હાઇબ્લડપ્રેશર

11. બ્લડપ્રેશર મપાવતા રહેવાની જરૂર કોને હોય છે?

હાઇબ્લડપ્રેશરને જો એના શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવું હોય તો એક જ રસ્તો છે કે દરેક તંદુરસ્ત માણસે વર્ષમાં એકાદ વખત તો બ્લડપ્રેશર મપાવવું જ જોઇએ. ખાસ કરીને અમુક જૂથની વ્યક્તિ હાઇબ્લડપ્રેશર માટે 'હાઇ રિસ્ક' કહેવાય છે અને તેમણે તો અચૂક વર્ષે ઓછામાં ઓછું એક બે વાર બ્લડપ્રેશર મપાવવું જ જોઇએ. 'હાઇ રિસ્ક' જૂથમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે.

  1. ૪૦ વર્ષથી વધુ ઉંમર.
  2. વધુ પડતું વજન (૨૦% થી વધુ મેદવૃદ્ધિ).
  3. ડાયાબિટીસના દર્દી.
  4. ધૂમ્રપાન કરનાર વ્યક્તિ.
  5. વધુ પડતું મીઠું (નમક) ખાનાર વ્યક્તિ.
  6. જેમનાં નજીકનાં સગાઓને હાઇબ્લડપ્રેશર હોય.
  7. સતત માનસિક તણાવ અનુભવતી વ્યક્તિ.
  8. લાંબા સમયથી ગર્ભનિરોધક કે સ્ટીરોઇડ દવા લેનાર.
  9. માથું દુ:ખવું, ચક્કર આવવા વગેરે લક્ષણો.
  10. હ્રદયરોગ, પેરાલિસિસ, કિડનીની બીમારી.
  11. સગર્ભાવસ્થા.

જો ઉપરની યાદીવાળી વ્યક્તિઓ નિયમિતપણે પોતાનું બ્લડપ્રેશર મપાવ્યા કરે તો ઘણા બધા દર્દીઓનો રોગ શરૂઆતના તબક્કામાં જ પારખી લઇ દવા કરવાનું શક્ય બને છે.

    ♥ એક વખત વધુ આવે તો ફરીથી બી.પી. કયારે મપાવવું?

નોર્મલ - બે વર્ષે

હાઇનોર્મલ - એક વર્ષે

ગ્રેડ ૧ (થોડું વધારે બ્લડપ્રેશર: ઉપરનું ૧૪૦-૧૫૯ કે નીચેનું ૯૦-૯૯) - બે મહિને

ગ્રેડ ૨ (વધારે બ્લડપ્રેશર: ઉપરનું ૧૬૦-૧૭૯ કે નીચેનું ૧૦૦-૧૦૯) - એક મહિને

ગ્રેડ ૩ (ખૂબ વધારે બ્લડપ્રેશર: ઉપરનું ૧૮૦ થી વધુ કે નીચેનું ૧૧૦ થી વધુ) - તાત્કાલિક સારવાર અને એક અઠવાડિયા અંદર