ઘણા લોકો હાઇબ્લડપ્રેશરની બીમારીને ગણકારતા જ નથી. વારંવાર ડોક્ટર સલાહ આપે તો પણ કોઇને કોઇ બહાના હેઠળ દવા લેવાનું ટાળ્યા કરે છે. 'ભૂલી ગયો', 'બહારગામ જવાનું થયું', 'સારું લાગતું હતુંં', 'મોંઘી દવા હતી', 'જરૂર ન લાગી' - વગેરે અનેક બહાનાં હાઇબ્લડપ્રેશરની સારવાર ન લેવા માટે લોકોને મળી રહેતાં હોય છે.
ભાગ્યેજ કોઇને ખબર હોય છે કે હાઇબ્લડપ્રેશરને કાબૂમાં ન રાખવાનું કેટલું જોખમી નીવડી શકે છે. હાઇબ્લડપ્રેશરનું નિદાન થવા છતાં હાઇબ્લડપ્રેશરની દવા ન લેવાની ભૂલ ક્યારેક જીવલેણ પણ નીવડે છે. લાખો લોકો હાઇબ્લડપ્રેશરને કારણે અચાનક પેરાલિસિસ, હાર્ટએટેક કે કિડની ફેઇલ્યોરનો ભોગ બની જાય છે અને છતાં બીજા અનેક લોકો હાઇબ્લડપ્રેશર હોવા છતાં એને કાબૂમાં રાખવાની દરકાર નથી કરતા અને વહેલા મોડા આવી જ બીમારીનો ભોગ બની જાય છે.
હાઇબ્લડપ્રેશરને કારણે શરીરની બધી રક્તવાહિનીઓમાં ખૂબ ઊંચા દબાણે લોહી ફરે છે. લાંબા સમય સુધી ખૂબ ઊંચા દબાણે ફરતા લોહીને કારણે શરીરના ઘણા બધા અવયવો પર આ દબાણની અસર થાય છે જે થોડાં વર્ષો પછી અચાનક જ મોટી તકલીફ સ્વરૂપે બહાર આવે છે.
લોહી ઊંચા દબાણે ફરતું હોવાથી સૌથી વધુ દબાણ અને કામનો બોજો હ્રદય ઊપર આવે છે. આ દબાણને લીધે શરૂઆતમાં હ્રદયની દિવાલો વધારે જાડી બને છે અને જોશભેર લોહીને હ્રદયની બહાર ધકેલે છે પરંતુ સમય જતાં હ્રદયનું જોર ઘટવા લાગે છે અને હ્રદય પહોળું થવા લાગે છે. આને કારણે હ્રદયનું પમ્પીંગ બરાબર થઇ શકતું નથી અને શ્વાસ ચડવાની તેમજ પગે સોજા ચડવાની તકલીફ શરૂ થાય છે. હાર્ટ ફેઇલ્યોર તરીકે ઓળખાતી આ તકલીફ ઘણી વખત કાયમી બની જાય છે અને એ વખતે દર્દી પસ્તાય છે કે પહેલેથી બ્લડપ્રેશર કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો હોત તો આવી સ્થિતિ ન થાત.
જો કે ઘણા બધા હાઇબ્લડપ્રેશરના દર્દીને તો પસ્તાવાનો સમય પણ નથી મળતો અચાનક જ હાર્ટએટેક આવીને મૃત્યુ થવાની શક્યતા હાઇબ્લડપ્રેશરના દર્દીઓમાં ઘણી વધારે રહેલી હોય છે. હાઇબ્લડપ્રેશરના મોટાભાગના દર્દીઓનાં મોતનું કારણ હાર્ટએટેક જ હોય છે. હાઇબ્લડપ્રેશરના દર્દીને હ્રદયની જાડી દિવાલોને સમય જતાં પૂરતું લોહી પહોંચી શકતું નથી જેને કારણે એન્જાઇના થવાની કે એટેક આવવાની શક્યતા વધી જાય છે.
હ્રદય પછીના ક્રમે હેરાન થવાનો વારો મગજનો આવે છે. હાઇબ્લડપ્રેશરના દર્દીઓમાં માથાના પાછળના ભાગમાં દુ:ખાવો થવો, માથું ખાલી ખાલી લાગવું, ચક્કર આવવા, કાનમાં તમરાં બોલવાં, ઝાંખુ દેખાવું કે આંખે અંધારાં આવવાં વગેરે લક્ષણો તો ઘણી વાર શરૂઆતના ગાળામાં જ આવતાં હોય છે. જયારે બ્લડપ્રેશર ખૂબ વધી જાય ત્યારે અમુક લોકોના નાકની રક્તવાહિનીઓ વધુ પડતા દબાણને લીધે ફાટી જાય છે અને નસકોરી ફૂટે છે. આની જેમ જ બેકાબૂ હાઇબ્લડપ્રેશરને કારણે અમુક દર્દીઓની મગજની અંદરની નસો ફાટી જાય છે અને બ્રેઇન હેમરેજ થઇ જાય છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ રક્તવાહિનીઓની દિવાલ નબળી પડવા લાગે છે જેના પરિણામે, બ્રેઇન હેમરેજ થવાની શક્યતાઓ પણ ઉંમરની સાથે સાથે આ દર્દીઓમાં વધવા લાગે છે. બ્રેઇન હેમરેજને કારણે પેરાલિસિસથી માંડીને મૃત્યુ સુધીની અસરો ઉદભવી શકે છે.
ઘણા હાઇબ્લડપ્રેશરના દર્દીઓમાં બ્રેઇન હેમરેજ થયા વગર પણ પેરાલિસિસનો હુમલો આવે છે જેનું કારણ રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ રૂંધાવાનું હોય છે. અમુક દર્દીઓમાં બ્લડપ્રેશર ખૂબ વધી જાય તો એને કારણે દર્દી બેહોશ થઇ જાય છે; આંખની અંદર પુષ્કળ નુકસાન થાય છે - દેખાતું બંધ થઇ જાય છે, ખેંચ આવે છે, લવારા કરે છે અને ક્યારેક આવી સ્થિતિમાં જ મૃત્યુ થાય છે.
સાઠ વર્ષનાં સવિતાકાકીના ઉદાહરણથી આપણે પેરાલિસિસની ચર્ચા કરીશું. સવિતાકાકી અત્યાર સુધી કોઇ જાતની શારીરિક તકલીફ વગર આરામની જિંદગી જીવતાં હતાં. કયારેક નાની મોટી તકલીફ થાય તો શેરીના નાકે આવેલ દવાખાને જઇને દવા લઇ આવતા અને તબિયતમાં જરાક સુધારો થાય કે તરત દવા બંધ થઇ જતી અને વૈદ (ડોકટર) વેરી થઇ જતો. બે એક વર્ષ પહેલાં એક વખત થોડાક ચકકર આવતા હતા ત્યારે ડોકટરે બી.પી. માપ્યું હતું જે થોડું વધારે હતું. ડોકટરે એમને હાઇબ્લડપ્રેશર માટેની સારવાર અને દવા કાયમ માટે કરવાનું સમજાવેલું. પણ પછી ચકકર મટી ગયા અને બ્લડપ્રેશરની દવા પણ ભુલાઇ ગઇ. એ વાતને વર્ષો વીતી ગયા પછી આજે બપોરે અચાનક ઘરમાં કંઇ કામ કરતાં કરતાં સવિતાકાકી બેહોશ થઇને પડી ગયા.
અચાનક સવિતાકાકીને શું થઇ ગયું એ કોઇને સમજ ન પડી. તાત્કાલિક ઘરે ડોકટર બોલાવ્યા. સવિતાકાકીના હાથ પગનું હલનચલન જોતાં જણાયું કે ડાબો હાથ અને પગ બિલકુલ નથી હાલતા! સવિતાકાકીને ડાબા અંગનો પેરાલિસિસ (પક્ષાધાત) થઇ ગયો હતો. ડોકટરે તપાસ કરીને કહ્યું કે બ્લડપ્રેશર ખૂબ વધી જવાને કારણે મગજની નસોને નુકસાન થયું છે. કદાચ નસ ફાટી જવાને કારણે હેમરેજ થયું છે. દવાથી બ્લડપ્રેશર તો કાબૂમાં આવશે પરંતુ પેરાલિસિસમાંથી સાજા કરવા માટે કોઇ દવા ઉપલબ્ધ નથી.!!
દર વર્ષે સવિતાકાકી જેવા હજારો લોકોને અચાનક પેરાલિસિસનો હુમલો થઇ આવે છે. ગઇકાલ સુધી સાજા નરવા લોકો અચાનક એક બાજુના હાથ-પગ અને મોં પરનું પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે. સામાન્ય કમજોરી કે માત્ર મોં વાંકું થઇ જવાની તકલીફથી માંડીને એક હાથ-પગમાં તદ્ન લકવો થઇ જવાની તકલીફ પેરાલિસિસના દર્દીઓમાં જોવા મળે છે. જે હાથ કે પગને લકવાની અસર થઇ હોય એમાં હાથ પગના હલનચલનની તકલીફ સિવાય પણ એ ભાગમાં દુ:ખાવો થવો, ખાલી ચડી જવી, ઝણઝણાટી થવી વગેરે પ્રકારની તકલીફો જોવા મળે છે. જમણેરી માણસમાં જમણા હાથ પગનો લકવો થાય તો ઘણીવાર લકવાની સાથોસાથ બોલવા સમજવાની તકલીફો પણ થાય છે. દર્દીને શું કહેવું છે એ ખબર હોય છતાં શબ્દો ન મળે કે વાકય બોલી ન શકાય. કયારેક ઇશારાથી વાતો કરે, કયારેક આપણે બોલીએ તે સમજી ન શકે અને પોતાની રીતે લવારા કર્યા કરે. આવી અનેક જાતની તકલીફો લકવાની સાથે થઇ શકે છે.
આપણા શરીરના દરેકે દરેક હલનચલન પર આપણા મગજનું નિયંત્રણ હોય છે. મગજના દરેકે દરેક કોષનું નિશ્વિત કામ હોય છે. જો કોઇ કારણસર મગજના કેટલાક ભાગોને નુકસાન થાય તો મગજના એ ભાગ દ્વારા થતા બધા કામો ખોરવાઇ જાય છે. જો મગજને મળતો લોહીનો પુરવઠો બંધ થઇ જાય તો મગજનો એટલો ભાગ નાશ પામે છે અને એટલી કામગીરી બંધ થઇ જાય છે. પેરાલિસિસના મોટા ભાગના કિસ્સાઓમાં મગજના એક અડધિયાના કેટલાક ભાગોમાં લોહીનો પુરવઠો ખોરવાઇ જાય છે જેને કારણે એક બાજુના હાથ પગ અને મોંના સ્નાયુઓનું હલનચલન અટકી પડે છે. જો બોલવા સમજવા માટે જરૂરી ભાગોને લોહી ન પહોંચે તો દર્દીને બોલવા સમજવામાં તકલીફ પડે છે.
મગજને મળતો લોહીનો પુરવઠો આમ અચાનક શા માટે ખોરવાઇ જાય? એવો મૂળભૂત પ્રષ્ન ઘણાંને થાય છે. આ પ્રષ્નનો પૂરેપૂરો ઉકેલ આધુનિક વિજ્ઞાન પણ શોધી નથી શકયું. શરીરની બધી રકતવાહિનીઓમાં એથેરોસ્કેલેરોસિસ નામે ઓળખાતો અને રકતવાહિનીઓની દીવાલોને કઠણ કરી નાખતો રોગ આ માટે જવાબદાર છે એવું માનવામાં આવે છે. જેમ જેમ એથેરોસ્કેલેરોસિસ આગળ વધતો જાય છે તેમ તેમ રકતવાહિનીની દીવાલ જાડી થાય છે અને લોહીની અવરજવર માટેની જગ્યા સાંકડી પડવા લાગે છે. આવી સ્થિતિમાં એક તબકકે રકતવાહિનીમાં એથેરોસ્કેલેરોસિસ થયેલા ભાગે કોઇ અગમ્ય કારણોસર ત્રાકકણનો ગઠ્ઠો થઇ જાય છે. આ ગઠ્ઠાથી રકતવાહિનીમાંથી લોહીનો પ્રવાહ સાવ રૂંધાઇ જાય છે અને પરિણામે મગજના જે ભાગને આ રકતવાહિની લોહી પહોંચાડતી હોય છે એ લોહીનો પુરવઠો પહોંચતો બંધ થઇ જાય છે અને પેરાલિસિસ થાય છે. જો આવી જ ઘટના હ્રદયને લોહી પહોંચાડતી કોરોનરી ધમનીઓમાં થાય તો હાર્ટએટેક આવે છે. આમ હાર્ટએટેક અને પેરાલિસિસ એથેરોસ્કેલેરોસિસ નામના મૂળભૂત રોગનાં બે જુદાં જુદાં બાહ્ય રૂપો જ છે.
પેરાલિસિસના અમુક કિસ્સામાં એથેરોસ્કેલેરોસિસને બદલે અન્ય કોઇ લોહીમાં ફરતા ગઠ્ઠાને કારણે રકતવાહિની રૂંધાઇ જાય એવું પણ બને છે. મગજને લોહી પહોંચાડતી રકતવાહિની લોહીના વધુ પડતા દબાણથી ફાટી જાય તો પણ પેરાલિસિસનો હુમલો આવી શકે છે. વળી એથેરોસ્કેલેરોસસિનો રોગ પણ લોહીના ઉંચા દબાણથી વકરે છે, જે છેવટે પેરાલિસિસ નોતરે છે. આમ કોઇ પણ કારણે મગજને લોહી પહોંચતુ બંધ થાય તો પેરાલિસિસ થાય છે.
એક વાર પેરાલિસિસ થઇ જાય પછી મગજના કાયમી નુકસાન પામેલ ભાગને ફરીથી કાર્યરત કરવાનું હજી સુધી કોઇ દવાથી શકય નથી બન્યું અને નજીકના ભવિષ્યમાં મગજના નાશ પામેલા કોષોને પુનર્જીવન આપવા માટે દવા શોધાય એવી પણ શકયતાઓ દેખાતી નથી. એટલે પેરાલિસિસથી બચવું હોય તો એથેરોસ્કેલેરોસિસ ન થાય અને ન વકરે એ બાબતનું ધ્યાન રાખવું જોઇએ. આ માટે શરીરનું વજન ન વધે, બ્લડપ્રેશર ન વધે, ડાયાબિટીસ થાય તો કાબૂમાં રહે, વધુ પડતા ચરબીયુકત ખોરાક ન ખાવાની, વ્યસનોથી દૂર રહેવાની અને નિયમિત કસરત કરવાની તકેદારી રાખવી જોઇએ. હાઇબ્લડપ્રેશરના દર્દી માટે બ્લડપ્રેશરની દવા નિયમિત લેવાથી પેરાલિસિસને અટકાવી શકાય છે.
જો પેરાલિસિસ થઇ જ જાય તો શરૂઆતના દિવસોમાં દર્દીને પથારીમાં આરામ કરાવવો જોઇએ. જે હાથ પગમાં લકવો થયો હોય એ હાથ પગના બધા સાંધાઓમાં પૂરેપૂરું હલનચલન થાય એ રીતે કસરત કરાવવી જોઇએ. મોટા ભાગના લકવામાં થોડોક સુધારો કુદરતી ક્રમમાં થાય જ છે. અમુકમાં બીજે દિવસથી સુધારો જણાય છે. તો અમુકમાં મહિના પછી, સામાન્ય રીતે જે સુધારો થવાનો હોય તે શરૂઆતના છ મહિનામાં થઇ જાય છે, આ પછી ખાસ સુધારો થતો નથી.
પેરાલિસિસનું ચોકકસ કારણ જાણવા માટે અને એમાં સુધારાની શકયતાની આગાહી કરવા માટે સી.ટી. સ્કેન અને એમ.આર.આઇ તરીકે ઓળખાતી તપાસ ઉપયોગી સાબિત થઇ છે. મગજમા થયેલ નુકસાનના પ્રકાર પ્રમાણે પેરાલિસિસમાંથી સાજા થવાનો આધાર રહે છે જે આ તપાસની મદદથી જાણી શકાય છે.
મગજને લોહી વધારે પહોંચાડવા માટે મગજમાં થયેલ લોહીના ગઠ્ઠાને તોડવા માટે, મગજના કોષોને થતું નુકસાન ઘટાડવા માટે એમ જાત જાતના હેતુઓ માટે દવા શોધવાના અને વાપરવાના અખતરાઓ ચાલુ છે પરંતુ હજી સંતોષકારક દવા મળી નથી. ફરીથી પેરાલિસિસનો હુમલો ન આવે એ માટે બ્લડપ્રેશરને કાબૂમા રાખવાની દવા ભૂલ્યા વગર દરેક હાઇબ્લડપ્રેશરના દર્દીએ લેવી જરૂરી છે. આ ઉપરાંત રોજ એસ્પિરિન કે એના જેવી અન્ય ત્રાકકણને ગંઠાતા રોકતી દવાઓ ડોકટરની સલાહથી લેવામાં આવે તો ત્રાકકણ ગંઠાતા અટકે છે અને કેટલાક દર્દીઓમાં પેરાલિસિસનો બીજો એટેક આવતો અટકે છે. પણ બધા દર્દીમાં આ રીતે એટેક અટકાવવો શકય નથી.
હાઇબ્લડપ્રેશરને કારણે આંખની અંદરની રકતવાહિનીઓને નુકસાન થાય છે, જેને પરિણામે લાંબે ગાળે આંખના નેત્રપટલને નુકસાન પહોંચે છે. આંખમાં ઝાંખ વળવી અને કાળા ધાબા દેખાવા વગેરે શરૂઆતનાં લક્ષણો છે જે પૂરતી કાળજી ન રાખવામાં આવે તો કયારેક અંધાપામાં પરિણમે છે. હાઇબ્લડપ્રેશરના દરેક દર્દીએ નિયમિતપણે ઓછામાં ઓછી વરસે એક વખત કોઇ તકલીફ ન હોય તો પણ આંખની તપાસ કરાવી લેવી જોઇએ. આંખની તકલીફ ધરાવતા લોકોએ ડોકટરની સલાહ મુજબ વધુ વખત તપાસ કરાવવી પડે છે.
ઘણા દર્દીઓને હાઇબ્લડપ્રેશર બેકાબૂ રહેવાને કારણે કિડની પર ગંભીર અસરો થાય છે. કિડની ફેઇલ થઇ ગઇ હોય, ડાયાલિસિસ કે પારકી કિડનીને આધારે જીવન ખેંચતા હોય એવા અનેક દર્દીઓને એમનો ઇતિહાસ પૂછશો તો જણાશે કે એમાંથી ઘણા બધા દર્દીઓ હાઇબ્લડપ્રેશરની સારવાર ન કરવાને લીધે એનું દુષ્પરિણામ ભોગવનારા હોય છે. હાઇબ્લડપ્રેશરના જેટલા દર્દીઓ મૃત્યુ પામે છે એમાંથી દશ ટકા જેટલા દર્દીઓનાં મૃત્યુનું કારણ કિડની ફેઇલ થઇ જવાનું હોય છે. બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા રોજની એક - બે સામાન્ય દવા લેવાનું ટાળવાને પરિણામે રોજેરોજ ડાયાલિસિસ કરાવવાની દયાજનક પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. આનાથી બચવું હોય તો અત્યારે જ ચેતી જઇને હાઇબ્લડપ્રેશર છે કે નહીં એની તપાસ કરાવી જો હાઇબ્લડપ્રેશર હોય તો નિયમિત સારવાર લેવાનું અને બ્લડપ્રેશરને કાબૂમાં રાખવાનું ચૂકશો નહીં.
યાદ રાખો, હાઇબ્લડપ્રેશર એ છૂપો કાતિલ છે. એની સમયસરની ઓળખ તથા એ પછી સતત એની પરનો કાબૂ ખૂબ જરૂરી છે.