હાઇબ્લડપ્રેશર

15. વધી ગયેલું બ્લડપ્રેશર ઘટાડવાના ફાયદાઓ

જો યોગ્ય સમયે બ્લડપ્રેશર ઘટાડવાની દવાઓ શરૂ કરી દેવામાં આવે તો પેરેલિસિસ થવાની શક્યતામાં ૩૫ થી ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાય છે; હાર્ટએટેક આવવાની શક્યતામાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ઘટાડો અને હ્રદય પહોંળું થઇ હાર્ટ ફેઇલ થવાની શક્યતામાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાય છે. સમાજમાં હાર્ટએટેકના પ્રમાણમાં ચોથા ભાગનો કે પેરેલિસિસના પ્રમાણમાં ત્રીજા ભાગનો ઘટાડો થાય તો એને કારણે કેટલાં બધા લોકોનું જીવન, તંદુરસ્તી અને પૈસા બચી શકે એ વિચારવાનો મુદ્દો છે. એક અંદાજ પ્રમાણે, જો સ્ટેજ-૧ હાઇબ્લડપ્રેશર (૧૪૦/૯૦ થી ૧૬૦/૧૦૦ વચ્ચે)ના દર્દીમાં દશ વર્ષ સુધીના લાંબા ગાળા દરમ્યાન ઉપરના બ્લડપ્રેશરમાં સતત ૧૨ મિ.મિ.મક્ર્યૂરીનો ઘટાડો દર ૧૧ દર્દીમાંથી એક દર્દીનું મૃત્યુ અટકાવે છે અને હ્રદયરોગ હાજર હોય એવાં દર્દીમાં આ રીતનો બ્લડપ્રેશરનો કાબૂ દરેક નવ દર્દીમાંથી એક દર્દીનું જીવન બચાવે છે.