એક અભ્યાસ પ્રમાણે, જેમને હાઇબ્લડપ્રેશરની બીમારી હોય એમાંથી માત્ર અડધાને જ એની ખબર હોય છે અને એમાંથી પણ માત્ર અડધા જ સારવાર કરાવે છે. હાઇબ્લડપ્રેશરને કારણે ખાસ કોઇ લક્ષણો કે ચિહ્નો દેખાતાં ન હોવાથી દર્દી પોતાને કોઇ બીમારી છે એવું સ્વીકારી જ નથી શકતો. 'મને કંઇ તકલીફ નથી તો શા માટે હું દવા લઉં ?' એવો ખોટો અભિગમ પણ ઘણા દર્દીઓનો હોય છે.
વળી, સારવાર શરૂ કર્યા પછી પણ દર્દીને કોઇ દેખીતો ફાયદો દેખાતો નથી (કારણ કે કોઇ દેખીતી તકલીફ જ નથી હોતી) એટલે ઘણા લોકો થોડો સમય દવા કર્યા પછી દવા લેવાનું ભૂલી જાય છે અથવા એવું માનવા લાગે છે કે હવે પોતે હાઇબ્લડપ્રેશરની બીમારીમાંથી સારા થઇ ગયા છે માટે દવા લેવાનું બંધ કરી દે છે. હકીકતમાં એક વખત હાઇબ્લડપ્રેશરની બીમારીનું નિદાન થયા પછી એને કાબૂમાં રાખવા માટે દવાની જરૂર પડતી હોય તો પછી જિંદગીભર એ દવા ચાલુ રાખવી પડે છે. હાઇબ્લડપ્રેશરની દવાનું કંઇ દુ:ખાવાની દવા જેવું નથી કે દુ:ખાવો બંધ થાય એટલે દવા બંધ! દવા બંધ કરવાની ભૂલ કયારેક જીવલેણ નીવડે છે.
હાઇબ્લડપ્રેશર માટે આજ સુધી એવી દવા નથી શોધાઇ કે જે રોગને જડમૂળમાંથી સારો કરી નાખે, અત્યારે વપરાતી બધી દવાઓ માત્ર વધી ગયેલા બ્લડપ્રેશરને કાબૂમાં રાખવાનું જ કામ કરે છે. જે રીતે ઘોડાની લગામ કાઢી નાખવાથી એ બેકાબૂ થઇ જાય છે એ જ રીતે હાઇબ્લડપ્રેશર માટે પરેજી અને દવા બંધ કરી દેવાથી બ્લડપ્રેશર બેફામ વધી શકે.
કાયમ માટે હાઇબ્લડપ્રેશર મટાડી દે તે દવા આદર્શ કહેવાય. પરંતુ આવી કોઇ દવા ઉપલબ્ધ ન હોવાથી, એની અવેજીમાં નીચેનાં લક્ષણો ધરાવતી દવા આદર્શ કહી શકાય: (૧) દિવસમાં માત્ર એક જ વાર લેવાથી ૨૪ કલાક સુધી એની અસર ચાલુ રહેવી જોઇએ. (૨) ૨૪ કલાકના અંતે દવાની ઓછામાં ઓછી પચાસ ટકા (અડધી) અસર ચાલુ રહેવી જોઇએ. (૩) કિંમતમાં સસ્તી હોવી જોઇએ. (૪) કોઇ ભારે આડઅસર થવી ન જોઇએ.
જયારે બ્લડપ્રેશર ઘણું વધારે હોય અથવા દવા વગર એ કાબૂમાં ન આવતું હોય ત્યારે બિન-ઔષધીય સારવાર ચાલુ રાખવા ઉપરાંત દવાનો વપરાશ પણ જરૂરી બને છે. હાઇબ્લડપ્રેશર માટે જાતજાતની અનેક દવાઓ વપરાય છે. આ દવાઓ કઇ રીતે કામ કરે છે અને એ લેતી વખતે શું કાળજી રાખવી જોઇએ એ અંગે અહીં ટૂંકમાં માહિતિ આપી છે. અહીં બ્લડપ્રેશરની દવાઓનાં નામ માત્ર સામાન્ય જાણકારી અને સમજણ માટે જ લખ્યા છે. ડોક્ટરને પૂછયા વગર કોઇ દવા જાતે લેવી ન જોઇએ.
ડોક્ટરની સલાહથી, કાયમી ધોરણે દવા ચાલુ રાખવી જોઇએ અને દવાની કોઇ આડઅસર જણાય તો જાતે બંધ કરી દેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઇએ જેથી ડોઝમાં વધઘટ થઇ શકે અથવા એકને બદલે બીજી દવા ચાલુ કરી શકાય. માત્ર સામાન્ય જાણકારી માટે જુદી જુદી પરિસ્થિતિમાં હાઇબ્લડપ્રેશરની દવાઓના વપરાશ અંગેનુ કોષ્ટક અહીં આપ્યુ છે, ડોકટરની સલાહ વગર કોઇ પણ દવા શરૂ કરવી નહીં.
જે દવા લેવાથી પેશાબની માત્રામાં વધારો થાય એને ડાઇ-યૂરેટીક્સ કહેવામાં આવે છે. આ દવા લેવાથી લોહીમાંથી પાણી અને ક્ષાર(મીઠું) પેશાબ વાટે વહી જવાથી લોહીનું દબાણ ઘટે છે. હાઇડ્રોકલોરો થાયેઝાઇડ (એસીડ્રેક્ષ), ફ્રુઝેમાઇડ (લેસીક્ષ), ડાઇટાઇડ, બાયડયૂરેટ વગેરે કેટલીક જાણીતી ડાઇ-યૂરેટીક્સ દવાઓનાં બજારું નામ છે. આ દવાની આડઅસરમાં પોટેશિયમ ઘટી જવું; ગાઉટ (યુરિક એસિડ) વધી જવું; ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ વધવું વગેરે થઇ શકે.
કેલ્શિયમ ચેનલ બ્લોક્ર્સ તરીકે ઓળખાતી આ દવાઓ શરીરમાં ઘણી જગ્યાએ કામ કરે છે. આ દવા લેવાથી સાંકડી થઇ ગયેલ રક્તવાહિનીઓ ફરી પાછી પહોળી થાય છે પરિણામે બ્લડપ્રેશર ઘટે છે. નીફેડીપીન ઉપરાંત નાઇટ્રેન્ડીપીન અને એમ્લોડીપીન જેવી બીજી ઘણી દવાઓ આ જૂથમાં આવે છે. આ નવી દવાઓ લાંબા સમય સુધી અસર કરતી હોવાથી બી.પી. આખો દિવસ સારી રીતે કાબૂમાં રહે છે. આ દવાની આડઅસરથી હ્રદયના ધબકારામાં વધારો થાય અને પગે સોજા આવી શકે.
બીટા બ્લોકર્સ તરીકે ઓળખાતી આ દવાઓ હ્રદય પર અને સ્વયં-સંચાલિત ચેતાતંત્ર પર અસર કરે છે જેને કારણે બ્લડપ્રેશર અને હ્રદયના ધબકારામાં ઘટાડો થાય છે. યુવાન વયે હાઇબ્લડપ્રેશર થયું હોય ત્યારે આ દવા ખાસ ઉપયોગી થાય છે. આ દવાની આડ અસરથી અસ્થમા; હાર્ટ ફેઇલ્યોર (ઓછું પમ્પીંગ), હ્રદયની ધીમી ગતિ વગેરે થઇ શકે.
આજકાલ હાઇબ્લડપ્રેશરનાં ઘણા દર્દીઓને આ 'એન્જિયોટેન્સિન કન્વર્ટસ એન્ઝાઇમ ઇનહીબીટર' જૂથની દવાઓ આપવામાં આવે છે. આ દવા એન્જિયોટેન્સિન - ૨ નામના બ્લડપ્રેશર વધારતાં પદાર્થનું ઉત્પાદન અટકાવી દે છે. હાઇબ્લડપ્રેશરની સાથે કિડની કે હ્રદયની બીમારી ભેગી હોય ત્યારે આ દવાઓ વધુ ઉપયોગી થાય છે. આ દવાની આડઅસરમાં પહેલા ડોઝથી અચાનક બી.પી. ઘટી જવું અને ખાંસી થવી વગેરે થઇ શકે. તાજેતરમાં, લોસારટાન નામની નવા જૂથની દવા શોધાઇ છે જે આ જૂથની દવાની જેમ જ કામ કરે છે પરંતુ એની આડઅસરમાં ખાંસી નથી થતી.
આ જૂથની દવાઓ સીધી મગજના બ્લડપ્રેશર નિયંત્રણ કરનાર જટિલ તંત્ર પર જ અસર કરે છે. તીવ્ર કે સગર્ભાવસ્થા દરમ્યાનના હાઇબ્લડપ્રેશરમાં જ વપરાય છે. આ દવાઓની આડઅસરોને કારણે એનો વપરાશ આજકાલ ઓછો છે. આ દવા લેતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જો એક વખત શરૂ કર્યા પછી અચાનક દવા લેવાનું બંધ કરવામાં આવે તો ગંભીર નુકસાન પહોંચી શકે છે. એમ.ડોપા દવાની આડઅસરમાં ઉંઘ આવવી; ભૂલી જવું; એકાગ્રતા ન રહેવી; ઊભા થતાં ચકકર આવવા; મોં સુકાવું; નાક બંધ થઇ જવું; નપુંસકતા; લોહીના કણો ઓછા થવા અને કમળો વગેરે થઇ શકે.
આલ્ફા બ્લોકર્સ તરીકે ઓળખાતી આ જૂથની દવાનો ઉપયોગ હમણાં હમણાં વધી રહ્યો છે. ખાસ કરીને જયારે બીજા જૂથની દવાની આડઅસરનો ભય હોય ત્યારે આ દવા ઉપયોગી થાય છે. આ દવાની આડઅસરમાં પહેલા ડોઝથી બી.પી.માં ખૂબ ઘટાડો થવો અને ઉભા થવાથી ચકકર આવવા વગેરે થઇ શકે.
દવાનુ જૂથ | વાપરવી જ પડે એવી પરિસ્થિતિ | વાપરી શકાય | ન જ વપરાય | ન વપરાય તો સારુ | |
---|---|---|---|---|---|
ડાઇયુરેટીકસ | હાર્ટ ફેઇલ્યર/વયોવૃદ્ધ, માત્ર ઉપરનું બીપી વધુ | ડાયાબિટીસ | ગાઉટ | વધુ કોલેસ્ટેરોલ, જાતીય સક્રિય પુરૂષ | |
બીટા-બ્લોકર | હ્રદયરોગ (એન્જાઇના કે એટેક), હ્રદયની અનિયંત્રિત ઝડપી ગતિ | હાર્ટ ફેઇલ્યર, ડાયાબિટીસ, સગર્ભાવસ્થા | અસ્થમા, હ્રદયમાં ઇલેકટ્રીક કરન્ટનો અવરોધ | વધુ કોલેસ્ટેરોલ, જાતીય સક્રિય પુરૂષ, હાથ-પગની ધમનીના રોગો. | |
એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ (એ.સી.ઇ) ઇન્હીબીટર | હાર્ટ ફેઇલ્યર, હ્રદયનુ ઓછું પમ્પીંગ, ડાયાબિટીસ | હાથ-પગની ધમનીના રોગો | સગર્ભાવસ્થા, લોહીમાં વધુ પોટેશિયમ | બંને કિડનીની ધમની સાંકડી હોય | |
કેલ્શિયમ બ્લોકર | એન્જાઇના, વયોવૃદ્ધ, માત્ર ઉપરનું બીપી વધુ | હ્રદયમાં ઇલેકટ્રીક કરન્ટનો અવરોધ | હાર્ટ ફેઇલ્યર | ||
આલ્ફા બ્લોકર | પ્રોસ્ટેટ માટી થવાની તકલીફ | ગ્લુકોઝ ઇન્ટોલરન્સ | ઉભા થવાથી બ્લડપ્રેશર ખૂબ ઘટી જતુ હોય | ||
એન્જિયોટેન્સિન બ્લોકર (લોસારટાન) | એ.સી.ઇ. ઇન્હીબીટરને લીધે ખાંસી | હાર્ટ ફેઇલ્યર | સગર્ભાવસ્થા, લોહીમાં વધુ પોટેશિયમ |