અંગ્રેજીમાં ‘પ્રેગ્નન્સી ઇન્ડયૂસ્ડ હાઇપરટેન્શન’ તરીકે ઓળખાતી તકલીફમાં સગર્ભાવસ્થાના પાંચમા મહિના (૨૦ અઠવાડિયાં) પછી બ્લડપ્રેશર વધવા લાગે છે. બ્લડપ્રેશર વધવાની સાથોસાથ પગે સોજા આવવાની અને પેશાબમાં પ્રોટીન જવાની તકલીફ શરૂ થઇ જાય છે. પ્રથમ સગર્ભાવસ્થા દરમ્યાન આ તકલીફ થવાની શકયતા વધુ રહે છે. જો હાઇબ્લડપ્રેશર, સોજા અને પેશાબમાં પ્રોટીન જવાની તકલીફની સાથે ખેંચ આવવાની તકલીફ પણ ઊભી થાય તો દર્દીને ‘એકલેમ્પ્સીયા’ તરીકે ઓળખાતી ગંભીર બીમારી થઇ છે એમ કહી શકાય.
જો સગર્ભાવસ્થાના ૨૦ અઠવાડિયાં પહેલાં હાઇબ્લડપ્રેશરનું નિદાન થાય અથવા હાઇબ્લડપ્રેશરના દર્દી સગર્ભા થાય તો એ ‘જૂની હાઇબ્લડપ્રેશરની બીમારી’ તરીકે ઓળખાય છે. જો સગર્ભાવસ્થા પહેલાંથી હાઇબ્લડપ્રેશરની દવા ચાલુ હોય તો સગર્ભાવસ્થા દરમ્યાન ડોકટરને ફરીથી દવા ચાલુ રાખવાની સલામતી અંગે પૂછવું જરૂરી છે. એન્જિયોટેન્સીન કન્વર્ટીંગ એન્જાઇમ (એ.સી.ઇ.) ઇન્હીબીટર (દા.ત. એનાલેપ્રીલ, લીસીનોપ્રીલ, કેપ્ટોપ્રીલ) અને એન્જિયોટેન્સીન રિસેપ્ટર બ્લોકર જૂથની દવાઓ (દા.ત. લોસારટન) લેવાથી આવનાર બાળકની કિડની અને ફફેસાં પર વિપરીત અસરો થાય છે. આ જ રીતે બીટા-બ્લોકર જૂથની દવાઓ (દા.ત. એટેનોલોલ, મેટેપ્રોલોલ, પ્રોપેનોલોલ વગેરે) સગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમ્યાન લેવાથી ગર્ભના વિકાસ પર વિપરીત અસર પડે છે. પરંતુ સગર્ભાવસ્થાના પાછલા મહિનાઓમાં બીટા-બ્લોકર દવાની કોઇ વિપરીત અસર જણાતી નથી.
સગર્ભાવસ્થા દરમ્યાન બ્લડપ્રેશરને કાબૂમાં લેવા માટે દર્દીને પડખાભેર સૂઇને આરામ લેવાનું જણાવવામાં આવે છે અને જરૂર પડયે ડોકટરની સલાહથી મિથાઇલ ડોપા નામની દવા વાપરવામાં આવે છે. સગર્ભાવસ્થામાં આ દવાના વપરાશનો સૌથી વધુ અનુભવ છે અને એ સૌથી સલામત ગણવામાં આવે છે. જો આરામ અને દવાઓ લેવા છતાં બ્લડપ્રેશર કાબૂમાં ન આવતું હોય અને તકલીફ વધ્યા કરતી હોય તો ડોકટરની સલાહથી સગર્ભાવસ્થા ટૂંકાવવાનો નિર્ણય કયારેક લેવો પડે છે. સગર્ભાવસ્થા પુરી થયા પછી સામાન્ય રીતે થોડાક મહિનાઓમાં જ સગર્ભાવસ્થાથી વધેલ બ્લડપ્રેશર પાછું નોર્મલ થઇ જાય છે.
યાદ રાખો, સગર્ભાવસ્થા દરમ્યાન દરેક સ્ત્રીએ બ્લડપ્રેશર મપાવવું ખૂબ જરૂરી છે અને વધુ આવે તો આરામ અને સારવાર વિના વિલંબે શરૂ કરી દેવાં જોઇએ. દવા ન લેવાની જીદ કયારેક જીવલેણ પણ નીવડે છે.