હાઇબ્લડપ્રેશરના દર્દીઓની સૌથી મોટી કમનસીબી એ હોય છે કે મોટાભાગના દર્દીઓમાં હાઇબ્લડપ્રેશરને ઓળખી શકાય એવાં કોઇ લક્ષણો કે ચિહ્નો દેખાતાં નથી, એટલે જ હાઇબ્લડપ્રેશરને સાયલેન્ટ કીલર કહેવાય છે.
હાઇબ્લડપ્રેશરના બહુ જ થોડા દર્દીઓને માથું ભારે થવું, ચક્કર આવવા, કાનમાં તમરાં બોલતાં હોય એવો અવાજ સંભળાવો, નસકોરી ફૂટવી, અશક્તિ લાગવી, છાતીમાં ધડકન વધી જવી વગેરે જુદા જુદા પ્રકારની તકલીફો થઇ શકે. આવી તકલીફો હાઇબ્લડપ્રેશર સિવાયના પણ અનેક રોગોમાં થઇ શકે છે એટલે માત્ર તકલીફોને આધારે જ હાઇબ્લડપ્રેશરના નિદાન પર પહોચવું ખૂબ મુશ્કેલ હોય છે. મોટાભાગના હાઇબ્લડપ્રેશરના દર્દીઓનું નિદાન આકસ્મિક જ રૂટીન દાક્તરી તપાસ દરમ્યાન, બ્લડપ્રેશર માપતી વખતે થાય છે. બાકીના અમુક દર્દીઓમાં તો છૂપો કાતિલ જયારે નકાબ ચીરીને બહાર આવી જાય છે ત્યારે હાઇબ્લડપ્રેશરને કારણે પેરાલિસિસ, હાર્ટએટેક કે કિડની ફેઇલ થઇ જવી જેવાં કોમ્પ્લિકેશન થઇ ગયા પછી જ હાઇબ્લડપ્રેશરનું નિદાન શક્ય બને છે.
એક વાર હાઇબ્લડપ્રેશરનું નિદાન થાય એ પછી એનાથી કેટલું નુકસાન થયું છે એ જાણવા માટે અને હાઇબ્લડપ્રેશર થવાનું કારણ મળે તો એ શોધવા માટે અન્ય કેટલીક તપાસો કરવામાં આવે છે. હ્રદયની કામગીરી વ્યવસ્થિત ચાલે છે કે નહિ એ જોવા માટે સ્ટેથોસ્કોપથી સાંભળવા ઉપરાંત ઇ.સી.જી. (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) કરવામાં આવે છે.
હાઇબ્લડપ્રેશરના લગભગ દરેક દર્દીને આંખના ડોક્ટર પાસે આંખનું ચેક-અપ કરવા માટે મોકલવામાં આવે છે. ઓપ્થેલ્મોસ્કોપ નામના સાધન વડે આંખના નેત્રપટલ પર આવેલ રક્તવાહિનીઓની સીધી તપાસ વડે હાઇબ્લડપ્રેશરે મચાવેલ ઉત્પાતનો પૂરો ખ્યાલ મળી શકે છે.
કિડની બરાબર ચાલે છે કે નહીં એ જાણવા માટે પેશાબ ઉપરાંત લોહીમાં યુરિયા, ક્રીએટીનીનની તપાસ કરવામાં આવે છે, આ તપાસથી ખબર પડી શકે છે કે લોહીનો કચરો કિડની દ્વારા પૂરતા પ્રમાણમાં સાફ થાય છે કે નહીં.
આ ઉપરાંત હાઇબ્લડપ્રેશરની સાથોસાથ ઘણીવાર ડાયાબિટીસ સંકળાયેલો હોવાથી, લગભગ દરેક દર્દીના લોહી અને પેશાબની શુગર પણ તપાસ કરાવી લેવી જોઇએ.
આમ, એક વાર હાઇબ્લડપ્રેશરની બીમારીનું નિદાન થાય એટલે આવા અનેક જાતના ટેસ્ટ કરાવવા જરૂરી બની જાય છે. શરૂઆતના તબક્કામાં એક વખત કરાવી લીધેલ આ ટેસ્ટને ભવિષ્યમાં કોઇ કોમ્પ્લિકેશન ઊભું થાય ત્યારે, પાયાના આધાર તરીકે ગણીને કોમ્પ્લિકેશન વખતે કરેલા નવા ટેસ્ટ સાથે સરખાવી શકાય છે.