થવાની શક્યતા ઘણી વધારે હોય છે.

જો વ્યક્તિ રોજ સરેરાશ ત્રણ કિ.મી.થી ઓછું ચાલવા જેટલો પરિશ્રમ કરતો હોય તો એ વ્યક્તિની જિંદગી બેઠાડુ ગણાય. ઘરમાં રસોઇ બનાવવી કે સાફસફાઇ કરવી એ કંઇ પૂરતી કસરત થયેલ ન ગણાય.

    ♥ શું શહેરી સ્ત્રીઓ કરતાં ગ્રામીણ સ્ત્રીઓમાં આ બીમારી ઓછી છે?

જી હા! ઘણા બધા અગાઉ થયેલા અભ્યાસો જણાવે છે કે ગામડાના લોકોમાં હાઇબ્લડપ્રેશરનું પ્રમાણ શહેરના લોકો કરતા ઓછું (લગભગ અડધું) હોય છે. ૧૯૪૦માં શહેરના લોકોનાં બે ટકા અને ગામડાનાં એક ટકા પુખ્ત વ્યક્તિઓમાં હાઇબ્લડપ્રેશરની બીમારી હતી. જયારે ૧૯૯૫માં આ બીમારીનું પ્રમાણ શહેરમાં ૧૯ થી ૨૫ ટકા જેટલું અને ગામડામાં ૮ થી ૧૦ ટકા જેટલું થઇ ગયું. ટૂંકમાં બધે જ હાઇબ્લડપ્રેશરનું પ્રમાણ વધ્યું છે. પરંતુ સ્વસ્થ જીવનશૈલીને કારણે ગામડામાં શહેરો કરતાં ઓછા પ્રમાણમાં બીમારી છે. આપણા દુર્ભાગ્યે શહેરીકરણ ખૂબ વધી રહ્યું છે. ૧૯૫૧માં ૧૭ ટકા વસ્તી શહેરમાં હતી જે આજે ૩૩ ટકા પર પહોંચી ગઇ છે.