નીચે જણાવેલ કારણોસર બ્લડપ્રેશરને વધતું અટકાવવું ખૂબ જરૂરી છે.
બ્લડપ્રેશર વધે નહીં એ માટે જીવન શૈલીમાં કરવા જેવા જરૂરી ફેરફારો અંગે વિગતે ચર્ચા અહીં કરી છે
શરીરની વધારાની ચરબી અને વધુ પડતું વજન હાઇબ્લડપ્રેશરની શકયતા બે થી છ ગણી વધારી દે છે. કદાચ બ્લડપ્રેશર વધારવા માટે સૌથી અગત્યનું પરિબળ જ મેદવૃદ્વિ છે. વળી, જો મેદનો ભરાવો પેટના ભાગે થાય તો હાઇબ્લડપ્રેશર (અને ડાયાબિટીસ, હ્રદયરોગ વગેરે બધું જ) થવાની શકયતા ખૂબ વધી જાય છે. પેટ (કમ્મર) નો ઘેરાવો થાપાના ઘેરાવાના ૮૮ ટકા (પુરુષમાં) કે ૮૫ ટકા (સ્ત્રીમાં) થી વધવો ન જોઇએ. તમારું આદર્શ વજન = ૨૧ ગુણ્યા (તમારી મીટરમાં માપેલી ઊંચાઇનો વર્ગ) જેટલું થવું જોઇએ.
હાઇબ્લડપ્રેશરની બીમારીને થતી જ અટકાવવા માટે પાંચ વર્ષ સુધી ચાલેલા એક અભ્યાસ (જામા : ૧૯૮૯; ૨૬૨:૧૮૦૧)માં જણાયું હતુંં કે ખોરાકની કેલરી, સોડિયમ (મીઠું) અને દારૂ ઘટાડવાથી હાઇબ્લડપ્રેશર થવાની શકયતા અડધી થઇ જાય છે. વજન ઘટાડવાથી બ્લડપ્રેશરની સાથોસાથ ડાયાબિટીસ અને હ્રદયરોગની શકયતા પણ ઘટી જાય છે.
બેઠાડુ જિંદગી અને કસરતનો અભાવ હાઇબ્લડપ્રેશરની બીમારી થવાની શકયતામાં ૨૦ થી ૫૦ ટકા જેટલો વધારે કરે છે. શારીરિક રીતે સક્રિય વ્યક્તિમાં ઉંમર વધવાની સાથે બ્લડપ્રેશર વધતું નથી. શારીરિક સક્રિય વૃદ્વ વ્યક્તિમાં બેઠાડું જીવન જીવતી વૃદ્વ વ્યક્તિ કરતાં સરેરાશ ઉપરનું બ્લડપ્રેશર ૧૦ મિ.મી. ઓછું હોય છે. શારીરિક રીતે સક્રિય રહેવા માટે રોજ ઓછામાં ઓછું ૩ કિ.મિ. ઝડપભેર ચાલવું. ઘરનાં બધાં કામ કરવાથી પુરતી કસરત કદી મળતી નથી, માટે ઘરનું કામ કરીને જરૂરી કસરત કર્યાનો સંતોષ લેવો નહીં.
રોજના ખોરાકમાં મીઠાનું પ્રમાણ ૬ ગ્રામથી ઓછું રાખવું. રોજિંદા ખોરાકમાં ઘી-તેલ અન્ય ચરબીમાંથી મળતી કુલ કેલરી આખા દિવસની જરૂરિયાતના ૨૧ ટકાથી ઓછી હોવી જોઇએ. તેલ તરીકે સરસિયું કે રાયડાનું તેલ ખાવું જોઇએ. રોજ ખોરાકમાં ઓછામાં ઓછા ૪૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલાં શાકભાજી, ફળ અને કઠોળ ખાવાં જોઇએ.
દારૂ પીવાથી બ્લડપ્રેશર વધે છે. ત્રીસથી વધુ અભ્યાસોમાં એવું ચોક્કસપણે જાણવા મળ્યું કે રોજનો ૪૦ ગ્રામથી વધુ દારૂ (એથેનોલ) પીવાથી બ્લડપ્રેશરમાં નોંધપાત્ર વધારો થાય છે. હાઇબ્લડપ્રેશરના કુલ દર્દીઓમાંથી આશરે પાંચથી સાત ટકા દર્દીઓના ઊંચા બ્લડપ્રેશરનું કારણ દારૂ જ હોય છે. દારૂ પીવાથી રકતવાહિનીઓ ઊપર સીધી સંકોચનની અસર થાય છે. ધમનીઓની સંવેદનશીલતા વધી જાય છે; ચેતાતંતુઓ ઉત્તેજીત થવાથી બ્લડપ્રેશર વધે છે અને સ્ટીરોઇડ અંત:સ્રાવનું પ્રમાણ વધી જવાથી પણ બ્લડપ્રેશર વધે છે. દારૂ પીવાનું બંધ કરવાથી વધેલું બ્લડપ્રેશર પાછું નોર્મલ થઇ શકે છે. દારૂના વપરાશમાં ૩૫ ગ્રામનો ઘટાડો ઉપરના બ્લડપ્રેશરમાં ૩ મિ.મી.નો ઘટાડો કરે છે. સ્ત્રીઓ અને પાતળી વ્યક્તિઓમાં દારૂની અસર વધારે થાય છે અને એટલે એમણે તો દારૂથી દૂર જ રહેવું જોઇએ. દારૂ પીવાને કારણે ઘણા લોકોમાં બ્લડપ્રેશર ઘટાડવાની દવાઓની અસર નથી થતી અને પેરાલિસિસ થવાનું જોખમ પણ વધી જાય છે.
ટૂંકમાં, હાઇબ્લડપ્રેશરથી બચવું હોય તો દારૂથી દૂર રહેવામાં જ સાર છે. હાઇબ્લડપ્રેશર ઉપરાંત, લીવરની બીમારી, કેન્સર અને સામાજિક તથા આર્થિક સત્યાનાશથી બચવું હોય તો દારૂ જેવા વ્યસનને કદી પણ અડકવાનો કે ચાખવાનો પણ વિચાર કરશો નહિ.
બીડી-સિગારેટનો દરેક કશ બ્લડપ્રેશર વધારે છે. તમાકુના દરેક ગુટકા-માવા-પાન ચાવતાં ચાવતાં તમારું બ્લડપ્રેશર તમે વધારો છો. હ્રદયરોગ કરવા માટે તમાકુ ખૂબ જ અગત્યનું પરિબળ છે. તમાકુનું વ્યસન ચાલુ રાખનારાઓમાં બ્લડપ્રેશર ઘટાડવાની દવાઓની અસરકારકતા ઓછી થઇ જાય છે. તમાકુના કોઇપણ સ્વરૂપનું વ્યસન નુકસાનકારક છે અને માત્ર હાઇબ્લડપ્રેશર કે હ્રદયરોગ જ નહીં શરીરના મોટાભાગના અવયવોમાં નાની તકલીફથી માંડીને કેન્સર સુધીના રોગો એનાથી થાય છે. હાઇબ્લડપ્રેશરની દરેક વ્યક્તિએ તમાકુનું વ્યસન છોડવું ખૂબ જ જરૂરી છે.
માનસિક તાણ એ બ્લડપ્રેશર વધારવા માટેનું ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે લોકો તણાવભરી પરિસ્થિતિમાં વારંવાર મુકાતા હોય પરંતુ જેમની પાસે એ અંગે નિર્ણય લેવાનો અધિકાર ન હોય એ લોકોને તણાવને કારણે બ્લડપ્રેશર વધવાની શકયતા સૌથી વધુ રહે છે. સામાજિક હૂંફનો અભાવ પણ તણાવ અને બ્લડપ્રેશર વધારે છે. ઓછી આવક અને ઓછા ભણતરવાળા લોકો પણ ઘણી વખત તણાવપૂર્ણ પરિસ્થિતિ અને હાઇબ્લડપ્રેશરનો શિકાર બનતા હોય છે.
જર્મનીના ડો. સ્મીથ અને સાથીઓનો એક અભ્યાસ ૧૯૯૭માં પસિદ્ધ થયો હતો. જેમાં યોગાસન-ધ્યાન અને શાકાહારી ખોરાકની, વ્યક્તિ પર થતી અસરની વાત હતી. ત્રણ મહિના સુધી યોગના કેન્દ્રમાં રહીને યોગાસન-ધ્યાન તથા શુદ્ધ શાકહારી (દૂધની છૂટ) ખોરાક લેવાથી હ્રદયરોગ માટેના જોખમી પરિબળોમાં નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળ્યો હતો વ્યક્તિનું વજન, કુલ કોલેસ્ટેરોલ અને બ્લડપ્રેશર ઘટતું જોવા મળ્યું (ખાસ તો જે વ્યક્તિઓમાં શરૂઆતમાં વધારે હતું તેઓમાં) એમના પેશાબમાં માનસિક તાણ સાથે સંકળાયેલા અંત:સ્રાવો - એડ્રિનાલિન, નોર-એડ્રિનાલિન, ડોપામિન અને આલ્ડોસ્ટેરોનનું પ્રમાણ ઘટયું અને માનસિક શાંતિ સાથે સંકળાયેલ કોર્ટીસોલનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું.
આ જ રીતે, ૧૯૯૫માં જર્નલ ઓફ ઓલ્ટરનેટીવ કોમ્પ્લીમેન્ટરી મેડિસિનમાં ડો. વાલ્ટન અને સાથીઓનો અભ્યાસ રજૂ થયેલો જેમાં છેલ્લાં આઠ વર્ષથી યોગાસન-ધ્યાન કરનાર ૨૨ વ્યક્તિઓના અને ન કરનાર ૩૩ વ્યક્તિઓના શરીરના વિવધિ અંત:સ્રાવો, ક્ષાર અને અન્ય ગતિવિધિઓ ચકાસવામાં આવેલાં. યોગાસન-ધ્યાન કરનાર વ્યક્તિઓના પેશાબમાં એડ્રિનાલીન, નોરએડ્રિનાલીન, આલ્ડોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હતું જયારે ડીહાઇડ્રોએપિએન્ડ્રોસ્ટેરોન તથા ૫-હાઇડ્રોકસીઇન્ડોલ એસિટીક એસિડનું પ્રમાણ વધારે હતું. યોગાસન-ધ્યાન કરનાર વ્યક્તિઓમાં મૂડ-ડીસ્ટર્બન્સનું અને ચિંતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું હતું. લાંબા ગાળાનાં માનસિક તાણ સાથે સંકળાયેલાં ઘણા બધાં પરિબળો યોગાસન-ધ્યાન ન કરનાર વ્યક્તિઓમાં હતાં અને એ નિયમિત કરનારાઓમાં નહોતાં. આ હકીકત દર્શાવે છે કે નિયમિત યોગાસન-ધ્યાન કરનાર વ્યક્તિના શરીરમાં અંત:સ્રાવો અને ક્ષારના એવા ફેરફારો થાય છે, જે વ્યક્તિને હાઇબ્લડપ્રેશર અને હ્રદયરોગથી બચાવવામાં મદદરૂપ થાય. યોગાસન-ધ્યાન જેવી તણાવમુક્તિની ટેકનિકથી બ્લડપ્રેશર વધતુ અટકાવી શકાય છે અને વધેલું બ્લડપ્રેશર કાબૂમાં લઇ શકાય છે. તણાવમુક્તિની જુદી જુદી ટેકનિક અને એની બ્લડપ્રેશર પરની અસરો અંગે હજી વધુ અભ્યાસની જરૂરિયાત છે.
ટૂંકમાં, બ્લડપ્રેશરને વધતું જ અટકાવવા માટે જીવનપદ્ધતિમાં આ બધાં અગત્યના ફેરફારો ખૂબ જરૂરી અને ફાયદાકારક છે. સપ્રમાણ વજન; શારીરિક સક્રિયતા, સ્વસ્થય આહાર, દારૂ-તમાકુના વ્યસનથી મુક્તિ, માનસિક શાંતિ અને તણાવમુક્તિ માટે યોગાસન - ધ્યાન વગેરે જરૂરી છે.