હાઇબ્લડપ્રેશર

1. બ્લડપ્રેશર એટલે શું?

જે રીતે આપણાં ઘરોમાં પાઇપ વાટે પાણી પહોંચે છે એ જ રીતે આપણા શરીરના દરેકે દરેક અંગોમાં રક્તવાહિનીઓ વાટે લોહી પહોંચે છે. પાઇપના છેક છેવાડાના ભાગ સુધી પૂરતું પાણી પહોંચે એ માટે પાણીને ચોક્કસ ઊંચાઇએથી ચોક્કસ પ્રેશર હેઠળ મોકલવામાં આવે છે. એ જ રીતે શરીરના દરેકે દરેક અંગને પૂરતું લોહી પહોંચી રહે એ માટે લોહીને પણ ચોક્કસ પ્રેશરથી હ્રદય ધક્કો મારે છે. શરીરના દરેક અંગ સુધી લોહી પહોંચાડવા માટેના ચોક્કસ પ્રેશરને જ બ્લડપ્રેશર કહેવાય છે.

ભૌતિક શાસ્ત્રની ભાષામાં કહીએ તો, રક્તવાહિનીઓની દિવાલ પર લોહી દ્વારા લાગતું દબાણ એટલે બ્લડપ્રેશર. જયારે હ્રદય સંકોચાઇને લોહીને રક્તવાહિનીમાં ધકેલે છે ત્યારે તત્પૂરતું આ દબાણ વધી જાય છે, જે સિસ્ટોલિક કે ઉપરના બ્લડપ્રેશર તરીકે ઓળખાય છે. હ્રદયના બે ધબકાર વચ્ચેના સમયમાં પણ લોહીનો પ્રવાહ તો સતત વહેતો જ હોય છે. આ સમયના લોહીના દબાણને ડાયાસ્ટોલિક અથવા નીચેનું બ્લડપ્રેશર કહેવાય છે. આમ, લોહીનું દબાણ હ્રદય ધબકે ત્યારે અને બે ધબકારની વચ્ચે બદલાય છે અને એટલે જ દરેક માણસનું બ્લડપ્રેશર સિસ્ટોલિક (ઉપરનું) અને ડાયાસ્ટોલિક (નીચેનું) એમ બે આંકડાઓમાં મપાય છે.